યાંગૂન, તા. ૨૦
મ્યાનમારમાં મીડિયા પર લાગેલી સેન્સરશિપને ત્યાંની અસૈનિક સરકારે હટાવી લીધી છે. દેશની અસૈન્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સુધારાની કડીમાં આ સૌથી મોટો તાજેતરનો સુધારો છે.
મ્યાનમારમાં ગયા વર્ષે નાગરિક સરકારે સત્તા સંભાળી હતી. સત્તા સંભાળ્યાની સાથે જ આ સરકારે રાજકીય સુધારાઓ માટે અનેક પગલાં ઉઠાવ્યાં છે, જેમાં સોમવારે દેશમાં ૪૮ વર્ષથી ચાલી રહેલી મીડિયા પરની સેન્સરશિપને હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મ્યાનમારના પ્રેસ ચકાસણી અને રજિસ્ટ્રેશન વિભાગે જણાવ્યું હતું કે દેશમાં મીડિયા પર ૬ ઓગસ્ટ, ૧૯૬૪ના રોજથી સેન્સરશિપ લાદવામાં આવી હતી. વિભાગની વેબસાઇટ પર મૂકેલાં નિવેદન પ્રમાણે બધા જ સ્થાનીય પ્રકાશનો પરની સેન્સરશિપ ૨૦ ઓગસ્ટ, ૨૦૧૨થી હટાવી લેવાઈ છે.
- ૩૦૦ અખબારો, પત્રિકાઓ અને ૩૦ હજાર સાઇટ્સ પરથી સેન્સરશિપ હટી
- ૬ ઓગસ્ટ ૧૯૬૪થી મીડિયા પર સેન્સરશિપ મુકાઈ હતી
- મ્યાનમારમાં અખબારોથી લઈને ગીતના શબ્દો પણ સેન્સર કરાતા હતા
પ્રકાશન પહેલાં જ અમલમાં લાવવામાં આવતી સેન્સરશિપ મ્યાનમારમાં ગયા વર્ષે જ ખતમ થયેલી સૈન્ય સરકારની એક ઓળખ બની ગઈ હતી. આ સેન્સરશિપ અંતર્ગત અખબારોથી લઈને ગીતોના શબ્દો પણ સેન્સર કરવામાં આવતા હતા. લગભગ ૩૦૦ અખબારો અને પત્રિકાઓને ઓછા સંવેદનશીલ મુદ્દાઓ પર સેન્સરશિપ વિના સમાચારો પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવી છે તેમજ ૩૦ હજાર ઇન્ટરનેટ સાઇટ્સ પરથી પણ પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે.
ગયા વર્ષે જ અમુક પ્રતિબંધો હટાવી લેવાયા હતા, જો કે આ વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ફિલ્મો પરની સેન્સરશિપ હજી પણ ચાલુ રાખવામાં આવશે. ગયા વર્ષે સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ થિયેન શિને અનેક નાટકીય બદલાવ કર્યા છે, જેમાં સેંકડો રાજનીતિક કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય સૌથી મહત્ત્વનો હતો જે રાજનીતિક કેદીઓને છોડી મુકાયા છે તેમાં વિપક્ષી નેતા આંગ સાન સુ કી પણ સામેલ છે.