વાપી. તા. ૨૪
પારડીની ડી.સી.ઓ. હાઇસ્કૂલના ધો. ૧૦ના વિદ્યાર્થીને માર મારનાર બે શિક્ષકો અને એક પટાવાળો પારડી પોલીસ મથકે હાજર થતાં પારડી પોલીસે તેમની અટક કરી સળિયા પાછળ બેસાડી દીધા હતા.
પારડી ડી.સી.ઓ. હાઇસ્કૂલના બે પી.ટી. શિક્ષકો એસ.ડી.દેશમુખ અને જી.એસ. પટેલ તથા સેવક નરેશ ચાંપાનેરીએ શાળામાં અપશબ્દ બોલનાર ધો. ૧૦ના વિદ્યાર્થીને કલાસરૂમ બંધ કરીને પટાવાળા સાથે મળીને માર્યો હતો.વિદ્યાર્થીએ આ અંગે પિતાને જણાવતા હોસ્પિટલમાં સારવાર લઈ પારડી પોલીસને ફરિયાદ આપી હતી. પોલીસે બંને શિક્ષકો અને પટાવાળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતાં સોમવારે બંને શિક્ષકો તથા સેવક ત્રણેય પારડી પોલીસ મથકે હાજર થઇ ધરપકડ વહોરી હતી.
શિક્ષકોની ધરપકડના સમાચાર સાંભળતા જ ડી.સી.ઓ. હાઇસ્કૂલનો શિક્ષક સ્ટાફ પોલીસ મથકે ધસી આવ્યો હતો. પોલીસે ધરપકડ વહોરનાર ત્રણેયને પોલીસ લોકઅપમાં બેસાડી દીધા હતા.પારડી ડી.સી.ઓ. હાઇસ્કૂલમાં છેલ્લા કેટલાક સમયથી આચાર્યના મામલે પણ વિવાદ વકર્યો છે. અને હવે વિદ્યાર્થીને મારવાના મામલે બે શિક્ષક અને એક સેવક સામે ફોજદારી તથા ધરપકડની ઘટના થકી સંસ્થાના સો વર્ષમાં ક્યારેય ન સર્જાય એવી પરિસ્થિતિ હાલ દેખા દે રહી છે.પરોક્ષ વિદ્યા આપવા છતાં એકલવ્યએ ગુરુ માટે અંગૂઠો વાઢી આપ્યો હતો. હવે આવી ઐતિહાસિક કથાના આધારે હવે શિક્ષક ગુરુ દક્ષિણા તો ઠીક વિદ્યાર્થી અપશબ્દ બોલી અવિવેકી વર્તન કરે તો પણ તેની પાસે તું શિસ્તમાં રહે એવી દક્ષિણા માંગી શકે નહી એવો સમય આવી ગયો હોવાનું શિણ જગતમાં ચર્ચાય રહયું છે.