ASI Khushbu and Raviraj Sinh Jadeja Murder Case Full Story
  • Home
  • Featured
  • લોહીયાળ લવ સ્ટોરી: આડા સબંધોની બની ‘આખરી રાત’ ખુશ્બુ સાથે મુંબઇમાં પણ…

લોહીયાળ લવ સ્ટોરી: આડા સબંધોની બની ‘આખરી રાત’ ખુશ્બુ સાથે મુંબઇમાં પણ…

 | 3:49 pm IST

રાજકોટ સિટી પોલીસના લેડી એ.એસ.આઈ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની લોહીયાળ લવ સ્ટોરીમાં પોલીસે ધીમી પરંતુ મક્કમ ગતિએ કરેલી તપાસમાં બંનેના અંતનો આરંભ નવ માસ પહેલા થયાનું ખુલ્યું હતું. રવિરાજસિંહ રોજ રાત્રે ખુશ્બુના ફ્લેટ પર આવતા અને મોડીરાત્રે બે વાગ્યા બાદ પોતાના ઘરે મવડી હેડક્વાર્ટર જતા હતા. બંનેનો આ ઘટનાક્રમ બની ગયો હતો. બંનેના આડા સબંધોમાં ગત બુધવારની રાત્રી જીવનની આખરી રાત બની ગઈ હતી.

બંને એક જ પોલીસમથકમાં સાથે નોકરી કરતા હતા. રવિરાજસિંહ ઉ.વ.૩૦ હેન્ડસમ અને પોલીસબેડામાં પણ મળતાવળો હતો જ્યારે ખુશ્બુ ઉ.વ.૨૮ યુવાન હોવાથી બંનેની આંખ મળી ગઈ હતી અને નવેક માસથી બંને એકબીજામાં ઓતપ્રોત બનીને પતિ, પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. લેડી એ.એસ.આઈ. ખુશ્બુને રામનાથપરા પોલીસલાઈનમાં સરકારી ક્વાર્ટર (નિવાસ) મળ્યું હતું. જો કે ત્યાં ફ્રીડમ નહીં મળી શકતું હોવાને લઈને જો કે એવું કહેવાયું કે ફરજનું સ્થળ યુનિવર્સિટી પોલીસમથકથી રામનાથપરા લાઈન દુર પડતી હોવાથી ખુશ્બુએ ચાર માસથી કાલાવાડ રોડ પર પંડિત દિનદયાલનગરમાં એ.એસ.આઈ. વેલુભા ઝાલાનો ફ્લેટ ભાડે રાખ્યો હતો.

ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાના કહેવા મુજબ બંનેના મોબાઈલના સી.ડી.આર. ચેક કરાયા હતા જેમાં બંને વચ્ચે જે રીતે કોલીંગ ચેટ હતા તે પરથી એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે બંને વચ્ચે નવેક માસથી સબંધો હતો. રવિરાજસિંહ રાત્રે પહેલા ખુશ્બુના ફ્લેટ પર આવતા હતા. બંને સાથે જમતા અને મોડી રાત્રે બે, અઢી વાગ્યા બાદ પોતાના મવડી હેડક્વાર્ટર સ્થિત ઘરે જતા હતા. બનાવની રાત્રે રવિરાજસિંહના પત્નીએ અગ્યારેક વાગ્યે ફોન કર્યો હતો જે રવિરાજસિંહે કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ બે, અઢી વાગ્યે ઘરે આવવાના સમયે પણ ઘરે નહીં આવતા ત્રણ વાગ્યા બાદ ફરી તેમના પત્નીએ કોલ કર્યો હતો. જે રિસિવ થયો ન હતો.

