શ્રીનગર, તા. ૨૦
હિંસક ટોળાંએ પોલીસના ત્રણ જવાન પર હુમલો કરી ઘાયલ કર્યા
શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં સોમવારે ઇદની નમાજ બાદ યુવકોના એક ટોળાએ પોલીસનાં વાહનમાં આગચંપી કરી ત્રણ પોલીસ જવાનોને ઘાયલ કર્યા હતા. જૂના શહેર ઇદગાહમાં સામૂહિક નમાજ બાદ સેંકડો યુવકોએ રસ્તા પર નાકાબંધી કરી પોલીસનાં વાહનોને અટકાવ્યાં હતાં તથા તેમને વાહનમાંથી ઊતરી જવા કહ્યું હતું ત્યાર પછી ટોળાએ પોલીસની એક વાન સળગાવી દીધી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર, ટોળાએ આસિસ્ટન્ટ સબઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ જવાન પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા, પરંતુ તેઓ ગમે તેમ કરી ત્યાંથી નાસી છૂટયા હતા. ઇદગાહ વિસ્તારમાં પરિસ્થિતિ શાંત પાડવા પોલીસે અશ્રુગેસના ગોળા તથા હવામાં ગોળીબાર કરવો પડયો હતો. આ સિવાય વધારાના પોલીસજવાનો તથા અર્ધલશ્કરી દળના જવાનોની પણ મદદ લેવાઈ હતી, જોકે પોલીસને ઇદગાહમાં અચાનક બનેલી હિંસક ઘટનાનું સાચું કારણ જાણવા મળ્યું નથી.
બીજી તરફ અલગાવવાદી નેતાઓએ સરકાર દ્વારા મિરવૈઝ ઉમર ફારૂક જેવા ર્હુિરયત કોન્ફરન્સના નેતાઓ પરના પ્રતિબંધના વિરોધમાં આ હિંસક ઘટનાઓ બની હોવાનું ફરી રટણ કર્યું છે. ઇદની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે રાજ્ય સરકારે રવિવારે જ મિરવૈઝ, સઇદઅલી સાહ ગિલાની અને મોહમ્મદ યાસિન મલિકને નજરકેદ કર્યા હતા, જોકે ઇદગાહની હિંસક ઘટના સિવાય રાજ્યમાં હજારો લોકોએ પરંપરાગત રીતે નમાજ કર્યા બાદ હર્ષોલ્લાસ સાથે ઇદની ઉજવણી કરી હતી.