ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલમિનના વ.ડા અસાદુદ્દીન ઓવૈસીએ યુપીના કાનપુરમાં ચૂંટણીપ્રચાર કરતાં કહ્યું કે પીએમ મોદી અને અખિલેશ યાદવ એક જ સિક્કાની બે બાજુ છે. આ બંને નેતાઓ મુખ્ય પ્રધાન તરીકે તેમનાં રાજ્યોમાં રમખાણોને રોકવામાં નિષ્ફળ ગયા હતા. ઓવૈસીનો પક્ષ ફક્ત આર્યનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યો છે ત્યારે તેમણે આક્ષેપો કર્યા હતા કે સપા અને બસપા મુસ્લિમ મતદારોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુઝફ્ફરનગરમાં રમખાણો થયાં હતાં પણ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે તેઓ રમખાણોને રોકવામાં કે રમખાણગ્રસ્તોને ન્યાય અપાવવામાં નિષ્ફળ ગયા હતા. આથી તેમને મોદીથી અલગ કેવી રીતે ગણી શકાય? મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં રમખાણો થયાં હતાં. તેઓ પણ મુસ્લિમોને ન્યાય અપાવવામાં અને રમખાણોને રોકવામાં નિષ્ફળ ગયા હતા.

અખિલેશ તેમના પિતાને જ વફાદાર રહ્યા નથી

અખિલેશ ભાજપનાં નામે ભડકાવીને મુસ્લિમ મતદારોના મત પડાવી લેવા માગે છે. મુસ્લિમોએ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલમિનના ઉમેદવારોને જિતાડવાના છે તેમ ઓવૈસીએ કોલોનીગંજ ખાતેની જાહેરસભામાં કહ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે હું પહેલાં કાનપુર આવવા માગતો હતો પણ શાંતિ ડહોળાશે તેવું કારણ રજૂ કરીને મને અહીં આવવા પરવાનગી અપાઈ નહોતી. અખિલેશ જ્યારે તેમના પિતાને વફાદાર રહ્યા નથી ત્યારે તેમને લાભ કરી આપનાર અધિકારીઓને કેવી રીતે વફાદાર રહેશે તેવો પ્રશ્ન તેમણે પૂછયો હતો. તેમણે દાવો કર્યો હતો કે મેં યુપીમાં ૧૨થી વધુ સભા કરી પણ મેં એવું એકપણ નિવેદન કર્યું નથી કે જેનાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે.

સપા અને બસપાનાં વચનોથી ભરમાશો નહીં

સમાજવાદી પાર્ટી મારાથી ફફડી ઊઠી છે, કારણ કે ભયના માર્યા તેઓ મુસ્લિમોના મત આંચકી રહ્યા છે. હું મુસ્લિમોને ચેતવવા માગું છું કે તેમણે સપા અને બસપાથી મૂર્ખ બનવું જોઈએ નહીં. અખિલેશ સરકારે યુપીમાં મુસ્લિમો માટે સ્કૂલો અને મકાનો બાંધવા વચનો આપ્યાં હતાં પણ પૂરાં કર્યાં નથી. મુસ્લિમ યુવાનોને પોલીસખાતામાં તેમજ અન્ય વિભાગોમાં નોકરી આપવામાં આવશે તેવું વચન પાળવામાં પણ તેઓ નિષ્ફળ ગયા છે. પોલીસખાતામાં હજી ૫૫ ટકા ખાલી જગ્યા ભરાઈ નથી. મુસ્લિમ કોલોનીઓને પીવાનું પાણી આપવાનું વચન પૂરું કરાયું નથી. મુસ્લિમોને તેમની પાર્ટીના ઉમેદવારો માટે મતદાન કરવા તેમણે અપીલ કરી હતી. તેમણે મુસ્લિમોના ૮થી ૧૦ ઉમેદવારોને ચૂંટી કાઢવા કહ્યું હતું.