મુંબઈ, તા. ૧૩
૨૦૧૧નો વર્લ્ડકપ જે ડ્રેસ સાથે જીત્યો તે ડ્રેસ સાથે જ જોવા મળશે
સામાન્ય રીતે સ્પોર્ટ્સપર્સન્સની ચિત્ર-વિચિત્ર અંધશ્રદ્ધા વિશે જાણવા મળતું હોય છે પણ હવે આ બાબતે નવો કિસ્સો સામે આવ્યો છે. આ અંધશ્રદ્ધાના ચક્કરમાં કોઈ સ્પોર્ટ્સપર્સન નહીં પણ વિશ્વનું સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ સંકળાયું છે. વાત એવી છે કે બરાબર એક મહિના અગાઉ ભવ્ય સમારંભમાં ભારતીય ક્રિકેટ ટીમનો નવો ડ્રેસ લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ સમયે બીસીસીઆઈ દ્વારા એવી પણ જાહેરાત કરાઈ હતી કે ભારતીય ટીમ ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપમાં આ નવા ડ્રેસમાં જોવા મળશે. હવે ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે બીસીસીઆઈએ આ વિચાર ફેરવી તોળ્યો છે અને હવે ભારતીય ટીમ એ જ ડ્રેસમાં જોવા મળશે જેની સાથે તેણે ગયા વર્ષે વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ માટે જૂની જર્સી ખૂબ જ ભાગ્યશાળી હતી અને તેની સાથે જ આપણે વર્લ્ડકપ જીત્યો હતો. ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ જેવી મહત્વની ટુર્નામેન્ટ અગાઉ અમે નવી જર્સી સાથે ટીમને ઉતારવાનું જોખમ ઉઠાવવાં માંગતા નથી. આ કારણે ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ વખતે ભારતીય ટીમ જૂના ડ્રેસ સાથે જ જોવા મળશે. અમે આ અંગેની જાણ ટીમના ડ્રેસની સ્પોન્સર નાઇકીને પણ કરી દીધી છે.