વ્હેલી સવારે રવિરાજસિંહના પત્નીએ તેમના સાસુ, સસરા તેમજ રાજકોટમાં જ રહેતા પિતાને રવિરાજસિંહ ઘરે નહીં આવ્યાનું અને ફોન નો રિપ્લાય થતો હોવાની જાણ કરી હતી અને સવારે રવિરાજસિંહનો સાળો શોધવા નીકળતા બંનેના મૃતદેહ મળ્યા હતા. તપાસ દરમિયાન એવી પણ વિગતો મળી હતી કે ખુશ્બુ, રવિરાજસિંહ, વિવેક કુછડીયા અને તેના પત્ની ચારેય મુંબઈ, માથેરાન સહિતના સ્થળે પંદર દિવસ પહેલા ફરવા ગયા હતા. જ્યા રાત્રીના સમયે રવિરાજસિહના ફોન પર તેમના પત્નીનો કોલ આવ્યો હતો ત્યારે ખુશ્બુ બગડી હતી અને બંને વચ્ચે ઝગડો થયો હતો જે તે સમયે વિવેકે જ મધ્યસ્થી કરીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

ખુશ્બુ રવિરાજસિંહને ચાહતી હતી બંને વચ્ચે અખુટ પ્રેમ પણ હોઈ શકે પરંતુ ખુશ્બુને રવિરાજસિંહની પત્ની તો નાપસંદ હશે જ પરંતુ એટલી હદે નફરત હશે કે તેમનો ફોન આવતો તો પણ ખુશ્બુ અતિ આવેશમાં આવી જતી હતી. બનાવની રાત્રે પણ ખુશ્બુ અને રવિરાજસિંહે રાબેતા મુજબ સબંધો બાંધ્યા બાદ રવિરાજસિંહે ઘરે જવાની તૈયારી કરી ગેલેરી પાસે પહોંચ્યા હશે ત્યારે ખુશ્બુએ ઘરે નહીં જવા દેવાનો વિરોધ કર્યો હશે જો ઘરે જશે તો મારી નાખશે કહીંને ધમકાવ્યા હોય અને રવિરાજસિંહે પોતાને ચાહતી હોય થોડી મારે તેવું માનીને ખુશ્બુની વાત હળવાશથી લીધી હોય અથવા તો ઘરે તો જવું જ પડે તેવી વાત કરી હોય અને ખુશ્બુએ લવ સ્ટોરીનો લોહીયાણ અંત લાવ્યો હોઈ શકેનું પોલીસનું તારણ છે. ડી.સી.પી. જાડેજા સાથે એ.સી.પી. ગેડમ, ક્રાઈમબ્રાન્ચ પી.આઈ. એચ.એમ.ગઢવી, તાલુકા પી.આઈ. વી.એસ.વણઝારા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ક્યાં મુદ્દાઓ આધારે પોલીસ પહોંચી નિષ્કર્ષ પર

લાશ મળી ત્યારે હથિયાર ખુશ્બુના હાથમાં હતું, ગન પાવડર ખુશ્બુના ખંભા પરથી મળ્યો જેથી ફાયરીંગ કરનારના શરીરે જ ગન પાવડર હોય છે બ્લીડીંગ થઈ ગયું હોવાથી હાથમાં ગન પાવડર મળ્યો ન હતો, મૃતદેહની સ્થિતિ મુજબ ખુશ્બુના હાથ રવિરાજસિંહના હાથ પર હતા જો રવિરાજસિંહે ફાયરીંગ કર્યું હોત તો તેમના હાથ ઉપર હોય, બંને રાઈટ હેન્ડ ફાયર કરતા હતા, રવિરાજસિંહના ડોબી સાઈડ માથામાં કાનના નીચેના ભાગેથી ગોળી જમણી બાજુ લમણે નીકળી હતી જેનો ઘાવ ૧.૮ સી.એમ./ ૧.૩ સી.એમ. હતો., ખુશ્બુને જમણી બાજુ લમણેથી ગોળી છુટીને માથના ભાગે નીકળી જેનો ઘાવ ૪.૫ સીએમ / ૩ સી.એમ. હતો. બંનેના ફાયરીંગ એન્ટ્રી પોઈન્ટમાં ઓટલો ફર્ક કેમ તેમ ફાયર નિષ્ણાંતોની સલાહ લેવાઈ હતી જેમાં રવિરાજસિંહ પર દોઢેક ફુટ દુરથી ફાયરીંગ થયું હોય એન્ટ્રી પોઈન્ટ નાનો હોઈ શકે જ્યારે ખુશ્બુને એકદમ નજીક પોઈન્ટ બ્લેન્ક ફાયર થયું હોય એન્ટ્રી પોઈન્ટ ડબલ મોટો હોઈ શકેનો નિષ્ણાંતોએ અભિપ્રાય આપ્યો હતો. ફોરેન્સિક નિષ્ણાંતો, બેલેન્સ્ટીક નિષ્ણાંતો તેમજ બારીકાઈથી કરાયેલા સાયન્ટીફિકલી, ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન પરથી સમગ્ર તારણ નીકળ્યું હતુું.

