અમદાવાદ :
ગુજરાત યુનિર્વિસટીના કુલપતિ ડો. આદેશ પાલ ઉત્તર ગુજરાત યુનિ.ના તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ કોન્ફરન્સ યોજી હતી. તેમાં કુલ ૫૦ રૂમ ધરાવતી હોટલમાં તેમણે ૧૦૦, ૧૨૫ અને ૧૬૭ રૂમ ભાડે રાખ્યા હોવાનું સ્વપ્નામાં પણ માની ન શકાય તેવું જુઠ્ઠાણું ચલાવીને તેના બિલ મૂક્યાા હતા. આવી રીતે ભાડાં અને જમવાના ખોટા ખર્ચ દેખાડીને કુલપતિએ રૂ. ૨૬,૬૭,૩૫૫-૦૦નો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ સિન્ડિકેટ સભ્ય નરહરિ અમીને કર્યો હતો. તેમણે આ મુદ્દે આજે રાજ્યપાલ કમલાજી સમક્ષ તાત્કાલિક હાઇકોર્ટના નિવત્ત ન્યાયાધીશની તપાસ મુકવાની રજૂઆત કરી હતી.
- ૧૦૦થી ૧૬૭ રૂમનું ખોટું ભાડું ચૂકવીને આદેશ પાલે ૨૬ લાખનો ભ્રષ્ટાચાર કર્યોઃ નરહરિ અમીન
તેમણે વધુમાં કહ્યુ હતું કે ડો. પાલે જે ત્રણ કોન્ફરન્સ યોજી તેમાં પહેલી કોન્ફરન્સમાં રૂ. ૮,૨૫,૯૮૧ અને બીજી કોન્ફરન્સમાં ૧૦,૪૬,૨૭૩ તેમજ ત્રીજી કોન્ફરન્સમાં ૧૩,૪૭,૦૪૩ મળીને કુલ ૩૨,૧૯,૨૯૭ રકમ મહેસાણાની એક ખાનગી કલબને ચુકવી હતી. જે પૈકી તા. ૧૭થી૧૯ જાન્યુઆરી, ૨૦૦૮ દરમિયાન યોજેલી કોન્ફરન્સમાં ૧૮ વ્યકિતઓએ ભાગ લીધો હતો. તેમાં બિલ નંબર બીકયુ ૦૦૦૦૪૧થી૪૯ હેઠળ રૂમના રૂ. ૩,૯૬,૮૭૨ અને જમવાના રૂ. ૨,૭૦,૯૭૦ દર્શાવ્યા છે. બીજા વર્ષ ૨૦૦૯માં જાન્યુઆરીમાં જ યોજેલી ત્રણ દિવસની કોન્ફરન્સમાં ૫૫ વ્યકિતઓએ ભાગ લીધો હતો અને બિલ નંબર બીકયુ ૦૦૦૧૦૦થી ૧૦૪માં ૧૦૭, ૯૭, અને ૩૬ રૂમ ભાડે રાખીને કુલ ૫,૨૪,૧૦૦ની રકમ ચુકવી હતી. જયારે જમવા પેટે રૂ. ૨,૦૫,૭૪૩ રકમ આપી હતી. ત્રીજી કોન્ફરન્સ તા. ૨થી૪ જાન્યુઆરી, ૨૦૧૧ દરમિયાન યોજી હતી અને તેમાં ૩૩ વ્યકિતઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં બિલ નંબર બીકયુ ૩૦૦૦૬૧ થી ૩૦૦૦૬૮માં કોન્ફરન્સમાં ૩૩ વ્યકિતઓ હાજર હોવા છતાં ૧૧૯, ૧૬૭, ૧૫૨, ૧૩૭ રૂમ ભાડે રખાયા હતા. આ પેટે તેમણે રૂ. ૯,૬૭,૮૩૧-૦૦નું ચુકવણુ કર્યું હતું. જયારે જમવા-નાસ્તા પેટે રૂ. ૩,૦૧,૮૩૯-૦૦ ચુકવી હતી. આમ, કુલ ૩૨,૧૯,૨૯૭ રૂપિયામાંથી ઉપરોકત દર્શાવેલા બિલમાં રહેવા પેટે રૂ. ૧૮,૮૮,૮૦૩ અને જમવા માટે રૂ. ૭,૭૮,૫૫૨ મળીને કુલ રૂ. ૨૬,૬૭,૩૫૫ જેટલી ઊંચી રકમ ખોટી રીતે ચુકવાઇ છે. આ રીતે કુલપતિ ડો. પાલે રૂ. ૨૬ લાખનો ભ્રષ્ટાચાર કર્યો છે તેવો આક્ષેપ નરહરિ અમીને કર્યો હતો. આ બાબતે તેમણે આજે રાજ્યપાલને પણ રજૂઆત કરી હતી.