Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 04:58:01 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

પ્રસન્ન દાંપત્ય બાળઉછેર માટે મહત્ત્વની કડી (મંથન)

Sep 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2336
Rate: 1.0
Rating:
Bookmark The Article

મંથન - શાંડિલ્યા

કમનસીબી એ છે કે, આપણે ત્યાં જેટલું મહત્ત્વ બાળકને રેન્કર કે ટોપર બનાવી દેવાને અપાય છે તેટલું મહત્ત્વ તેને સ્વસ્થ, મેન્ટલી હેલ્ધી બનાવવાને નથી અપાતું જીવન અને જગત પ્રત્યે પોતાના સંતાનનો સંતુલિત અભિગમ કેળવાય, સમાજ તથા સંબંધોનું મહત્ત્વ સમજાય તેવો દૃષ્ટિકોણ ખીલે એ જોવાનું કામ પણ મા-બાપનું જ હોય છે

ફર્સ્ટમાં ભણતા સનીનાં માતા-પિતાને સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું કે, તમારો સની બધાને મારે છે. તેને ગુસ્સો જલદી આવી જાય છે અને ત્યારે તે કંપાસ કે બુક્સ જેવી વસ્તુઓ ફેંકે છે. તોડફોડ પણ કરે છે.

માતા-પિતા જાણતાં હતાં કે, સની તોફાની છે છતાં સ્કૂલની ફરિયાદથી તેઓ ડઘાઈ જાય છે અને સની ઘરે આવતાં જ તેનો બરાબરનો 'ક્લાસ' લેવાય છે. છોકરો કોના લીધે બગડી ગયો એ મુદ્દા પર તકરાર થઈ અને પરસ્પર દોષારોપણ શરૂ થાય છે.

એ દરમિયાન, માતાના એક સંબંધી ઘરે આવે છે. જેઓ જોગાનુજોગ સાયકોલોજિસ્ટ પણ હતાં. આખી વાત સાંભળ્યા પછી તેમણે સનીનાં મા-બાપ સાથે લાંબી મિટિંગ કરી. તેમણે તારણ કાઢતાં કહ્યું કે, તમે માતા-પિતા તરીકે ઘણાં અંશે નિષ્ફળ છો. તમારા બેઉની વચ્ચે થતાં રોજિંદા મતભેદો, ઝઘડાં અને કારણ વગરની તકરારો વગેરેથી સનીનું મન ડિસ્ટર્બ છે.

પરસ્પરનો ગુસ્સો તમે તેના પર ઠાલવો છો તો ક્યારેક હાથ પણ ઉપાડો છો. તેને સમજાવવાના બદલે સજા કરો છો. આ બધાથી તેના મન પર ઘેરી અસર પડી છે. તમે તો તમારો ગુસ્સો એકબીજા પર કે સની પર કાઢી નાખો છો, પણ તે તેનો ગુસ્સો, ખીજ અને અકળામણ ક્યાં જઈને ઠાલવે ! સ્કૂલમાં તેના આવા વર્તનનું કારણ આ જ છે. તે પછી તેમને બાળઉછેરનાં પુસ્તકો વાંચવાની સલાહ તો અપાઈ જ સાથે તેમના દાંપત્યજીવનને સુધારવાની સલાહ પણ મળી. તેમને એ સમજાવાયું કે, મધુર અને કંકાસ રહિત દાંપત્ય એ બાળઉછેર માટે ખૂબ જરૂરી પાસું છે. માટે ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ ઊભું કરો, સનીને પૂરતો પ્રેમ આપો અને એ દ્વારા તેના દિલ-દિમાગને શાંત કરો. સારાં પરિણામો જરૂર મળશે.

કમનસીબી એ છે કે, આપણે ત્યાં જેટલું મહત્ત્વ બાળકને રેન્કર કે ટોપર બનાવી દેવાને અપાય છે તેટલું મહત્ત્વ તેને સ્વસ્થ, મેન્ટલી હેલ્ધી બનાવવાને નથી અપાતું.

ઉછેર દરમિયાન માતા-પિતાથી જાણે-અજાણે પણ રહી જતી ખામીઓ, ભૂલો તથા બેદરકારીઓની અસર બાળમાનસ પર પડયા વગર નથી રહેતી. જેના લાંબા-ટૂંકા ગાળાના આવા અણધાર્યાં પરિણામો સામે આવી શકે છે.

