નવી દિલ્હી, તા. ૧૪
- યુપીએ સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને એનસીપી પણ લાલઘૂમ
- ભાવવધારો તાત્કાલિક પરત ખેંચવા રાજકીય પક્ષોની માગ
ડીઝલની કિંમતમાં લિટરદીઠ રૂપિયા પાંચનો કમરતોડ વધારો ઝીંકવામાં આવ્યા બાદ દેશભરમાં ભાવવધારાની સામે પ્રચંડ વિરોધનું મોજું ફરી વળ્યું છે. તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા સરકાર સામે મેદાનમાં આવી ગઈ છે. બીજી બાજુ યુપીએ સરકારના ઘટક પક્ષો તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને એનસીપી દ્વારા પણ ભાવવધારા સામે જોરદાર વાંધો ઉઠાવીને તેને પરત ખેંચી લેવાની તીવ્ર માગ કરી છે.
મમતા બેનરજીએ તો ભાવવધારો પરત નહિ ખેંચાય તો ટેકો પાછો ખેંચી લેવાની ધમકી પણ આપી દીધી છે અને તેના સમર્થકો મેદાનમાં ઊતરી ગયા છે. દિલ્હી, મુંબઇ, કોલક્તા, ચેન્નાઇ અને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. ડીઝલની કિંમતમાં વધારો કરાતાં અન્ય રાજકીય પક્ષો પણ નારાજ છે, જેમાં ડાબેરીઓ અને સમાજવાદી પાર્ટી પણ સામેલ છે. શિવસેનાએ મહારાષ્ટ્રમાં વિરોધપ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. કેટલાંક રાજ્યોમાં શનિવારે બંધની હાકલ કરવામાં આવી છે. નારાજ સાથી પક્ષો અને વિરોધ પક્ષો સરકાર પર દબાણ લાવી રહ્યા છે. યુપીએના સૌથી મોટા સાથી પક્ષ ટીએમસી દ્વારા રોલબેકની માગણી કરવામાં આવી છે. મમતા બેનરજીએ કહ્યું છે કે યુપીએના સાથી પક્ષ ડીએમકે દ્વારા પણ ભાવવધારાનો જોરદાર વિરોધ કરાયો છે. પક્ષના વડા એમ કરુણાનિધિએ કહ્યું છે કે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પહેલાંથી જ આસમાને છે આવી સ્થિતિમાં આ વધારો ગરીબો અને મધ્યમવર્ગ ઉપર માઠી અસર કરશે. એનસીપી પણ ખૂબ જ નારાજ છે અને રોલબેકની માગ કરી છે. સમાજવાદી પાર્ટીએ પણ ભાવવધારા સામે ધરણાં યોજવાની જાહેરાત કરી છે. ભાજપે ભાવવધારાને વખોડી કાઢીને ગઈ કાલે જ ટીકા કરી હતી. ડાબેરીઓ પણ નાખુશ દેખાઈ રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસે સરકારી નિર્ણયનો બચાવ કર્યો છે. પક્ષના જનરલ સેક્રેટરી દિગ્વિજયસિંહે કહ્યું છે કે કેટલીક વખત સારી સરકારને કઠોર નિર્ણય લેવા પડે છે.
ડીઝલને અંકુશમુક્ત કરવાની જરૂર છે : મોન્ટેકસિંહ
ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવા અને સબસિડીવાળા એલપીજી સિલિન્ડરોની સંખ્યા મર્યાદિત કરવાના કેન્દ્ર સરકારના કઠોર નિર્ણયને આયોજનપંચે યોગ્ય ગણાવ્યો છે. ડીઝલની કિંમતો નાણાકીય ખાધને કાબૂમાં લેવા માટે તબક્કાવાર અંકુશમુક્ત કરવામાં આવે તે બાબત પર પણ આયોજનપંચના નાયબ અધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ ભાર મૂક્યો હતો. મોન્ટેકસિંહે કહ્યું હતું કે, ડીઝલની કિંમતમાં વધારો એક ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. ૮ ટકાના વિકાસદર ઉપર પહોંચવા હજુ પણ ઘણા મુશ્કેલ નિર્ણયો લેવાની જરૂર છે.