સુરત, તા. ૧૪
દેશના વિવિધ શહેરો સાથે એર કનેક્ટિવિટી માંગી રહેલા સુરતને દુબઈ સાથે કનેક્ટિવિટી આપવાની સ્પાઈસ જેટે પહેલ કરી છે. સ્પાઈસ જેટ દ્વારા દુબઈ ઉપરાંત ગોવા, હૈદરાબાદ, જબલપુર સહિતના શહેરો સાથે કનેક્ટિવિટી ફાળવવાની વ્યવસ્થા કરી છે.
- સ્પાઈસ જેટે દુબઈ, ગોવા, હૈદરાબાદ, જબલપુર અને કેલિકેટની કનેક્ટિવિટી આપી
- રૂપિયા ૭૪૦૦માં સુરતથી વાયા મુંબઈ થઈ દુબઈની ર્સિવસ
- ગોવા સહિતના શહેરો માટે સુરતથી સીંગલ ટિકીટ ઈશ્યૂ કરાશે
સુરત એરપોર્ટ તથા સ્પાઈસ જેટ સાથે સંકળાયેલા વર્તુળો મુજબ એરલાઈન દ્વારા સુરત એરપોર્ટને સાંકળતી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં દિલ્હી- સુરત- મુંબઈ ફ્લાઈટને મુંબઈથી અન્ય શહેરો તથા દેશ સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ ફ્લાઈટને મુંબઈથી દુબઈ સાથે કનેક્ટિવિટ આપવામાં આવી છે. જે મુજબ સવારે ૯.૩૦ કલાકના અરસામાં મુંબઈ પહોંચનારી ફ્લાઈટના મુસાફરને સાંજની મુંબઈ- દુબઈ ફ્લાઈટનું કનેક્શન મળશે. જે માટે સિંગલ ટીકિટ ઈશ્યૂ થશે. જ્યારે મુંબઈ ખાતે ઈમિગ્રેશન ચેક કરવાનું રહેશે. આ પ્રકારે વાયા મુંબઈ થઈ સુરત- દુબઈ ફ્લાઈટ માટે લગભગ રૂપિયા ૭૪૦૦ના નીચા દર ઓફર કરવામાં આવ્યાં છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ એરલાઈન દ્વારા સુરત- મુંબઈ ફ્લાઈટને મુંબઈથી ગોવા, હૈદરાબાદ, જબલપુર, કેલિકટ અને કોઈમ્બતુરની પણ કનેક્ટિવિટી આપવામાં આવી છે. જે મુજબ દિલ્હી- સુરત- મુંબઈ ફ્લાઈટના મુસાફરને મુંબઈથી ઉપરોક્ત શહેરની ફ્લાઈટ સાથે કનેક્શન મળશે. જે મુજબ ૯.૩૦ કલાકના અરસામાં સુરતથી મુંબઈ પહોંચનારા મુસાફરને બપોરે ૧૨.૦૦ કલાકના અરસામાં મુંબઈ- ગોવા ફ્લાઈટનું કનેક્શન મળી શકશે. આ પ્રકારે વાયા મુંબઈ થઈ જનારી સુરત- ગોવા ફ્લાઈટ માટે અંદાજિત રૂપિયા ૪૪૦૦ લોઅર ફેર રાખવામાં આવ્યાં છે.
આ અંગે એરલાઈન્સ દ્વારા તેની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે એરલાઈન દ્વારા બુકિંગ શરૂ થયા છે અને ટુંકમાં સુરત- મુંબઈ ફ્લાઈટના બેંગલોર કનેક્શન માટે પણ સિંગલ ટીકિટ ઈશ્યૂ થાય તે મુજબની ગોઠવણ કરવામાં આવી રહી છે.