પોલીસ આરંભે ક્યાં થાપ ખાધી કે ઉણી ઉતરી?

બંનેના મૃતદેહો મળ્યા એમા ફાયરીંગથી મોત થયાનું તો સ્પષ્ટ થયું હતું. પ્રથમ દિવસે પોલીસે બે રાઉન્ડ ફાયર થયાનું ફરી બે દિવસ બાદ જાહેર કર્યું કે કુલ ચાર રાઉન્ડ ફાયરીંગ થયું હતું. જેમા બે મીસ્ડ ફાયર થયા હતા. બંનેની ડેડેબોડી અને ફાયરીંગના નિશાન પરથી પોલીસે એવું જ અનુમાન લગાવ્યું હતું કે ખુશ્બુની હત્યા કરી રવિરાજસિંહે પોતાના લમણે રિવોલ્વર રાખી ફાયરીંગ કરી લીધું હશે. જે તે સમયે રવિરાજસિંહને માથાના ભાગે કાન પાછળ ઈજાનો ઘાવ નજર અંદાજ થયો હશે. જ્યારે ખુશ્બુએ લમણે રિવોલ્વર રાખી નજીકથી જ ફાયર કર્યું હોવાથી તે ભાગની ચામડી બળી ગઈ હતી, વાળ બળી ગયા હોઈ શકે. લમણે પિસ્ટલ ત્રાસી રહી ગઈ હોય જેથી ગોળી સીધી માથાના ભાગે નીકળી ગઈ હોઈ શકે. લમણા ભાગની ઈજા પોલીસને કદાચિત જે તે સમયે દેખાઈ નહીં હોય જેમાં એવો બચાવ કરાયો છે કે ચહેરા પર વાળ આવી ગયા હોવાથી લમણાની ઈજા દેખાઈ ન હતી. જો આ બંને ઈંજરીનો પણ બારીકાઈથી પ્રથમ દિવસે જ અભ્યાસ થયો હોત તો પોલીસને ચાર દિવસની મસ્કત કે એફએસએલ રિપોર્ટ પહેલા જ તારણ આવી શકયુ હોત.

બંને મેસેજમાં એક બીજાને હબી અને વાઈફ સંબોધતા

બંને એકબીજાના એટલા ગળાડુબ પ્રેમમાં હતા અને મનથી જાણે પતિ પત્ની જ માની બેઠા હોય એ રીતે એકબીજાને એ જ રીતે સંબોધતા. પોલીસે બંનેના ચેટ ચેક કરતા ખુશ્બુ હબી (હસબન્ડ) જ્યારે રવિરાજસિંહ લવ, વાઈફથી સંબોધન સહિતના બંને અંગત દંપતીના શબ્દો પણ યુઝ કરતા હતા. જેના પરથી પણ પોલીસે અનુમાન લગાવ્યું કે બંને અતિ ઉંડા ઉતરી ગયા હતા અને રવિરાજસિંહ માટે બીજા લગ્ન શક્ય ન હતા અને ખુશ્બુ તેના વીના રહી શકે તેમ ન હતી. બંનેએ કોર્ટ મેરેજ કે લગ્ન કર્યા હોવાનું પોલીસે નકાર્યું છે.

