નવી દિલ્હી, તા. ૨૦
કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાંથી ઉત્તર-પૂર્વ ભારતનાં લોકોની હિજરત ભણી દોરી ગયેલી અફવાઓ ફેલાતી રોકવા કેન્દ્ર સરકારે બલ્ક એસએમએસ અને બલ્ક એમએમએસ પર પ્રતિબંધ લાદ્યો છે પરંતુ આ પ્રતિબંધની અસર નહિવત્ થશે, તેવો નિષ્ણાતોનો મત છે.
મોબાઇલ ફોન્સની ફ્રી મેસેજિંગ એપ્લિકેશન્સ પર અંકુશ લાદી શકાય તેમ નથી
નિષ્ણાતોના કહેવા મુજબ, સરકારે બલ્ક એસએમએસ અને બલ્ક એમએમએસ પર તો પ્રતિબંધ લાદ્યો છે પણ મોબાઇલ ફોન્સમાં ઉપલબ્ધ ફ્રી મેસેજિંગ એપ્લિકેશન્સ પર અંકુશ લાદી શકાય તેમ નથી, કેમ કે સામાન્ય બેઝિક ફીચર ફોન્સ બજારમાં અઢી-ત્રણ હજાર રૃપિયામાં ઉપલબ્ધ છે, જે ઓનલાઇન મેસેજિંગ સુવિધા ધરાવતા હોય છે તેથી હવે પહેલાં જેવી સ્થિતિ નથી રહી કે સાવ ઓછી વ્યક્તિઓ ફોટો કે વીડિયો શેર કરી શકે, હવે તો જેની પાસે ઓનલાઇન મેસેજિંગ સુવિધાવાળો ફોન ન હોય તેવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. ટૂંકમાં, બલ્ક એસએમએસ અને બલ્ક એમએમએસ પરનો પ્રતિબંધ અસરકારક સાબિત ન થવાની પૂરી શક્યતા છે તેથી સરકારે બલ્ક એસએમએસ પર પ્રતિબંધ લાદવાને બદલે લોકોને ખાતરી આપવી પડશે કે તેમની સલામતી જોખમમાં નથી અને તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે તેમજ અફવાઓ ફેલાવવાથી દૂર રહે તેમ નિષ્ણાતોએ ઉમેર્યું હતું.