Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:21:35 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સફળતા માટે શોર્ટકટ જોખમી

Sep 10, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4638
Rate: 2.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ

પૈસા, પ્રસિદ્ધિ અને પબ્લિસિટી મેળવવાની ધૂનમાં અમુક યુવતીઓ પોતાના વ્યક્તિત્વની ગરિમાને દાવ પર લગાવી દેતી હોય છે. ગીતિકા સ્યુસાઇડ કેસ હોય કે ભંવરી દેવી કે પછી કવયિત્રી મધુમિતાની વાત હોય. ક્યાંક પ્રેમ માટે તો ક્યાંક પ્રસિદ્ધિ, પૈસા અને જલદી સફળ બની જવાની ઝંખના માટે સ્ત્રી પોતાની ક્ષમતાને બદલે સૌંદર્યને મિસયુઝ કરતી હોય છે પણ આવી પ્રસિદ્ધિ, પૈસા અને સક્સેસ પછી શું? રહસ્યમય મોત!

ભંવરી દેવી

રાજસ્થાનમાં સરકારી હોસ્પિટલમાં નર્સનું કામ કરતી ભંવરી દેવી જેટલી સુંદર હતી તેટલી જ મહત્ત્વાકાંક્ષી પણ હતી. જલદી પૈસા મેળવવાની ધૂને તેને બદનામી અને કમોત સિવાય બીજું કંઈ ન આપ્યું! પોતાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે તેણે રાજસ્થાનના જળવિભાગના પ્રધાન મહિપાલ મદેરણાની સાથે પ્રેમનું ચક્કર ચલાવ્યું અને તેમની સેક્સ્યુઅલ એક્ટવાળી સીડી પણ બનાવડાવી. તેણે મહિપાલ પાસેથી અનેક આર્થિક લાભ મેળવ્યા હતા. ધારાસભ્ય મલખાન સિંહ સાથે પણ તેના પ્રેમસંબંધની વાત બહાર આવી હતી. આ સ્ત્રી સાથેનો સંબંધ આ બંને પોલિટિકલ પર્સનાલિટીની રાજકીય કારકિર્દીમાં અડચણરૂપ બને તેમ હતો. આ બધી જ ચર્ચા દરમિયાન ૨૦૧૧ની પહેલી સપ્ટેમ્બરે ભંવરી દેવી ક્યાંક ગુમ થઈ ગઈ અને મદેરણાની હકાલપટ્ટી થઈ, પણ આ બધાની વચ્ચે અંતે તો મોતના મુખમાં ભંવરી દેવી જ હોમાઈ.

કવયિત્રી મધુમિતા

લખનૌની જાણીતી કવયિત્રી મધુમિતા ઉત્તર પ્રદેશના એક નેતા અમરમણિ ત્રિપાઠીના ગળાડૂબ પ્રેમમાં હતી. અમરમણિ મેરીડ હોવા છતાં પણ મધુમિતા સાથે મુંબઈની તાજ હોટલમાં કેટલાય દિવસો પસાર કરતા. આ વાત મધુમિતાએ તેની ડાયરીમાં જણાવી હતી. મધુમિતા બહુ લાગણીશીલ યુવતી હતી, તેથી તે માનતી હતી કે અમરમણિ તેમની પત્ની કરતાં તેને વધુ ચાહે છે, પણ હકીકત કંઈક જુદી જ હતી, જે મધુમિતાને પ્રેગ્નન્ટ થયા બાદ જ જાણવા મળી.

તેણે લખેલી ડાયરી પ્રમાણે પ્રેગ્નન્સી પછી અમરમણિએ તેને એબોર્શન કરાવવા માટે દબાણ કર્યું, પણ મધુમિતા આવું કરવા તૈયાર ન હતી અને અંતે તેનું પરિણામ પણ મોત જ આવ્યું.

