વલસાડ, તા. ૧૬
વલસાડ રૂરલ પોલીસે ધમડાચી હાઇવે પરથી પસાર થતા એક ટેન્કરમાંથી રૂ. ૮.૪૬ લાખના દારૂના વિપુલ જથ્થા સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગના ટ્રકચાલક અને ક્લીનરને ઝડપી પાડયા હતા તથા ૩ને વોન્ટેડ જાહેર કરાયા છે. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.
- ભરૂચના નેત્રંગના ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
- ટેન્કરમાંથી દારૂ તથા બિયરની ૧૩,૮૮૦ બોટલો મળી આવી
વલસાડના ડીવાયએસપી એ.વી. ગખ્ખરને એક ટેન્કરમાં દમણથી દારૂનો વિપુલ જથ્થો ભરૂચ તરફ રવાના કરાયો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.બી.રાણા સહિતના સ્ટાફે ધમડાચી પીરૂ ફળિયા હાઇવે સ્થિત હોટલ સરોવર પાસે વોચ ગોઠવી હતી.
પોલીસે મોડીરાત્રે પસાર થતા ટેન્કર નંબર-જીજે-૦૬-યુ-૬૨૭૫ને શંકાના આધારે અટકાવી તપાસ કરતા, ટેન્કરમાંથી દારૂ તથા બિયરની ૧૩૩૮૦ બોટલો (કિંમત રૂ. ૮,૪૬,૦૦૦) મળી આવી હતી. પોલીસે દારૂ તથા ટેન્કર મળી કુલ રૂ. ૧૩,૪૮,૦૦૦ના મુદ્દામાલ સાથે ટ્રકચાલક ઐયુબ કાસમ પઠાણ તથા ક્લીનર શબ્બીર પીરૂભાઇ મલેક (બંને રહે. નેત્રંગ, તા. વાલીયા, જિ. ભરૂચ)ની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા સમીર પીરૂભાઇ મલીક અને મહેબૂબ કાસમ પઠાણ (બંને રહે. નેત્રંગ, તા. વાલીયા, જિ. ભરૂચ) તથા રાજુભાઇ નામના ઇસમને વોન્ટે જાહેર કરાયા છે. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાતા પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬૧(બી) ૬૫ એ.ઇ., ૮૧, ૧૧૬ (ખ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. ડી.બી.રાણા કરી રહ્યા છે.