વડોદરા, તા.૧૪
શહેરમાં દિવસેને દિવસે ભયંકર રોગચાળાએ માથું ઉચકતા પરિસ્થિતિ વણસી રહી છે. તાજેતરમાં જ ગંભીર બીમારીને પગલે મકરપુરામાં બે વ્યક્તિઓના મોત થયા હતા. અને હવે પશ્વિમ વિસ્તારના એક જ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસમાં ડેન્ગ્યૂના નવ કેસ થતા ખળભળાટ મચી ગયો છે. એક જ સોસાયટીમાં રહેતા ત્રણ બાળકો સહિત અડધો ડઝનથી પણ વધુને ડેન્ગ્યૂના તાવમાં સપડાયા છે. જેથી ત્યાંના રહીશો સતત ભયના વાતવરણમાં જીવી રહયાં છે. જોકે આ ઘટનાની જાણ થતાં એક તબક્કે તંત્ર ફરી એકવાર એક્શનમાં આવ્યું છે.
- એકજ સોસાયટીમાં અડધો અડધ મકાનોમાં ૯ જણને ડેન્ગ્યૂ
- પશ્વિમ વિસ્તારમાં ડેન્ગ્યૂ પોઝિટિવના ૯ કેસ
- રોડ પરના ખાડામાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
ગોત્રી યશ કોમ્પ્લેક્ષ પાછળ આનંદ વિહાર ૧૬ મકાનોની સોસાયટી છે. આ સોસાયટીમાં કોર્પોરેશનના તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરીના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સોસાયટીના આખે આખા રોડ પર ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. પરંતુ કોઇ કારણોસર અધવચ્ચે જ કોર્પોરેશન દ્વારા આ કામગીરી બંધ કરવામાં આવી હોવાનું ત્યાંના રહીશોએ જણાવ્યું હતું. છેલ્લા દસેક દિવસ દરમ્યાન વરસેલા મુશળધાર વરસાદને પગલે રોડ પર ખોદેલા ખાડાઓમાં પાણી ભરાઇ ગયા હતા. અને ભરાયેલા પાણીનો નિકાલ ન થયો હોવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધવાનું શરૂ થયું હતું.
સોસાયટીના રહીશો તાવની બીમારીની ઝપેટમાં આવવાનો ઘટનાક્રમ શરૂ થયો હતો. એક પછી એક અડધો ડઝનથી પણ વધુને તાવ આવતો હોવાની બૂમો ઉઠતા રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વિતેલા ૯૬ કલાકમાં આ સોસાયટીમાં રહેતા ત્રણ માસૂમ બાળકો સહિત કુલ નવ જણ તાવમાં સપડાયા હતા. જેથી તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તરસાલી વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓના પણ ગંભીર બીમારીથી મોત થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો. અને ૨૪ કલાકમાં જ ગોત્રીમાં ડેન્ગ્યૂ પોઝિટિવના નવ કેસ થવાથી કર્પોરેશનનું તંત્ર સફાળંુ જાગી ગયું હતું. અને તાબડતોડ એક્શનમાં આવ્યું હતું.
જેના પગલે આરોગ્ય ખાતાએ પણ દોડધામ કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. ડેન્ગ્યૂ ફેલાવાના મચ્છરોને 'એડિસ ઇજિપ્તી' તરીકે ઓળખાય છે. આ જીવલેણ રોગના મચ્છરોનું ઉદ્ભવ સ્થાન ખાબોચિયા, વાહનોના ટાયરો, એ.સી.નું પાણી વગેરે હોઇ શકે છે. જ્યાં પણ સાતેક દિવસોથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા આ રોગચાળો ફેલાય છે.