પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં દમ બતાવવા ઉતરેલી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ સોમવારે એક મોટુ નિવેદન આપતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોઈ શકે. જેને ફગાવતા અરવિંદ કેજરીવાલે આજે સ્પષ્ટતા કરી કે તેઓ દિલ્હી છોડીને ક્યાંય જવાના નથી. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે અને અહીં જ રહેશે.

પંજાબમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કેજરીવાલે આજે જણાવ્યું કે મને મીડિયાવાળા પૂછે છે કે પંજાબના મુખ્યમંત્રી પંજાબના હશે? અરે પંજાબના મુખ્યમંત્રી પંજાબના જ હોય, નહીં તો શું પાકિસ્તાનના હશે. હું પંજાબનો મુખ્યમંત્રી બની શકું નહીં. દિલ્હીના લોકોએ મને મત આપ્યા છે. હું તેમના માટે સમર્પિત છું. પંજાબના મતદારો ધ્યાન રાખે, તમે જ્યારે પણ મત આપવા માટે જાઓ ત્યારે મારો ચહેરો ધ્યાનમાં રાખજો. મુખ્યમંત્રી જે પણ હોય પરંતુ આ બધા વાયતા હું તમને કરવા જઈ રહ્યો છે. તમને આપેલા એક એક વાયદાને પૂરો કરવાની જવાબદારી મારી છે.

લોકોને સંબોધીને કહ્યું કે પંજાબમાં નશાની સપ્લાય એક મહિનામાં બંધ કરી દેવાશે. છ મહિનાની અંદર તમારા બાળકોની સારવાર કરાવવામાં આવશે. એ મારી જવાબદારી છે કે છ મહિનાની અંદર સારવાર પૂરી થવી જોઈએ. અત્રે જણાવવાનું કે મનિષ સિસોદીયાએ અગાઉ જણાવ્યું હતું કે પંજાબના લોકો પોતાને એવી સરકાર આપવાના છે જે રાજ્યને ભ્રષ્ટાચાર અને નશામાંથી મુક્ત કરાવશે.

આમ આદમી પાર્ટીએ પંજાબની વિધાનસભાની ચૂંટણી માટે પોતાના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી લીધી અને ટિકિટ ફાળવણીની પ્રક્રિયા પણ પૂરી કરી નાખી છે. લોક ઈન્સાફ પાર્ટી સાથે ગઠબંધન કરીને આપ પંજાબમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. જેના જવાબમાં દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું કે આ ઘટનાક્રમે કેજરીવાલની સત્તાલાલચને જાહેર કરી છે.