આશ્રમ બાંધવા મિલમાલિકની પુત્રીએ રેતીનાં તગારાં ઊંચક્યાં – Sandesh
NIFTY 10,414.45 +36.05  |  SENSEX 33,912.90 +138.24  |  USD 64.4300 +0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આશ્રમ બાંધવા મિલમાલિકની પુત્રીએ રેતીનાં તગારાં ઊંચક્યાં

આશ્રમ બાંધવા મિલમાલિકની પુત્રીએ રેતીનાં તગારાં ઊંચક્યાં

 | 7:03 am IST

ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમને ૧૦૦ વર્ષ પૂરાં થયા તે નિમિત્તે એક ફ્લેશ બેક અત્રે પ્રસ્તૂત છે.

ગાંધીજી ૧૯૧૫માં આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે સૌ પ્રથમ અમદાવાદના શેઠ મંગળદાસ ગિરધરદાસને ત્યાં ઊતર્યા હતા. ઉપવાસ બાદ સાબરમતીની રેતીમાં બાવળના ઝાડ નીચે શેઠ મંગળદાસના હાથે જ નારંગીનો રસ પીને પારણાં કર્યાં હતાં. એ વખતે શેઠ મંગળદાસનું મિલમાલિકોમાં ભારે વર્ચસ્વ હતું, છતાં ગાંધીજીના બીજા યુવાન મિલ માલિક અંબાલાલ સારાભાઈ અને તેમનાં બહેન અનસૂયા સારાભાઈ સાથેના સંબંધો પ્રગાઢ થયા હતા.

એ વખતે કેલિકો મિલના માલિક અંબાલાલ સારાભાઈના ‘રિટ્રીટ’ બંગલામાં ગૌશાળા, ઘોડાખાનું, મોટર ગેરેજ, ધોબીઘાટ, વીસ જેટલા મજૂરો, પાંચ-છ બાઈઓ, શોફરો, ક્લીનરો, ઘોડાવાળા, દૂધ દોહવા માણસો, દસેક પહેરાવાળા અને ૩૦ માળીઓ હતા. આ ઉપરાંત દસ જેટલા શિક્ષકો પણ રિટ્રીટ અને તેમના ખજૂરી બંગલે રહેતા. આવડા મોટા કાફલાને સાચવવાનું કામ અંબાલાલ સારાભાઈના પત્ની સરલાદેવી કરતાં. સ્વચ્છતા એમને અત્યંત પ્રિય હતી. નોકરચાકરોએ પણ સ્વચ્છ રહેવું પડતું. નોકરીએ પણ બેસતાં ઊઠતાં શીખવું પડતું.

૧૯૨૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’માં રહેવા આવ્યા. એક સાંજે એમણે અંબાલાલના પુત્ર વિક્રમનું માથું અને કપાળ જોયું. ”કેવો અસાધારણ મેધાસંપન્ન આ બાળક છે.” પાછળ તે બાળક મોટો થઈ દેશના સુપ્રસિદ્ધ વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઈ તરીકે ઓળખાયો.

અંબાલાલ સારાભાઈના ‘રિટ્રીટ’માં આવીને રહેતા અન્ય મહેમાનોમાં બાળગંગાધર ટિળક પણ હતા. ગોખલે પણ હતા. ખુદ મોતીલાલ નહેરુ તેમનાં પત્ની સ્વરૂપરાણી સાથે આવેલા. સાથે સોહામણા જવાહર પણ હતા. વિજ્યાલક્ષ્મી પંડિત પણ હતાં. મિસિસ એની બેસેન્ટ પણ ‘રિટ્રીટ’ના મહેમાન બન્યાં. નાટય કલાકારો પણ આવતાં. બાળકો માટે ‘રિટ્રીટ’ જ એક યુનિર્વિસટી બની ગયું હતું.

અંબાલાલ સારાભાઈના ઘરમાં કદીયે ગાળ બોલાતી નહીં. સ્ત્રીઓની મશ્કરી થતી નહીં. ડર્ટી નોકરીને તો સ્થાન જ નહોતું. કદી કોઈએ ગાળ બોલી કે સાંભળી નહોતી. ઘરમાં વિક્ટોરિયન જમાનાની અંગ્રેજ અદબ હતી.