રવિરાજસિંહને ગોળી માર્યા બાદ ખુશ્બુએ ઓશિકાથી લોહી બંધ કરવા પ્રયાસ કરેલો

રવિરાજસિંહને માથાના સાઈડના ભાગે કાન પાસે ગોળી ધરબી દેતા ગોળી લમણે નીકળી હતી. ત્રાસેથી ફાયરીંગ થયું હોય ગોળી લમણે નીકળ્યાનું પોલીસનું તારણ છે. ગોળી આરપાર નીકળી જતા રવિરાજસિંહ ઢળી પડયા હતા અને પુષ્કળ રક્તસ્ત્રાવ થતા ખુશ્બુએ ઓશીકું આડું રાખીને લોહી બંધ કરવા પ્રયાસ કર્યો હતો ઓશીકુ પુરી લોહી વાળું થઈ ગયું હતું. રવિરાજસિંહના પ્રાણ છુટી ગયા હશેને હવે શું કરવું કે શું થશે તેવુ વિચારી ખુશ્બુએ પણ રવિરાજસિંહની પાસે જ પોતાના પર ગોળી વછોડી હશે. બે મીસ્ડ ફાયર થયા તેમા પોલીસનો એવો અંદાજ છે કે પહેલી ગોળી સીધી રવિરાજસિંહને મારી જ દીધી હોય જો મીસ્ડ ફાયર થયું હોત તો રવિરાજસિંહ પિસ્ટલ આંચકી શક્યા હોત, ત્યારબાદ ખુશ્બુ પોતાને ગોળી મારવા પ્રયાસ કર્યા અને કદાચિત બે મીસ્ડ ફાયર થયા બાદ ચોથા રાઉન્ડની ગોળી તેનું મોત બનીને વછુટી.

તપાસ ચાલુ જ છે, હવે ખુશ્બુ સામે નોંધાશે હત્યાનો ગુનો

સમગ્ર ઘટનાક્રમ વીશે આજે એફએસએલ રિપોર્ટ અને નિષ્ણાંતોની મદદથી સ્પષ્ટ થયું છે કે પ્રેમી રવિરાજસિંહની હત્યા ખુશ્બુએ કરીને પોતે આત્મહત્યા કરી લીધી છે. ડી.સી.પી.ના કહેવા મુજબ હજી ટેકલનીકલી અને સાયન્ટીફિકલી ઈન્વેસ્ટીગેશન ચાલુ છે. જે ઘટના ઘટી તે ખુશ્બુના ફ્લેટ નં.૪૦૨માં ઘટી, બાજુના ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ છે તેના મિસ્ત્રીનું નિવેદન લેવાયુ તેની પાસેથી ઉપરાંત સી.સી.ટીવી અને અન્ય રીતે પણ કેટલાક પુરાવાઓ મળ્યા છે. હત્યા ખુશ્બુએ કર્યાનું ખુલતા કાયદાકીય નિયમ મુજબ રવિરાજસિંહના પરિવારના સભ્યની ફરિયાદ પરથી ખુશ્બુ સામે હત્યાનો ગુનો નોંધાશે.

રવિરાજસિંહ ખુશ્બુને આર્થિક મદદ પણ કરતા હોવાનું ખુલ્યું

બંને એક બીજાના પ્રેમમાં પાગલ હોવાથી રવિરાજસિંહ ખુશ્બુને આર્થિક મદદ કરતા હતા. ખુશ્બુએ તેના વતન જામજોધપુર હાલ નવુ મકાન બનાવ્યું છે. રવિરાજસિંહ ખુશ્બુ સાથે જામજોધપુર પણ ગયેલા છે. બંનેના પરિવારને બંને વચ્ચેના પ્રેમ સબંધો વીશે જાણ હતી કે કેમ તે વીશે હાલ તો બંનેના પરિવારોએ કશો ખ્યાલ ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

બનાવની રાત્રે તો બંને ખુશખુશાલ હતા

સમગ્ર ઘટનામાં ચકરાવે ચડેલા ખુશ્બુ સાથે પારિવારીક સબંધ ધરાવતા તેના બેચમેટ વિવેક કુછડીયાએ પોલીસ સમક્ષ એવું જણાવ્યું હતું કે બનાવની રાત્રે ખુશ્બુના ઘરે પોતે પત્ની સાથે ગયા હતા. બહાર ખરીદીમાં જવું હોય કુછડીયાએ પોતાની પિસ્ટલ ખુશ્બુને ત્યાં જ છોડી દીધી હતી. ત્યાંથી કુછડીયા દંપતી, ખુશ્બુ અને રવિરાજસિંહ સાથે બહાર ગયા હતા. ચારેય હોટલમાં સાથે જમ્યા બાદ કુછડીયા દંપતીને બંને કોટેચા ચોક સુધી છોડવા પણ આવ્યા હતા અને ખુશખુશાલ મુદ્દામાં હતા. રાત્રે એવું શું બન્યું કે બંનેના જીવ ગયા ? તે કોયડો બંનેની સાથે કાયમ વણઉકેલ જેવો બની ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન