કાબુલ/ઇસ્લામાબાદ, તા. ૧૭
ઇસ્લામનું અપમાન કરનારી ફિલ્મના વિરોધમાં વિશ્વભરના મુસ્લિમ દેશોમાં અમેરિકા સામે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. આ હિંસક વિરોધની આગ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સુધી ફેલાઈ છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ફિલ્મ અંગે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. ફિલ્મના વિરોધમાં અફઘાનિસ્તાનમાં હિંસક પ્રદર્શનો શરૃ થઈ ગયાં છે. આ પ્રદર્શનોમાં થયેલા પથ્થરમારામાં ૪૦-૫૦ અફઘાન પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. રાજધાની કાબુલના જલાલાબાદ રોડ પર થયેલાં આ પ્રદર્શનોમાં હજારો પ્રદર્શનકારીઓએ ભાગ લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે પ્રદર્શનકારીઓએ કાબુલની એક દુકાન પર પણ હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસનાં બે વાહનોને આગ લગાડી દીધી હતી. કેટલાક પ્રદર્શનકારીઓ પાસે હથિયારો હતાં અને તેઓ ગોળીઓ ચલાવી રહ્યા હતા.
પાકિસ્તાનમાં પણ લોકો ફિલ્મના વિરોધમાં રોડ પર આવી ગયાં હતાં. કરાંચીમાં પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીને આગ લગાડી દીધી હતી. કરાચીમાં પ્રદર્શનકારીઓએ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસની સુરક્ષા સીમાને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડવાની અને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ સંઘર્ષમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયાં હતાં.
હિઝબુલ્લાએ અમેરિકાને જવાબદાર ગણાવ્યું
લેબનોનનાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ઇસ્લામવિરોધી ફિલ્મ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. હિઝબુલ્લાએ મુુસ્લિમ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ફિલ્મને લઈને સોમવારે ફરી વિરોધ કરવાનું આહ્વાન કર્યું હતું. સંગઠનના શેખ હસન નસરુુલ્લાએ કહ્યું હતું કે આ મામલે મુસલમાન શાંત બેસી નહિ રહે. હિઝબુલ્લા દ્વારા અલ મનાર ટીવી પર પ્રસારિત કરવામાં આવેલા ભાષણમાં કહ્યું હતું કે જે લોકો આ ફિલ્મ બનાવવા માટે સીધા જ જવાબદાર છે અને જે લોકો ફિલ્મનું સમર્થન કરી રહ્યાં છે અથવા તેને બચાવી રહ્યાં છે તેની સામે કેસ ચલાવવામાં આવે અને સજા કરવામાં આવે.
ફિલ્મ ફરી નેટ પર
હોલેન્ડના ઇસ્લામવિરોધી નેતા ગ્રીટ વાઇલ્ડરે આ વિવાદાસ્પદ ફિલ્મને તેની વેબસાઇટ પર મૂકી છે. હોલેન્ડની ફ્રીડમ પાર્ટીના નેતા ગ્રીટે અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધાર પર આ ફિલ્મને વેબસાઇટ પર મૂકવાનો બચાવ કર્યો છે. ફિલ્મની લિંકને વેબસાઇટના પહેલા પેજ પર દેખાડવામાં આવી છે. મધ્યપૂર્વમાં રહેલા હોલેન્ડના નાગરિકોએ આ પગલાંનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેમની જિંંદગી આનાથી ખતરામાં મુકાઈ ગઈ છે.
અમેરિકાનો બેંગકોકમાં દૂતાવાસ બંધ કરવા નિર્ણય
ઇસ્લામવિરોધી ફિલ્મ સામે સેંકડો લોકોના યોજનાબદ્ધ પ્રદર્શનની પ્રતિક્રિયારૃપે અમેરિકાએ બેંગકોકમાં આવેલો તેનો દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દૂતાવાસની વેબસાઇટ પર મૂકવામાં આવેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકના વ્યવસાયિક વિસ્તારમાં મુખ્ય રસ્તા પર સ્થિત વાણિજય દૂતાવાસને મંગળવારે બપોરે બંધ કરી દેવામાં આવશે તથા બિનઆવશ્યક કર્મચારીઓને પરત અમેરિકા મોકલી દેવામાં આવશે.