અનુરાધા બાલી ઉર્ફે ફિઝા

હરિયાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન ચંદ્ર મોહન સાથે પ્રેમલગ્ન કરનાર અનુરાધા એક વકીલ હતી, પણ તેને એવો ક્રેઝ હતો આખું જગત ઓળખે તેવી સેલિબ્રિટી બનવાનો. તેણે ફેમસ થવાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે પોલિટિકલ પર્સનાલિટી ચંદ્ર મોહનનો સહારો લીધો. ચંદ્ર મોહને અનુરાધાને સામાન્ય વકીલમાંથી હરિયાણાની આસિસ્ટન્ટ જનરલ વકીલ બનાવી. તેમનું પ્રેમપ્રકરણ ચકડોળે ચડતાં ચંદ્ર મોહન પરિણીત હોવાથી તેમણે અનુરાધા સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો, પરંતુ બંનેનું આ પ્રકરણ બહાર આવતાં હરિયાણા રાજકારણમાં ખળભળાટ મચી ગયો અને ચંદ્ર મોહને પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે ફોન પર જ ફિઝાને તલાક આપી દીધા. ચંદ્ર મોહને તો પોતાની પ્રતિષ્ઠા બચાવવા આવો દંભ કર્યો, ફિઝાને શું મળ્યું? પ્રસિદ્ધિ ચોક્કસ મળી પણ થોડા સમય પહેલાં ફિઝાનો મૃતદેહ મોહાલી સેક્ટર-૪૮માંથી મળ્યો. ફિઝાએ આત્મહત્યા કરી કે તેનું મર્ડર થયું, તેનું સત્ય હજુ બહાર નથી આવ્યું. ટૂંકમાં, લવ, સેક્સ અને ધોખાના એક કેસમાં અનુરાધા ઉર્ફે ફિઝા પણ હોમાઈ ગઈ.

ગીતિકા શર્મા

હમણાં ગીતિકા સ્યુસાઇડ કેસ ચર્ચાને ચકડોળે ચડયો છે. હરિયાણાના રાજકારણી ગોપાલ કાંડાના કેસીનોમાં કામ કરતી ગીતિકા શર્માને ગોપાલ કાંડા સાથે પ્રોફેશનલી તો ઠીક પર્સનલ રિલેશન પણ હતા તેવું ચર્ચાઈ રહ્યું છે. ગીતિકાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટે તેમનું નામ બહાર આવ્યું છે. જોકે હજુ તેમની વચ્ચે કેવા રિલેશન હતા તે વિશેનું સત્ય બહાર આવ્યું નથી. તપાસ ચાલી રહી છે, પણ અહીં પણ બધી જ વાર્તાને અંતે સ્ત્રી જ મોતના મુખમાં હોમાઈ છે તે નોંધનીય છે.

આજે સમય કંઈક એવો છે કે ભૌતિકવાદ લોકોને વધુ આકર્ષી રહ્યો છે. વૈભવ મેળવવા માટે સફળ થવું અનિવાર્ય બન્યું છે. જ્યારે સ્ત્રીમાં પૈસા અને પ્રસિદ્ધિની ભૂખ વધે છે ત્યારે સૌંદર્ય એક મજબૂત સાધન હોય છે. પુરુષની કમજોરી અને સ્ત્રીની સફળતાની લ્હાયનું પરિણામ ઉપર જણાવેલા કિસ્સામાં જ પરિણમે છે. તો આ ગંભીર પરિણામથી જાતને બચાવવા શું કરવું જોઈએ?

સ્વબળે સક્સેસ મેળવો

કાયમી અને નક્કર સફળતા મેળવવા માટે જાતને કેળવીને-સજ્જ બનાવીને પોતાના આત્મબળે બધી આકાંક્ષા પૂરી કરી શકાય છે. કિરણ બેદી, સુનીતા વિલિયમ્સ જેવાં અનેક ઉદાહરણો છે, જેમણે કોઈનું પણ અવલંબન લીધા વગર મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરી છે. સ્ત્રી તો વિશ્વનિર્માત્રી છે. શક્તિસ્વરૂપા કહેવાતી સ્ત્રીને કોઈના આધારની જરૂર નથી હોતી ત્યારે જ્યારે પણ મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા આકાર લે તો તેને પૂર્ણ કરવાના શોર્ટકટ વિશે વિચાર કરવા કરતાં જાતને તેના માટે સક્ષમ બનાવો. પરિશ્રમ કરીને મેળવેલી સફળતા જ તમને સન્માન સાથે વિજયનો સાચો આનંદ આપી શકશે.