અંબાલાલ સારાભાઈને દર વર્ષે હવાફેર કરવા ફરવા જવાનો શોખ હતો. મોટા ભાગે તેઓ માથેરાન જતા. માથેરાનમાં તેમની માલિકીનો ‘બોમ્બે વ્યૂ’ નામનો બંગલો હતો. હવે આ પરિવાર હિલ સ્ટેશન કેવી રીતે જતું તે જુઓ. દૂધ માટે ભેંસો, ઘોડેસવારી માટે દસેક ઘોડા, ધોબી અને ટાઈપિસ્ટને પણ હિલ સ્ટેશને લઈ જવાતા. એ વખતે માથેરાનમાં વીજળી કે નળ ના હોવાથી મશાલચી અને પાણી લાવનાર ભિસ્તીની સ્થાનિક ધોરણે વ્યવસ્થા થતી. હિલ સ્ટેશને માત્ર પરિવારના જ સભ્યો જતા હતા. તેમની સાથે વસુમતીબહેન-ઈન્દુમતીબહેન, સરલાદેવીના પિતા, રિટ્રીટ સ્કૂલના શિક્ષકો, લખવાના ઢાળિયા, પાટિયા, ચોપડી, ખડિયા, ચિત્રનો સામાન, વાજિંત્રો, વજનકાંટા અને પાળેલાં પ્રાણીઓ, ટીપી કૂતરો ને તેનાં સાત ગલુડિયાં પણ હિલ સ્ટેશને જતાં. અંબાલાલ સારાભાઈના પુત્રી લીનાબહેન સારાભાઈ તો તેમની સાથે પોપટ પણ લઈ જતાં.

૧૯૨૭માં આખોયે પરિવાર શિલોંગ ગયો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર તેમના મહેમાન તરીકે જોડાયા. તેમના માટે શિલોંગમાં નજીકમાં જ અલાયદું ઘર રાખવામાં આવ્યું હતું. અહીં સુભાષચંદ્ર બોઝ અને તેમનાં ભાઈ-ભાભીને પણ આખો પરિવાર મળ્યો.

પ્રવાસની મજા તો જુઓ ! હિલ સ્ટેશને જવાનું હોય તો પ્રવાસની ઝીણામાં ઝીણી વિગતોનું આયોજન થતું. રાંધવાનાં તપેલાં, શાકભાજી બધું લઈને જ રસોઈયા ટ્રેનમાં ચડે. બધું અંદર જ રંધાય. કાગળ અને તાર દ્વારા આવતાં તમામ સ્ટેશને માણસો દૂધ, ફળફળાદિ સાથે હાજર હોય. ઉનાળામાં તો બરફની પાટો ટ્રેનમાં મુકાઈ જતી.

પુત્રી ભારતીબહેનની પુત્રી અનારને એક વાર ડિપ્થેરિયા થઈ ગયો. તે વખતે અંબાલાલ સારાભાઈ દિલ્હીમાં હતા. માંદગીની ખબર પડતાં જ તેઓ દિલ્હીથી ચાર્ટર પ્લેન કરીને અમદાવાદ આવ્યા હતા. આ આઝાદી પહેલાંની વાત છે.

મોટા પુત્ર સુહૃદનું લગ્ન ક્સ્તુરભાઈ લાલભાઈનાં ભત્રીજી મનોરમા સાથે કરવામાં આવ્યું. ત્યાર પછી ૧૯૩૭માં અંબાલાલ સારાભાઈનાં પુત્રી લીનાબહેને જાહેર કર્યું કે, મારે મદનમોહન મંગળદાસ સાથે લગ્ન કરવાં છે. આગ્રહ એવો હતો કે, સિવિલ મેરેજ થયા પછી વૈદિક વિધિથી. એ વખતે પણ એક ક્રાંતિ સર્જાઈ. આગ્રહ એવો પણ હતો કે ‘કન્યા એ કોઈ ચીજવસ્તુ નથી કે દાનમાં આપી શકાય, માટે કન્યાદાન વગરનાં સંસ્કારવિધિ પણ કરો.’ ગુજરાતમાંથી આ વિધિ કરવા કોઈ તૈયાર ના થયું. છેવટે પૂનાના એક વિદ્વાન શાસ્ત્રી તૈયાર થયા. કન્યાદાન વગર લગ્ન થયાં. સપ્તપદીના ફેરા ફર્યા પછી પુત્રી લીનાબહેન તેમના પતિ મદનમોહન સાથે ગાડીમાં બેઠાં અને પતિના લાલદરવાજા પાસેના બંગલે ગયા.

પિતા દીકરીના ઘેર મળવા જાય તો બેસે અને જમે પણ ખરા. દીકરીના ઘરે જમાય જ નહીં તેવી રુઢિથી તેઓ વિરુદ્ધ હતા.

તા. ૩૦મી માર્ચ, ૧૯૩૦.

