અમેઠી, તા. ૧૪
નેતાગીરી સંભાળવામાં ખચકાટ અંગે મીડિયામાં ભારે ટીકા
પક્ષ અને યુપીએ સરકારમાં પોતાની મોટી અને મહત્ત્વની ભૂમિકા ટૂંકમાં નિભાવવામાં આવશે તેવા સંકેતો કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ આપ્યા હતા. પોતાના મતવિસ્તાર અમેઠીમાં વિકલાંગોને સાઇકલની વહેંચણી કરતી વખતે યોજાયેલા સમારંભમાં રાહુલે આ સંકેતો આપ્યા હતા.
કોંગ્રેસમાં જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે અને છૂપો ગણગણાટ થાય છે તેવી રાહુલની મોટી ભૂમિકાના સંદર્ભમાં રાહુલની ઘણી ટીકા કરાઈ રહી છે. નેતાગીરી સંભાળવામાં ખચકાટ અંગે મીડિયામાં રાહુલની ભારે ટીકા કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી સરકાર સ્તરે જવાબદારી સંભાળવાને બદલે પક્ષ અને સંગઠન સ્તરે મોટી ભૂમિકા નિભાવવા તૈયારી કરી રહ્યા છે. આ મહિનાના અંતમાં કેબિનેટમાં અને પક્ષમાં સંગઠન સ્તરે મોટા ફેરફારો થવાની સંભાવના છે. ડીએમકેનાં કનીમોઝી પરના ટુ-જી આક્ષેપો રદ કરવામાં આવ્યા છે ત્યારે તેને ફરી કેબિનેટમાં લેવા માટે ડીએમકે દ્વારા માગણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન આ મામલે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. રાહુલ પક્ષ અને સંગઠન સ્તરે સક્રિય બનશે તેવા અહેવાલોથી પક્ષના કાર્યકરોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.