સુરત, તા.૧૯
મરણ પ્રસંગે વતન રાજસ્થાન ગયેલા કાપડના વેપારીના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનના દરવાજાનો નકૂચો તોડી તસ્કરો ૪૫ હજાર કિંમતની મતા ચોરી ગયા હતાં. ગોડાદરાની સાઇનગર સોસાયટીમાં બનેલા આ બનાવ અંગે લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.લીંબાયત પોલીસ મથકનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગોડાદરામાં આવેલા સાઇનગરમાં રહેતાં રૂપારામ રાજારામ કાગ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે.
તેમના વતનમાં કોઇ સંબંધીનું મૃત્યું થતાં તેઓ ગત ૧૩મી તારીખે સપરિવાર વતન ગયા હતાં. બે દિવસ બાદ રૂપારામ પરત ફર્યા ત્યારે તેમને તેમના ઘરના દરવાજાનો મારેલું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં સર સામાન રફેદફે હોય ચોરી થયાનું જણાયું હતું. કબાટ વિગેરે ચેક કરવામાં આવતાં ત્યાંથી રોકડા ૪ હજાર તેમજ સોના ચાંદીના દાગીના ગાયબ હોવાનું માલમ પડયું હતું. ઘરમાંથી કુલ ૪૫ હજારની મતા ચોરાવા અંગે રૂપારામ કાગે ફરિયાદ નોંધાવી હતી. સબ ઇન્સ્પેક્ટર વાઢેરે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.