મહાત્મા ગાંધીએ અમદાવાદ સાબરમતીથી દાંડીકૂચ આરંભી. મળસ્કે આખો પરિવાર બાપુને વિદાય આપવા નદી ઓળંગીને આશ્રમ પર ગયો. અલબત્ત, તે પહેલાં અંબાલાલ સારાભાઈનાં બીજાં એક મોટાં પુત્રી મૃદુલા સારાભાઈને રેશમી વસ્ત્રો અને હીરા-મોતીનાં દાગીના પહેરવાનો ભારે શોખ હતો, પરંતુ બાપુના પરિચયમાં આવ્યા બાદ તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું. તેમણે ખાદી અપનાવી લીધી. મૃદુલા અત્યંત કોમળ, પરંતુ બધાં જ શોખને તિલાંજલિ આપી દીધી. છોકરીઓએ શણગાર સજીને પરણવું જોઈએ તેવા વિચારો જ ત્યજી દીધાં. આૃર્યની વાત એ છે મૃદુલા ૧૪ વર્ષની વયે જ બાપુના કહેવાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયાં. પોતાનું જીવન બાપુની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓ એક અબજોપતિ મિલમાલિકનાં પુત્રી હોવા છતાં સાબરમતી નદીમાંથી રેતીનાં તગારાં ઊંચક્યાં અને આશ્રમના બાંધકામમાં મજૂરી કરી. એરિસ્ટ્રોકેસી શોખ, વૈભવ, ઐશ્વર્ય અને તમામ ધનસંપત્તિના ત્યાગથી પણ પ્રાપ્ત થઈ શકે છે તે મૃદુલા સારાભાઈએ સાબિત કરી દીધું.

એક અબજોપતિની પુત્રી મૃદુલા સારાભાઈએ એ જ ઉંમરે પોતાની જાત રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી. છોકરીએ શણગાર સજીને પરણવું જોઈએ તે ખ્યાલ તેમણે સદંતર છોડી દીધો. આટલી નાની વયે તેમનું ત્યાગનું વલણ માતા-પિતાએ પણ સ્વીકારી લીધું.

પછી તો ધરાસણા અને દાંડીના સભાગૃહો દરમિયાન પોલીસના લાઠીચાર્જ શરૂ થયા. જખમી સ્વાતંત્ર્ય સેનાનીઓની સારવાર માટે અંબાલાલ સારાભાઈના મિરઝાપુરના બંગલે એક હોસ્પિટલ શરૂ થઈ. મૃદુલા સારાભાઈ, ભારતી સારાભાઈ વગેરે પિકેટિંગમાં જોડાયાં. ધોળકામાં ભાષણ કરવા જતાં તથા અંબાલાલના પત્ની સરલાદેવી પણ પકડાયાં. મૃદુલા સારાભાઈને હવે લોકો બોસ ‘બોશી’ અને ‘પઠાણ’ તરીકે પણ બોલાવતાં હતાં. ઘરમાં પણ હવે વિદેશી કાપડ આવતું બંધ થઈ ગયું. ઘણાં સભ્યોએ ખાદી ધારણ કરી.

૧૯૩૨માં મૃદુલાબહેન ગિરફ્તાર થયાં. જેલમાં ધકેલી દેવાયાં. પુત્રી મૃદુલાને જેલ થઈ છે તે જાણી અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી દુઃખી દુઃખી થઈ ગયાં. તેઓ પહેલી જ વાર ભાંગી પડયાં હોય તેમ લાગ્યું. તેમણે સંગીત સાંભળવાનું જ બંધ કરી દીધું. મૃદુલાબહેન પૂના પાસેની યરવડા જેલમાં હતાં. મૃદુલાની જેલ પાસે જ રહી શકાય તે માટે માતા-પિતા બેલગામ અને પૂના રહેવા જતાં રહ્યાં.

૧૯૪૨માં ‘હિંદ છોડો’ નામની ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટ આવી. તે વખતે સારાભાઈ પરિવારના છ જણ જેલમાં હતા. મૃદુલાબહેન, નીમાબહેન, ઈન્દુબહેન, ભારતીબહેન, ગીરાબહેન અને ગીતાબહેન. વર્ષો પછી મૃદુલા સારાભાઈએ દુઃખી સ્ત્રીઓ માટે અમદાવાદમાં ‘જ્યોતિસંઘ’ની સ્થાપના કરી. ત્યાર બાદ દુખિયારી સ્ત્રીઓને રહેવા માટે તેમણે અમદાવાદમાં જ ‘વિકાસગૃહ’ પણ ઊભું કર્યું.

આમ ‘જ્યોતિસંઘ’ અને ‘વિકાસગૃહ’ પણ સારાભાઈ પરિવારની ભેટ છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in