નવી દીલ્હી, તા. ૧૪
- એવિએશન ક્ષેત્રે ૪૯ ટકા વિદેશી રોકાણને પરવાનગી
- ડીટીએચ અને કેબલમાં ૭૪ ટકા એફડીઆઈની પરવાનગી
- પાવર એક્સ્ચેન્જિસ ક્ષેત્રે પણ FDIને સ્વીકૃતિ અપાઈ
યુપીએ સરકારમાં પૉલિસી પેરેલિસિસનો અંત આવ્યો છે તેવા સંકેતો સાથે કેન્દ્ર સરકાર દ્વારા મલ્ટિબ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિ દ્વારા આ ઉપરાંત શ્રેણીબદ્ધ મહત્ત્વના નિર્ણયો લઈને આર્થિક સુધારા આગળ ધપાવવાની બાબતમાં મહત્ત્વનું કદમ માંડવામાં આવ્યું છે અને ઝડપી સુધારા હાથ ધરવા પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે.
સરકાર દ્વારા એવિએશન ક્ષેત્રે ૪૯ ટકા સીધાં વિદેશી રોકાણને પરવાનગી અપાઈ છે જ્યારે ડીટીએચ અને
કેબલ સેક્ટરમાં ૭૪ ટકા, પાવર એક્સ્ચેન્જિસ ક્ષેત્રે પણ FDIને સ્વીકૃતિ આપી છે. આ અગાઉ સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૧૦૦ ટકા સીધાં વિદેશી રોકાણની છૂટ આપી હતી.
સરકારે મલ્ટિબ્રાન્ડ રિટેલમાં મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ ક્ષેત્રે કેટલીક શરતો સાથે વિદેશી કંપનીઓ અને વોલમાર્ટ જેવા સ્ટોર્સ તેમનું રોકાણ કરી શકશે. આવી કંપનીઓએ ૩૦ ટકા માલ દેશમાંથી જ ખરીદવો પડશે અને કેટલીક ચીજોનું ઉત્પાદન દેશમાં જ કરવું પડશે. રાજ્યોમાં મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણને છૂટ આપવી કે કેમ તે નક્કી કરવા રાજ્યોને છૂટ આપવામાં આવી છે. એફડીઆઈ આકર્ષવું કે કેમ તે અંગે રાજ્યો તેમની જાતે નિર્ણય લઈ શકશે.
સરકારના આ નિર્ણયથી વૉલમાર્ટ જેવા મલ્ટિબ્રાન્ડ સ્ટોર્સ ભારતીય ભાગીદાર સાથે ગ્રાહકોને તેમની ચીજવસ્તુઓ સીધી રીતે વેચી શકશે, આને કારણે રિટેલ સેક્ટરની સિકલ ધરમૂળથી બદલાઈ જશે અને મોંઘવારી પર નિયંત્રણ લાવી શકાશે. સરકાર દ્વારા ગયા વર્ષે મલ્ટિબ્રાન્ડ રિટેલમાં સીધાં વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી હતી જેનો સાથી પક્ષો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યા પછી આ નિર્ણય મુલતવી રખાયો હતો.
સરકારની શરતો મુજબ જે રાજ્યો તેમનાં રાજ્યમાં રિટેલ સેલ્સ આઉટલેટ ખોલવા મંજૂરી આપે ત્યાં જ વિદેશી સ્ટોર્સ ખોલવા પરવાનગી અપાશે. વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે મોટાપાયે આર્થિક સુધારા હાથ ધરવાનો સમય આવી ગયો છે, જો આપણે તેમાં પીછેહઠ કરીશું તો પછી સદાને માટે પાછળ જ રહીશું. તૃણમૂલ કોંગ્રેસ જેવા સાથી પક્ષોના વિરોધને કારણે આ નિર્ણય ઘણા સમયથી પેન્ડિંગ રહ્યો હતો.
કેબિનેટની બેઠકમાં ભારતીય એરલાઈન્સની ૪૯ ટકા ઈક્વિટી ખરીદવા વિદેશી એરલાઈન્સને પરવાનગી આપવામાં આવી હતી જ્યારે બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે એફડીઆઈ મર્યાદા વધારીને ૭૪ ટકા કરાઈ હતી.
એફડીઆઈ મુદ્દે મમતાનું ૭૨ કલાકનું અલ્ટિમેટમ
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક સુધારાલક્ષી પગલાંઓ અને એફડીઆઈની છૂટ તેમજ ડીઝલમાં ભાવવધારાનો યુપીએના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મલ્ટિબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈની છૂટ તેમજ ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવા મમતા બેનરજીએ ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સરકારનો વિરોધ કરવા માટે કેવો વ્યૂહ ઘડવો તે અંગે મંગળવારે તાકીદની બેઠક બોલાવવામાં આવી હોવાનું પક્ષના નેતા મુકુલ રોયે જણાવ્યું હતું. તૃણમૂલ ઉપરાંત જેડીએસ અને ભાજપે પણ સરકારની નીતિનો વિરોધ કર્યો છે.
અસર
શેરબજારમાં મોટી તેજીનાં પગરણ : ૨૦,૦૦૦નો ઇન્ડેક્સ નજીકમાં...!
