સીડની, તા. ૨૦
ઓસ્ટ્રેલિયન કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આઇ ફોન એપ્લિકેશન બેબી બમ્પ સામે વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. આઈ ફોન માટે તૈયાર કરાયેલી બેબી બમ્પ એપ્લિકેશનમાં કોઈ પણ વ્યક્તિનો ફોટો લઈને તેણે ગર્ભ ધારણ કર્યો હોય તેમ દર્શાવી શકાય છે. આ એપ્લિકેશનને બેજવાબદાર ગણીને પરિવાર નિયોજન ગ્રૂપ્સ તેનો વિરોધ કરી રહ્યાં છે.
- વિવાદિત બેબી બમ્પ એપ સામે ઓસ્ટ્રેલિયામાં આક્રોશ
- પરિવાર નિયોજન ગ્રૂપ્સે બેબી બમ્પ એપનો વિરોધ કર્યો
- ટિનેજર પ્રેગ્નન્સીને લઈને ઓસ્ટ્રેલિયમાં એપ્લિકેશનને પરત ખેચવા માગ
ઓસ્ટ્રેલિયન કંપનીએ બનાવેલા આઇફોન એપમાં તસવીરને માર્ક કરીને માત્ર એક બટન દબાવતાંની સાથે જ યુવતીએ ગર્ભ ધારણ કર્યો હોય તેવી તસવીર બની જાય છે. હાલમાં ઓસ્ટ્રેલિયન સ્ટોર્સમાં આ એપ્લિકેશન ધૂમ મચાવી રહી છે અને દિવસેને દિવસે લોકપ્રિય બનતી જાય છે. મનોરંજન કેટેગરીમાં આવતી એપ્લિકેશન્સમાં હાલમાં તેનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે. એપ દ્વારા સામાન્ય તસવીરને નવ મહિનાની પ્રેગનન્સીમાં ફેરવી શકાતી હોવાથી મનોરંજન માટે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
એપ્પી ડયૂડ નામની કંપનીએ આ એપ્લિકેશન બનાવી છે. કંપનીના અન્ગુસ મુલાનેનું કહેવું છે કે તેઓ લોકોને માત્ર હસાવવા માગતા હતા અને તેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ઘણી ટિનેજર છોકરીઓએ પણ ફેસબુક પર ગર્ભ ધારણ કરેલો ફોટો મૂકીને તેમનાં પેરન્ટ્સને ચોંકાવી દીધાં હતાં, જો કે પરિવાર નિયોજન ગ્રૂપ્સ આ એપ્લિકેશનને બજારમાંથી પરત ખેંચી લેવાની માગ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન સેક્સ્યુલ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગના વડા જોન રમાડ્ગેનું કહેવું છે કે આ એપ્લિકેશન અત્યંત ત્રાસદાયક છે. ટીનેજર પ્રેગ્નન્સીએ ખૂબ જ ગંભીર વિષય છે.
તેમનું કહેવું છે કે આ એપ્લિકેશનનો ટિનેજર્સ પણ ઉપયોગ કરતા હોવાથી તે યોગ્યો નથી. ટીનેજર પ્રેગ્નન્સીએ કોઈ હળવાશમાં લેવાનો વિષય નથી, તેનાથી યુવતીઓ અને તેમના પરિવાર સામે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. રમાડ્ગેએ ચેતવણી આપતાં કહ્યું હતું કે તેનો સાયબર હુમલાઓ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે, તેનાથી કોઈ પણ ટિનેજર યુવતીને પ્રેગ્નન્ટ થયેલી બતાવી શકાય છે, જે તેના માટે ઘાતક નીવડી શકે છે.
જો કે કંપનીએ તેનો બચાવ કરતાં કહ્યું હતું કે તે માત્ર મનોરંજન માટે જ છે અને જ્યારે બેબી બમ્પ એપ્લિકેશનને બનાવાઈ હતી ત્યારે જ તેને જાણ હતી કે ઘણાં લોકોને તે પસંદ નહીં પડે અને ઘણાં લોકોને તે ખૂબ જ પસંદ કરશે.