બાળકનો ત્યારે સ્વસ્થ અને સર્વાંગી વિકાસ થઈ શકે જ્યારે તેને ઘરમાં તેવું વ્યવસ્થિત અને અનૂકૂળ વાતાવરણ મળે. કોઈપણ બાળક દુનિયાદારી શીખીને નથી આવતું. તેનુ અનુકરણીય, સંવેદનશીલ બાળમાનસ ઘરમાંથી જે જુએ છે તે પ્રથમ શીખે છે. પછી ઘરમાં તથા બહારની દુનિયામાં તેનો ઉપયોગ, પ્રયોગ કરે છે.

તંદુરસ્ત બાળઉછેર માટે ઘણા મુદ્દા અગત્યનો ભાગ ભજવે છે. તેમાંથી એક છે પ્રસન્ન દાંપત્ય. અર્થાત્ બાળકનાં માતા તથા પિતા વચ્ચેનો મધુર વ્યવહાર બાળમાનસ તથા જીવનને ઘણા અંશે સ્પર્શે છે.

જે પરિવારમાં પતિ-પત્ની પરસ્પર પ્રેમપૂર્ણ વલણ ધરાવતાં હશે ત્યાં ઉછરતાં બાળકોને આપોઆપ એક શાંત, સ્વસ્થ, પ્રેમાળ અને ખાસ તો ઉત્સાહજનક વાતાવરણ મળી જતું હશે.

અને ખુદ બાળકો પણ પ્રેમ અને હૂંફના ભૂખ્યાં હોય છે. પરસ્પર પ્રેમ અને સમજણથી વર્તતાં માતા-પિતા તેમના બાળકને એવો અમૂલ્ય ખજાનો આપી રહ્યાં હોય છે જેની તેમના વિકાસના વિવિધ તબક્કામાં ખાસ જરૂર પડતી હોય છે.

બાળક તો જેવું જોશે તેવું જ શીખશે અને જે અનુભવશે-મેળવશે તે જ વહેંચશે...!! મોટાભાગના વડીલો એ ભૂલી જતાં હોય છે કે, તેમના દરેક વર્તનની ઝીણામાં ઝીણી નોંધ તેમના બાળકના દિલ-દિમાગ પર ઘેરી રીતે લેવાતી હોય છે. તેની નિરીક્ષણશક્તિ અને કલ્પનાશક્તિ તેમના વર્તન દ્વારા જ ખીલતી હોય છે.

આવા સમયે બાળકની હાજરીમાં વારંવાર ઘાંટાઘાંટ કરતાં, આક્ષેપબાજી કરતાં અને મારઝૂડ કે ગાળાગાળી સુદ્ધાં કરતાં મા-બાપ બહુ ગંભીર ભૂલ કરી રહ્યાં હોય છે.

બાળમાનસરૂપી કોરી પાટી પર આવાં બેદરકાર માતા-પિતા તેમના અણઘડ વર્તન દ્વારા જે આડાઅવળાં લીટાં પાડતાં હોય છે તેની છાપ પછી જીવનભર ભૂંસાતી નથી.