અમદાવાદ : આર્થિક સુધારાના મામલે યુપીએ સરકાર ગજબના જોશ સાથે સક્રિય બની છે. એવિએશન ક્ષેત્રે ૪૯ ટકા સુધીનો હિસ્સો લેવાની વિદેશી એરલાઇન્સને છૂટ, મલ્ટિબ્રાન્ડ રિટેલ ક્ષેત્રે ૫૧ ટકા સુધીનાં સીધાં વિદેશી રોકાણની મંજૂરી, બ્રોડકાસ્ટ ર્સિવસિસમાં ૭૪ ટકા FDIની છૂટ તથા પાવર એક્સ્ચેન્જિસ ક્ષેત્રે પણ FDIને સ્વીકૃતિ આપી છે. પાવર એક્સચેન્જ બિઝનેસમાં સીધા વિદેશી રોકાણને છૂટ અપાઈ છે તે ફાઈનાન્સિયલ ટેકનોલોજીસ જેવા શેરને મોટાપાયે ફળશે કેમ કે, તેના દ્વારા પ્રમોટ કરાયેલા એક્સચેન્જ 'આઇઈએક્સ' આજે દેશનું સૌથી મોટું પાવર એક્સચેન્જ છે. આ ઉપરાંત નાલ્કો, MMTC, ઓઈલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન કોપરના ડાઈવેસ્ટમેન્ટ દ્વારા રૂ. ૧૫,૦૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી થયું છે.
આની ત્વરિત અસરમાં સોમવારે શેરબજાર એક બીજો મોટો કૂદકો મારે તો નવાઈ નહીં. સરકાર તેના નિર્ણયમાં અડગ રહે તો દિવાળી સુધીમાં સેન્સેકસ ૨૦ હજાર પ્લસ થાય તેવી પૂરી શક્યતા છે.
આર્થિક મોરચે સરકારનાં હિંમતભર્યા પગલાંથી વિદેશી રોકાણની સરવાણી જે સુકાઈ ગઈ છે તેમાં ફરી ભરતી આવી શકે છે તેની અન્ય મહત્ત્વની અસરમાં ડોલરની સામે રૂપિયો પણ મજબૂત બનવા માંડશે.
શુક્રવારનાં આર્થિક પગલાંની જાહેરાતથી પીએસયુ શેર ઉપરાંત કિંગફિશર, એરલાઈન્સ, સ્પાઈસ જેટ, જેટ એરવેઝ જેવા એવિએશન શેરમાં આકર્ષણ જામશે તો રિટેલ ક્ષેત્રે FDIનો માર્ગ મોકળો બનતાં પેન્ટાલૂન રિટેલ, શોપર્સ સ્ટોપ, બ્રાન્ડ હાઉસ, ટ્રેન્ટ, પ્રોવોગ, કુટોન્સ રિટેલ્સ ઈત્યાદિમાં ફેન્સી આવશે. બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે ૭૪ ટકા સુધીનાં વિદેશી રોકાણની છૂટ મીડિયા શેરોને તેજીમાં લાવવાની છે.
વન મિનિટ ગાઈડ
ભારતનું રિટેલ માર્કેટ કેટલું મોટું છે?
અંદાજે ૪૦૦થી ૫૦૦ અબજ ડોલર જેટલું.
રિટેલ વ્યવસાય કેવી રીતે વહેંચાયેલો છે?
દવા, સંગીત, ટીવી, પુસ્તક, ફ્રીજ જેવી પ્રોડક્ટ, કપડાં, રત્ન અને ઘરેણાં ઉપરાંત ખાદ્યસામગ્રીને અલગ અલગ માર્કેટમાં વર્ગીકૃત કરી શકાય છે. દરેક વસ્તુનાં માર્કેટ પર સંગઠિત ક્ષેત્રની કંપનીઓ પગ જમાવવાના પ્રયાસો કરી રહી છે.
શું મલ્ટિબ્રાન્ડ રિટેલ ભારત માટે નવું છે?
ના, ભારતમાં મલ્ટિબ્રાન્ડ રિટેલનાં ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ખાનગી કંપનીઓ ચાલી રહી છે. ૯૦ ટકા માર્કેટ પર નાના વેપારીઓનો કબજો છે.
ભારતમાં મોટો ખેલાડી કોણ?
તાતા, આદિત્ય બિરલા જૂથથી માંડી આરપીજી, ભારતી અને મહિન્દ્રા જેવાં જૂથ ભારતનાં સૌથી મોટાં ઔદ્યોગિક સમૂહ.
વૈશ્વિક સ્તરે રિટેલનો મોટો ખેલાડી કોણ?
વોલમાર્ટ. આ કંપની ભારતનાં ભારતી જૂથ સાથે મળીને છ મોલ ચલાવે છે. આ મોલમાં ખેડૂતો પાસેથી સામગ્રી લઈને તેને હોલસેલના વેપારીઓને વેચવામાં આવે છે.
અમલ રાજ્ય સરકારોની મુનસફી ઉપર છે એટલે...
રિટેલમાં FDI સામે વિરોધ સાવ અર્થહીન
મલ્ટિબ્રાન્ડ રિટેલ ક્ષેત્રે ૫૧ ટકા સુધીનાં એફડીઆઈને મંજૂરી બાદ આવેદનો-નિવેદનો અને આંદોલનોનો જુવાળ ફાટી નીકળશે. કેન્દ્ર સરકારને ભીંસમાં લેવાના તનતોડ પ્રયાસ કરાશે પરંતુ હકીકત એ છે કે કેન્દ્રે તેનો અમલ રાજ્ય સરકારોની મુનસફી ઉપર છોડી દીધો છે રિટેલ ક્ષેત્રે વિદેશી રોકાણની છૂટનું પગલું જેને લોકવિરોધી લાગતું હોય તે રાજ્ય સરકાર આનો અમલ ના કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.