ભાવનગર તા. ૧૯
ભાવનગર શહેરના વડવા સીદીવાડ વિસ્તારમાં રહેતા કાળુભાઈ ભીખુભાઈ કુરેશીએ ગત તા. ૧૭ ઓગષ્ટે પોતાનો પુત્ર અલ્તાફ ગુમ થઈ ગયેલ છે તેવી ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી, ત્યારબાદ આ યુવાનની હત્યા કરેલી લાશ પાલિતાણા તાલુકાના હડમતીયા ગામેથી મળી આવી હતી.
- પાલિતાણાના હડમતીયા ગામે યુવાનની હત્યા કરી લાશ કુવામાં ફેકી દીધી હતી
- સાળીના પ્રેમીએ હત્યા કર્યાનુ ખુલ્યુ
મૃતક યુવાનના પત્ની તાહેરાબેનની પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, તેના પતિ ઘરે મોબાઈલનો ઘા કરી ચાલ્યા ગયા હતા અને તેઓ તેને વારંવાર ત્રાસ આપતા હતાં. મૃતક યુવાન અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતા હતાં. આ બાબતે પોલીસને શંકા પડી હતી તેથી પોલીસે મૃતકની પત્ની, સાળી રેશ્મા વગેરેની પુછપરછ કરી હતી. આ ઉપરાંત મૃતક અલ્તાફને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હતા તેની પુછપરછ કરી હતી.
આ કેસમાં રજાક અલાઉદીનભાઈ વસાયા ખોજા (ઉ.૪૦ રહે. કુંભારવાડા, માઢીયા રોડ, મુળ હડમતીયા તા. પાલિતાણા)નુ નામ ખુલ્યુ હતુ તેથી પોલીસે આ શખસને કુંભારવાડા પાસેથી ઝડપી લઈ તેની પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો. આ શખસે જણાવ્યું હતુ કે, તે મૃતક અલ્તાફની સાળી રેશ્માને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ અલ્તાફ તેમાં નડતર રૂપ થાય તેમ હોય તેથી અલ્તાફની પત્ની, તેની સાળી અને તેઓએ અલ્તાફની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
અલ્તાફ અને તેઓ બંને રીક્ષા ચલાવતા હતા અને મિત્ર હતા તેથી અલ્તાફને તેણે રીક્ષા રીપેરીંગ કરવવા પાલિતાણા જવાનુ છે તેમ કહી તે અલ્તાફને પાલિતાણા લઈ ગયો હતો, ત્યારબાદ પાલિતાણાથી બંને પોતાના ગામ હડમતીયા વાડીએ ગયા હતા અને ત્યાં ધારીયાના ઘા ઝીંકી અલ્તાફનુ ઢીમઢાળી દઈ તેની લાશને બાજુની વાડીના કુવામાં ફેંકી દીધી હતી. આ હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ ગુનામાં મૃતક યુવાનની પત્ની અને સાળી સંડોવાયેલ હોય પોલીસે તેની પણ બાપેસરા કુવા પાસેથી ધરપકડ કરી હતી. આ બાબતે પાલિતાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ જે.કે.ઝાલાએ હાથ ધરી છે. આ કામગીરીમાં એ ડિવિઝનના પી.આઈ. પ્રદીપસિંહ જાડેજા, એલસીબી પી.આઈ. ઝેડ.આર.દેસાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખેલ છે.
મૃતક યુવાન સાળીનું શારીરિક શોષણ કરતો !
મૃતક અલ્તાફ અને તેની સાળી રેશ્મા બાજુમાં જ રહેતા હતા પરંતુ અલ્તાફ પોતાની પત્નીને ત્રાસ આપતો હતો અને સાળી રેશ્માનુ શારિરીક શોષણ કરતો હતો તેથી તેઓ કંટાળી ગયા હતા તેમ મૃતક પત્ની અને સાળીએ પોલીસને જણાવ્યું હતું. મૃતક યુવાનને અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હતા તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
મૃતક યુવાનની સાળીનો પતિ ચોરીના ગુનામાં ફરાર
મૃતક યુવાન અલ્તાફની સાળી રેશ્માના લગ્ન સાદીક ઉંમરભાઈ પઠાણ સાથે થયેલ છે પરંતુ સાદીક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે અને તે ઘરેથી ફરાર થઈ ગયેલ છે. ત્યારબાદ રેશ્માને રજાક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેઓ બંને લગ્ન કરવાનુ વીચારી રહ્યાં હતા પરંતુ મૃતક અલ્તાફ તેમને લગ્ન કરવામાં નડે તેમ હોય તેથી તેની હત્યા કરી નાખી હતી.