થોડા મહિના અગાઉ એક યુગલે કોઈ સ્ત્રી સંસ્થા દ્વારા છૂટાછેડાની અરજી દાખલ કરી. તેમાંથી યુવકની રજૂઆત એવી હતી કે, તેની પત્ની અત્યંત ઝઘડાળું છે. તેની સાથે પ્રેમથી વર્તવાનું તો બાજુએ રહ્યું, પણ સીધા મોંઢે વાત પણ નથી કરતી. સમસ્યા સુલઝાવવાના પ્રયત્નમાં એ સ્ત્રી સંસ્થાએ થોડી તપાસ કરતાં જાણવા મળ્યું કે, પત્નીની ફેમિલી હિસ્ટ્રી પણ કંઈક આવી જ હતી. તેના પિતા તથા માતા વચ્ચે, નજીવા કારણોસર રોજિંદા કંકાસ થયા કરતાં હતાં. ઘરમાં પ્રેમાળ વાતાવરણની સદંતર ગેરહાજરી હતી. પરિણામે નાનપણથી જ એવાં કકળાટિયા માહોલમાં ઉછરેલી યુવતી પણ આક્રમક સ્વભાવ ધરાવતી થઈ ગયેલી. તેમના કેસમાં તો યુવકને અને યુવતીને ભારપૂર્વક સમજાવાયું કે એકબીજાને સમજવા પ્રથમ તો એકમેકને પ્રેમ કરવો જરૂરી બને છે. બેઉની વચ્ચે પ્રસન્નતા અને મધુરતા વધશે એટલે બધું ઠીક થતું જશે. એ પછી પણ મનમેળ ના થાય તો ફરીથી જોઈશું. કેટલાં મા-બાપ એવું વિચારીને વર્તતાં હોય છે કે, તેમના બાળકનો સ્વભાવ, તેનું વ્યક્તિત્વ અને તેની દરેક લાક્ષણિકતાઓ ઘડવામાં તેમની જવાબદારી સૌથી મહત્ત્વની છે !

બાળઉછેર એ હળવાશનો વિષય નથી. માતા-પિતા બનવું એ સહેલું જરૂર લાગતું હશે, પણ મા-બાપપણું (પેરન્ટહૂડ) નિભાવવું એ ઘણું અઘરું.

અહીં ફક્ત તેમને સારું ખવડાવી, સારું, મોંઘું પહેરાવી-ઓઢાડીને ઝટ મોટા કરી દેવાની જ વાત નથી. તેમને ધીરજપૂર્વક ઉછેરવા પડે છે.

બાળકના માનસિક વિકાસના દરેક તબક્કાને અનુલક્ષીને મા-બાપે તેમની ભૂમિકા નિભાવવાની હોય છે.

જીવન અને જગત પ્રત્યે પોતાના સંતાનનો સંતુલિત અભિગમ કેળવાય, સમાજ તથા સંબંધોનું મહત્ત્વ સમજાય તેવો દૃષ્ટિકોણ ખીલે એ જોવાનું કામ પણ મા-બાપનું જ હોય છે.

એક બાળમાનસ નિષ્ણાતે હમણાં સરસ વાત કરી. બેબી પ્લાનિંગ કરવા ઇચ્છતાં એક શિક્ષિત યુગલે તેમને પ્રશ્ન કર્યો કે, આવનાર બાળક માટે અમારે શી તૈયારી કરવી જરૂરી છે ? એક્સપર્ટે તરત જવાબ આપ્યો કે, સૌથી પહેલાં તમારા દાંપત્યજીવનમાં પ્રસન્નતા વધારી દો. બાળક આવે તે પહેલાં ઘરમાં પ્રેમને વસાવી લો. તમારા દરેક વ્યવહારમાં અને વાતચીતમાં પ્રેમને સતત હાજર રાખો. જેથી બાળક માટે તે મજબૂત સુરક્ષાકવચનું કામ આપે. તમારા આવનાર સંતાનને પણ એટલું જ પ્રેમાળ-હૂંફભર્યું વાતાવરણ પૂરું પાડશો તેવી બેઉની તૈયારી હોય ત્યારે જ પ્લાનિંગ કરશો. માતા-પિતા બનવા ઇચ્છતાં પ્રત્યેક યુગલે પોતાની જવાબદારીઓ અને ફરજો સુપેરે નિભાવવાની તૈયારી રાખવી જરૂરી બને છે.

ઘણું ઘણું જતું કરવું પડે, ઘણા મુદ્દે બાંધછોડ પણ કરવી પડે અને પોતાના બાળકના સ્વસ્થ ઉછેર માટે પોતપોતાની જિદ, અહં, ગુસ્સા વગેરે પર કાબૂ મૂકવો જ પડે. કાશ કે સનીનાં માતા-પિતા આવી અત્યંત સંવેદનશીલ બાબતને પ્રથમથી જ સમજી લેતાં... ઘરમાં ખુશનુમા વાતાવરણ સર્જી પરસ્પર પ્રસન્ન વ્યવહાર થકી સનીના વર્તમાન તથા ભાવિને એક આદર્શ પૂરો પાડી શકતાં...!! પણ હશે... જાગ્યા ત્યારથી સવાર!!

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com