શરણે ન થાવ, સામનો કરો

વર્કપ્લેસ પર કામ કરતી વખતે સ્ત્રીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સમયે કોઈ અણછાજતું વર્તન કરે તો સ્ત્રી બદનામ થવાના ડરે સહન કરી લેતી હોય છે, પણ આવા બિહેવિયરનું બહુ ગંભીર પરિણામ આવે છે, જેથી બહુ શરૂઆતથી સ્પષ્ટ થઈ જવું જોઈએ અને હિંમતભેર આવા પડકારોનો સામનો કરવો જોઈએ. આવું કરવાથી તમે આ કડણમાંથી આગળ જતાં બચી જશો.

ફેમિલી સાથે કમ્યુનિકેટ કરો

આજકાલ યુવતીઓ ફેમિલીથી દૂર રહીને પોતાની કારકિર્દી બનાવતી હોય છે ત્યારે પ્રોફેશનલ લાઇફમાં તમારો કોઈ મિસયુઝ કરતું હોય કે તમારી સાથે અયોગ્ય કે અજુગતો બિહેવ કરતું હોય તો આ સમસ્યાને કલિગ સાથે ડિસ્કસ કરવા કરતાં ફેમિલી મેમ્બર સાથે ડિસ્કસ કરો, જેથી બહુ જલદી સમસ્યાનો ઉકેલ મેળવી શકાશે. ગૂંચવણભરી પરિસ્થિતિમાં કમ્યુનિકેશન કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી સમસ્યાના ગંભીર પરિણામથી બચી શકાય છે.

પોતાની જાતને સસ્તી ન બનાવો

જ્યારે સ્ત્રી પોતાની આકાંક્ષાની પૂર્તિ કરવા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે તે પોતાના વ્યક્તિત્વની ગરિમા ખોઈ બેસે છે. ડર્ટી ફિલ્મની સિલ્કનું કેરેક્ટર પણ આ જ મેસેજ આપે છે. આવી વ્યક્તિ તેના ક્ષેત્રમાં કે સમાજમાં સન્માનનીય સ્થાન ખોઈ બેસે છે. સ્વમાન સસ્તુ નથી, તેને કોઈ પણ ભોગે ન વેડફો. વૈભવ, પ્રસિદ્ધિ કે સફળતાથી વ્યક્તિત્વની ગરિમા બહુ મોટી છે, જે એક વાર ખોવાઈ જાય પછી ક્યારેય પ્રાપ્ત નથી કરી શકાતી.

પેરેન્ટિંગ ઓછું જવાબદાર નથી

સફળતાનો શોર્ટકટ અપનાવતી યુવતીઓનું પેરેન્ટિંગ ખોટી રીતે થયું હોય છે. તેમને નાનપણથી નેગેટિવ કમાન્ડ આપવામાં આવતા હોય છે કે તું લાઇફમાં કંઈ નહીં કરી શકે. આવી વ્યક્તિ મોટાભાગે લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે. આ કારણને લીધે મોટા થઈને તેને એવું થાય છે કે હું કંઈ પણ કરીને સફળ થઈને દુનિયાને બતાવી દઉં. આ સિવાય આજની યુવાપેઢીની વિચારધારા પણ બદલાઈ રહી છે. તેના માટે ચારિત્ર્યનું મૂલ્ય કરતાં સક્સેસ અને સમૃદ્ધિનું મૂલ્ય વધુ છે. તે વધુ વિચારતી નથી, ધાર્યું કરીને જ રહે છે.

- ડો. વિનોદ ગોયલ, સાઇકિયાટ્રિસ્ટ, અમદાવાદ

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com