રાજકોટ,તા.૧૯
રાજકોટ પોલીસ તંત્રની ઉંધ હરામ કરી દેનાર તસ્કર ગેંગ સાતમ-આઠમના તહેવાર પર હાહાકાર મચાવી દીધો હતો ત્યારે ટાગોર રોડ દ્વારકાધીશ કેમ્પલેકસમાં આવેલા વિપટેક કોમ્પ્યુટર કંપનીમાં થયેલી ૪.૭૫ લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં એ ડીવિઝન પોલીસને સફળતા મળી છે જેમાં સફાઈ કામદારની ધરપકડ કરી રૂ. ૪.૬૮ લાખની રોકડ રકમ કબજે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
- રાજકોટના ટાગોર રોડ કમ્પ્યુટર કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ખૂલ્યો
- આરોપીએ સમગ્ર ઘટનાનું રિહર્સલ કરી બતાવ્યું : ૪.૮૬ લાખ કબજે
આ અંગેની મળતી વિગત મુજબ ટાગોર રોડ પર વિરાણી ચોકમાં દ્વારકાધીશ કોમ્પલેકસમાં આવેલ વિપટેક કોમ્પ્યુટર કંપનીમાંથી કર્મચારીના પગાર માટે રાખેલ રૂ. ૪૭૫૦૦૦ની રોકડ રકમ ચોરાઈ ગયાની નાનામવા રોડ પર રોયલ એસ્ટેટ એપાર્ટમેન્ટમાં રહેતા ડાયરકેટર ચેતન પ્રેમજીભાઈ પટેલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કોમ્પ્યુટર કંપનીમાં થેયલી ચોરીમાં પ્રથમથી જ જાણભેદૂ નો હાથ હોવાની શંકા પરથી પોલીસે કંપનીમાં નોકરી કરતા ૪૦ જેટલા કર્મચારીઓની પુછપરછ કરી હતી પરંતુ કોઈ ફળદાયી હકીકત મળી ન હતી.
ત્યારબાદ એ ડિવીઝન પી.આઈ. નરેન્દ્રસિંહ રાઠોડ, ગજુભાઈ, મુળરાજસિંહ, અરવિંદભાઈ સહિતના સ્ટાફે મોબાઈલ ફોન પર તપાસ કેન્દ્રીત કરી હતી જેમાં તાજેતરમાં રાષ્ટ્રપતી ચંદ્રકથી સન્માનીત થયેલા પીએસઆઈ એન.એમ. ઝાલાએ આપેલી માહિતી પર તપાસ કરતા બનાવની સવારે ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં.-૭માં રહેતા સફાઈ કામદાર દિપક મનજી ચૌહાણના મોબાઈલનું લોકેશન દ્વારકાધીશ કોમ્પલેકસમાં હોવાનું જાણવા મળતા તેની અટકાયત કરી સધન પૂછપરછ કરતા આરોપી પોલીસ સમક્ષ ભાંગી પડયો હતો અને વિપટેક કંપનીમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસ સમક્ષ જણાવ્યા પ્રમાણે સફાઈ કામદાર સવારે બિલ્ડીંગમાં સફાઈ કરવા ગયો ત્યારે વિપટેક કંપનીના પાછળનો દરવાજાના નટ બોલ્ટ ઢીલા હોય હાથથી ડાયરેકટર ચેતનભાઈના ટેબલનું ખાનુ ડીસમીસથી તોડી રૂ. ૪.૭૫ લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી પલવારમાં ઓફિસના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો હતો જે ઘટનાનું પોલીસ સમક્ષ રિહર્સલ પણ કરી બતાવ્યું હતું.
વિપટેક કંપનીમાંથી ચોરી કરેલી રકમમાંથી આરોપીએ ૬પ૦૦ રૂપિયા મેળામાં વાપરી નાખ્યા હતા જયારે બાકીની રકમ ૪૬૮૫૦૦ પોતાના રૂમમાં ડી.વી.ડી.ના બોકસમાં છૂપાવેલ હોય તે કાઢી આપતા પોલીસે કબ્જે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.