ટોકિયો, તા. ૧૩
- ૨૦૧૫ સુધીમાં આવી કાર તૈયાર થઈ શકે છે
- ૭૫ ટકા ઓછું કાર્બનઉત્સર્જન મળમાંથી હાઇડ્રોજનનાં નિર્માણની પ્રક્રિયામાં થાય છે
જાપાનમાં એક એવી કાર તૈયાર થઈ રહી છે જે પેટ્રોલ કે ડીઝલ નહિ પણ માનવ-મળથી તૈયાર કરાયેલાં એક ખાસ ઇંધણથી ચાલશે. એક અહેવાલ મુજબ ત્રણ વર્ષની અંદર આ કાર તૈયાર થઈ જશે. જાપાનની એક કાર બનાવતી કંપની મળમાંથી હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહેલી એક ટીમને સ્પોન્સર કરી રહી છે. ઇંધણથી ચાલતાં વાહનો વીજસંચાલિત વાહનોથી કરતાં વધુ સારાં માનવામાં આવે છે, કારણ કે તે વધુ લાંબા અંતર સુધી ચાલી શકે છે અને કોલસા જેવા કુદરતી સ્રોતથી ઉત્પન્ન થતી વીજળી પર આધાર રાખતાં નથી.
આ વાહનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેનાથી ગાડીને ચલાવવા માટે વીજળી ઉત્પન્ન થાય છે. જોકે આ વાહનોના વ્યાપારિક ઉપયોગમાં સૌથી મોટી મુશ્કેલી હાઇડ્રોજનનાં નિર્માણની પ્રક્રિયા છે, તેનાં નિર્માણની પરંપરાગત પ્રક્રિયા મોંઘી અને જટિલ છે.
આ રીતે મળમાંથી હાઇડ્રોજન પેદા થશે
જ્યારે મળમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની પ્રક્રિયા સસ્તી છે પણ તેની સાથે સાથે પર્યાવરણ માટે પરંપરાગત પ્રક્રિયા કરતાં વધુ અનુકૂળ છે. આ પ્રક્રિયામાં મળને સૂકવીને તેમાંથી મિથેન ગેસ બનાવવામાં આવે છે, જેને ગરમ કરી તેને હાઇડ્રોજનમાં ફેરવવામાં આવે છે. ૨૦૧૫ સુધીમાં આ પ્રક્રિયાનું વ્યવસાયીકરણ થઈ જશે તેવી ટીમને આશા છે.