અમદાવાદ :
લો કોસ્ટ એરલાઇન સ્પાઇસ જેટ કંપનીએ ડોમેસ્ટિક સેક્ટરમાં અમદાવાદને સાંકળતી ચાર ફલાઇટો બંધ કર્યા બાદ હવે જેટ એરવેઝને પણ બે ફલાઇટો બંધ કરવાની નોબત આવી છે. એટીએફ મોંઘું થતાં ભાડાંમાં વધારો થતા પ્રવાસીઓની ઘટતી સંખ્યાને કારણે એરલાઇન્સ કંપનીઓની સ્થિતિ કથળતી જાય છે અને એક પછી એક ડોમેસ્ટિક ફલાઇટો બંધ થઇ રહી છે. ૨૦૦૮માં જેટ એરવેઝે પેસેન્જર્સ ન મળતા અમદાવાદ- લંડનની સીધી ફલાઇટ પણ બંધ કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફલાઇટોની રોજિંદી મુવમેન્ટ ઘટીને ૯૫ થઇ છે. હાલમાં લગભગ તમામ ફલાઇટો ખાલી ઉડી રહી છે. જે કંપનીઓને પોષાય તેમ નથી. આ સ્થિતિમાં જેટ એરવેઝે પણ અમદાવાદ- મુંબઇ અને અમદાવાદ- ભોપાલની એમ બે ફલાઇટ બંધ કરી દેવા નિર્ણય લીધો છે. અમદાવાદ- મુંબઇની ફલાઇટ સવારે ૧૧:૨૫ વાગ્યે ટેકઓફ થતી હતી તે પણ હાલ પુરતી બંધ કરવામાં આવી છે. આમ, એરપોર્ટ પર જેટ એવરેઝની પ્રતિદિન ર૦ ફ્લાઈટોની અવર-જવર હતી જે ઘટીને હવે ૧૬ ફ્લાઈટો થઈ છે.
૧૮મીથી અમદાવાદ- ભોપાલ ફ્લાઇટ બંધ
અમદાવાદ- ઇન્દોર- લખનઉ- પટણા અને અમદાવાદ- ભોપાલ- રાયપુર- કોલકાતાની એમ બે ફલાઇટ રોજ સવારે ૬:૪૦ વાગ્યે ટેકઓફ થતી હતી. આ ફલાઇટ રાત્રે રિટર્નમાં અમદાવાદ એરપોર્ટ પર રોકાણ કરતી હતી. હવે ૧૮મીથી અમદાવાદ- ભોપાલની ફલાઇટ બંધ કરી તેની જગ્યાએ હવે અમદાવાદ- ઇન્દોર- રાયપુર- કોલકાતા ચાલુ રહેશે. આમ અમદાવાદથી ભોપાલ- લખનઉ- પટના રૂટની ફ્લાઇટ બંધ કરાશે. આ ફલાઇટ આગામી છથી આઠ મહિના બંધ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. જેટ એરવેઝની રોજની એક ફલાઇટ એમ ચાર દિવસની ચાર ફલાઇટ રદ કરાઇ છે.