મુંબઈ, તા. ૧૬
રોકાણકારો માટે ૨૦૧૨નું વર્ષ અનેક અવરોધો વચ્ચે નસીબદાર પુરવાર થઈ રહ્યું છે. ૨૦૧૨નાં કેલેન્ડરવર્ષમાં અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦.૧૪ લાખ કરોડનો વધારો થયો છે. દેશની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં અસાધારણ વધારો થયો છે. શેરબજારમાં તેજીનો આખલો ભુરાયો થતાં બ્લૂચિપ શેરોના ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે, આમ ગયા વર્ષે રોકાણકારોને જે નુકસાન થયું હતું તેમાં ૫૦ ટકા ખોટ આને કારણે ભરપાઈ થઈ ગઈ છે.
શેરબજારમાં તેજીનો આખલો ભુરાયો થતાં બ્લૂચિપ શેરોમાં ૨૦ ટકાનો ઉછાળો
૨૦૧૧માં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૯.૪૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
- -કયા સેક્ટરમાં કેટલો ઉછાળો
- -બેન્કિંગ સેક્ટરમાં ૩૩ ટકા
- -કેપિટલ ગૂડ્સ શેરોમાં ૨૫ ટકા
- -ઓટો શેરોમાં ૨૨ ટકા
- -રિયલ એસ્ટેટમાં ૧૯ ટકા
- -ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ૧૬ ટકા
વર્ષ ૨૦૧૧માં શેરબજારમાં મંદીવાળાઓની વેચાવલીને કારણે આખા કેલેન્ડરવર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૯.૪૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
ડિસેમ્બર ૨૦૧૧ના અંતે શેરબજારમાં રોકાણકારોની કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. ૫૩.૪૮ લાખ કરોડ હતું, જેમાં કંપનીના પ્રમોટર્સ, સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારોનો સમાવેશ થાય છે. આ વર્ષે ૧૪ સપ્ટેમ્બર સુધીમાં રોકાણકારોની કુલ સંપત્તિ વધીને રૂ. ૬૩.૬૩ લાખ કરોડ થઈ છે.
ગયા વર્ષે જે સેક્ટરમાં મોટાપાયે રોકાણકારોની સંપત્તિ ધોવાઈ ગઈ હતી તે બેન્કિંગ સેક્ટરમાં આ વખતે તેજીની બોલબાલા જોવા મળી હતી અને બેન્કશેરોમાં ૩૩ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ પછી કેપિટલ ગુડ્સ શેરોમાં ૨૫ ટકાનો, ઓટો શેરોમાં ૨૨ ટકાનો, રિયલ એસ્ટેટમાં ૧૯ ટકાનો અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ૧૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
સ્ટોક માર્કેટમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં પ્રમોટર્સનો હિસ્સો ૬૦ ટકા હતો જ્યારે રિટેલ રોકાણકારોનો હિસ્સો ૧૦ ટકા હતો. સેન્સેક્સમાં સમાવાયેલ બ્લૂચિપ શેરોની સરખામણીમાં મિડકેપ શેરોનું મૂલ્ય ૨૨ ટકા વધ્યું હતું જ્યારે સેન્સેક્સમાં ૯.૪૭ ટકાનો વધારો થયો હતો. બ્લૂચિપ શેરો ૨૦ ટકા વધ્યા હતા જ્યારે સ્મોલકેપ શેરો ૧૯.૩૩ ટકા વધ્યા હતા.
અમેરિકન ડૉલર સામે રૂપિયાનાં મૂલ્યમાં ૨.૨૫ ટકાનો ઘટાડો થતાં એફઆઈઆઈને ફટકો પડયો હતો જ્યારે સ્વદેશી રોકાણકારોને ફાયદો થયો હતો. શેર વાઇઝ જોઈએ તો આઈટીસીના શેરોનું મૂલ્ય રૂ. ૫૩,૫૧૨ કરોડ વધ્યું હતું. કોલ ઇન્ડિયાના શેરોનું મૂલ્ય રૂ. ૫૧,૪૭૮ કરોડ વધ્યું હતું. ટીસીએસનું રૂ. ૪૯,૦૬૮ કરોડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રૂ. ૪૫,૨૦૫ કરોડ, એચડીએફસી બેન્કનું રૂ. ૪૪,૫૧૫ કરોડ વધ્યું હતું.
જે શેરોનાં મૂલ્યમાં ઘટાડો થયો હતો તેમાં ભારતી એરટેલમાં રૂ. ૩૩,૩૪૨ કરોડ, ભેલમાં રૂ. ૮,૪૨૦ કરોડ, ઇન્ફોસિસમાં રૂ. ૭,૫૮૬ કરોડ, જિન્દાલ સ્ટીલમાં રૂ. ૭,૫૪૩ કરોડનું ધોવાણ થયું હતું.