નવી દિલ્હી, તા. ૧૪
- છ સવાલના જવાબ આપવા સેક્રેટરીને આદેશ
- કેન્દ્રને નોટિસ બજાવી આઠ અઠવાડિયામાં જવાબ માગ્યો
કોલબ્લોક્સની ગેરકાયદે ફાળવણી અંગે કસૂરવારો સામે તેમજ જે એલોટીઝ દ્વારા કોન્ટ્રાક્ટનો ભંગ કરવામાં આવ્યો છે તેવાં લોકો સામે સરકાર કેવાં પગલાં લેવા માગે છે તેવો અણિયાળો સવાલ પૂછીને સુપ્રીમ કોર્ટે આવા છ મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપવા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. રાજકારણીઓ અને તેમનાં સગાંઓને શા માટે અને કેવી રીતે કોલબ્લોક્સ ફાળવવામાં આવ્યા તે અંગે કોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. આ નોટિસનો આઠ અઠવાડિયાંમાં જવાબ આપવા અદાલતે કેન્દ્રને ફરમાન કર્યું છે. સરકાર દ્વારા અત્યાર સુધી ફાળવવામાં આવેલા તમામ વિવાદાસ્પદ ૧૯૪ કોલમાઇન બ્લોક્સની ફાળવણી રદ કરવાની માગણી કરતી જાહેર હિતની અરજીના સંદર્ભમાં છ મહત્ત્વના સવાલોના જવાબ આપતી એફિડેવિટ ફાઇલ કરવા કોર્ટ દ્વારા કોલસાસચિવને આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને જે સવાલો પૂછવામાં આવ્યા છે તેમાં કોલબ્લોક્સની ફાળવણીની શા માટે સ્પર્ધાત્મક બિડિંગપ્રોસેસ અપનાવવામાં ન આવી તેનો સમાવેશ થાય છે. કોલબ્લોક્સની ફાળવણી માટે કોઈ ચોક્કસ માર્ગરેખાઓ ઘડવામાં આવી છે કે કેમ અને જ્યારે ખરેખર કોલબ્લોક્સ ફાળવવામાં આવ્યા ત્યારે તેનો ભંગ કરવામાં આવ્યો હતો ખરો? તેવા પ્રશ્નો સરકારને પૂછવામાં આવ્યા છે. કોલબ્લોક્સની ફાળવણીમાં કહેવાતી ગેરરીતિમાં શા માટે ઘણા રાજકારણીઓ અને તેમનાં સગાંનાં નામ ચમક્યાં છે, તેનો કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો.
મોટાભાગના કોલબ્લોક્સ જ્યારે ખાનગી પાર્ટીઓને ફાળવવામાં આવ્યા છે ત્યારે તેમાં સેફ્ટી મિકેનિઝમની ગાઇડલાઇનનો ભંગ કરાયો છે કે કેમ? ફાળવણીની હાલની પદ્ધતિમાં સરકારનો જે હેતુ છે તે સરે છે કે કેમ ? આ મામલે સીએજીએ જે ખામીઓ દર્શાવી છે તે અંગે સરકાર શું કહેવા માગે છે ?.
સરકારે એવી રજૂઆત કરી હતી કે આ મામલે સંસદીય સમિતિ તપાસ કરી રહી છે ત્યારે કોર્ટે આ મામલામાં પડવાની જરૂર નથી તેવી સરકારની રજૂઆતને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ આખી કવાયત અલગ પ્રકારની છે. સરકાર દ્વારા ફાળવણી વખતે અનેક નિયમોનો ભંગ કરાયો છે તેનો જવાબ પીઆઈએલમાં માગવામાં આવ્યો છે જેનો સરકાર પાસે ખુલાસો માગવામાં આવ્યો છે.