આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની કમાલ - Sandesh

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની કમાલ

 | 1:27 am IST

અર્થ અને તંત્રઃ અપૂર્વ દવે

એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ કયા જાનો રમેશ બાબુ…. આ ડાયલોગ ઘણો જ ફેમસ છે. વર્તમાન જમાનામાં એક નાનકડી અમથી એપનું કેટલું મૂલ્ય હોઈ શકે તેનો અંદાજ આપતી ઘટના પરથી ઉક્ત ડાયલોગ યાદ આવ્યો છે.

માણસ પ્રવાસે જાય ત્યારે તેને જરૂર પડે એવી અનેક વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડનારી મેઝી નામની પર્સનલ ટ્રાવેલ આસિસ્ટન્ટ એપને હાલમાં અમેરિકન એક્સ્પ્રેસે ખરીદી છે. નાણાકીય સેવાઓની કંપની સાથે આ સોદો આશરે ૧૨થી ૧૫ કરોડ ડોલર (આશરે ૮૦૦થી ૧,૦૦૦ કરોડ રૂપિયા)માં પાર પડયો હોવાનું કહેવાય છે.

પ્રવાસે જવા ઈચ્છુક વ્યક્તિએ ફ્લાઇટ, હોટેલ, રેસ્ટોરાં માટેની રિક્વેસ્ટ એપમાં દાખલ કરે તેના આધારે મેઝી પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ભલામણો કરે છે. ગ્રાહકે દાખલ કરેલી વિગતોનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વિશ્લેષણ કરતી મેઝીની સ્થાપના ૨૦૧૫માં સ્નેહલ અને સ્વપ્નિલ શિંદે નામના બે ભાઈઓએ કરી હતી. બંને ભાઈઓ સોફ્ટવેર એન્જિનિયર છે અને અમેરિકન એક્સ્પ્રેસને કંપની વેચ્યા બાદ પણ મેઝીના વિકાસમાં યોગદાન આપવા માટે કંપનીની ડિજિટલ સેવાઓનું નેતૃત્વ કરવાના છે.

અમેરિકન એક્સ્પ્રેસ ક્રેડિટ કાર્ડનો બિઝનેસ ધરાવે છે. તેના ગ્રાહકોને વેલ્યૂ એડેડ સેવા પૂરી પાડવાની દૃષ્ટિએ તેણે ગ્રાહકોને અત્યંત ઉપયોગી થતી મેઝી એપ ખરીદવાનો નિર્ણય લેતાં પહેલાં તેણે ૨૦૧૬માં મેઝીમાં રોકાણ કર્યું હતું.

મેઝી એપ હોટેલો અને ફ્લાઇટ વિશે ભલામણો કરવા ઉપરાંત બુકિંગ પણ કરાવી આપે છે. તેને લીધે બિઝનેસમેનોને ઘણી આસાની રહે છે. આજની તારીખે કોઈ પણ બિઝનેસમેનના પ્રવાસ માટે આયોજન કરી આપનારા ટ્રાવેલ એજન્ટો હોય છે અને આપણે જોયું છે કે ફ્લાઇટના ભાવ સેકંડે સેકંડે વધતા જાય છે. એજન્ટ જોડે વાર્તાલાપ કરવાને બદલે પોતાની જરૂરિયાતો મેઝીને જણાવી દેનારનું બુકિંગ મનુષ્યના હસ્તક્ષેપ વગર અને ઓછા ભાવનો લાભ લઈને જલ્દી થઈ જવાની શકયતા વધારે રહે છે.

સ્નેહલ ૨૦૦૬માં યાહૂ કંપનીમાં જોડાયો હતો. ત્યાં તેણે ફાઇનાન્સ, સ્પોર્ટ્સ અને ન્યૂઝ વિભાગનું કામકાજ સંભાળ્યા બાદ પોતાના ભાઈ સ્વપ્નિલને બોલાવી લીધો. બંને ભાઈઓએ યાહૂમાં કામ કર્યા બાદ ૨૦૧૧માં પોતાનું વેન્ચર શરૂ કર્યું. પહેલાં તેમણે ધીંગાણા નામની મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા શરૂ કરી. તેના અનુભવના આધારે તેમણે ટ્રાવેલ માટેની એપનો વિચાર કર્યો, જેણે આજે તેમને કમાણી કરાવી આપી છે.