નવી દિલ્હી, તા. ૨૦
- કાંડા પૂછપરછમાં ઉડાઉ જવાબો આપતો હોવાની દિલ્હી પોલીસની રાવ
- અરુણા ચઢ્ઢાના વધુ ૩ દિવસના પોલીસ રિમાન્ડ માટેની અરજી કોર્ટે ફગાવી
ગીતિકા શર્મા આપઘાત કેસમાં પોલીસતપાસમાં સહકાર નહીં આપી રહેલા હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી ગોપાલ કાંડાનો બ્રેઇન મેપિંગ ટેસ્ટ લેવા દિલ્હી પોલીસ વિચારી રહી છે. બીજી તરફ આ કેસની અન્ય આરોપી, કાંડાની એરલાઇનની એચઆર મેનેજર અરુણા ચઢ્ઢાના વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ માગતી અરજી દિલ્હીની કોર્ટે ફગાવી દીધી છે અને અરુણાને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપી છે.
૧૦ દિવસ સુધી ધરપકડ ટાળ્યા બાદ કાંડા શનિવારે સવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, કાંડા પૂછપરછ દરમિયાન ઉડાઉ જવાબો આપતો હતો અને ૨૩ વર્ષીય ગીતિકા શર્મા સાથે કોઇ સંબંધો હોવાનો તેણે ઇનકાર કર્યો હતો. પોલીસ તેનો બ્રેઇન મેપિંગ ટેસ્ટ લેશે કે કેમ? તેવા પત્રકારોના સવાલના જવાબમાં નોર્થ-વેસ્ટ દિલ્હીના ડીસીપી પી. કરુણાકરને કહ્યું હતું કે, "જરૃર જણાશે તો અમે તેનો બ્રેઇન મેપિંગ ટેસ્ટ લઇશું. અમે તેને જ્યાં તપાસ જરૃરી જણાશે તેવાં તમામ સ્થળોએ પણ લઇ જઇશું."
"કાંડાની પૂછપરછમાં અમને હજુ સુધી કોઇ નક્કર વિગતો મળી નથી, મળશે તો અમે તમને કહીશું. કાંડા એમ કહેતો હતો કે તે પોલીસ સમક્ષ હાજર થયો તે પહેલાં ૧૦ દિવસ હરિયાણાના સિરસામાં હતો, તે પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી." તેમ કરુણાકરને ઉમેર્યું હતું.
પોલીસ કોર્ટની મંજૂરી મળ્યા બાદ કાંડા અને અરુણાને સાથે રાખીને બન્નેની પૂછપરછ કરવા પણ વિચારી રહી છે, કેમ કે પોલીસસૂત્રોનું કહેવું છે કે અરુણા અને કાંડાએ પોલીસને આપેલી કેટલીક વિગતો વિરોધાભાસી છે. તપાસ અધિકારીઓએ કાંડાની ગુડગાંવ ખાતેની ઓફિસેથી કેટલાંક કમ્પ્યૂટર્સ કબજે કર્યા છે. અલબત્ત, ઓફિસમાંથી ત્રણ હાર્ડ ડિસ્ક ગાયબ હતી.