Asia Cup 2018: India Start Favourites
  • Home
  • Sports
  • Cricket
  • એશિયા કપનો પ્રારંભ : ભારત-પાકિસ્તાન વચ્ચે થશે રોમાંચક ટક્કર

એશિયા કપનો પ્રારંભ : ભારત-પાકિસ્તાન વચ્ચે થશે રોમાંચક ટક્કર

 | 11:10 pm IST

આગામી વર્ષે ક્રિકેટ મહાકુંભ એવા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે તે પહેલાં એશિયાની તમામ ટીમ માટે એશિયા કપ મોટી તક લઈને આવ્યો છે. ખાસ કરીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા જેવી ટીમ માટે આ ટૂર્નામેન્ટ મોટા વિજયનો મહાવરો બની શકે તેમ છે. શનિવારથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં આ વખત બાંગ્લાદેશ એ શ્રીલંકા વચ્ચે પહેલો મુકાબલો યોજાવાનો છે.

મશરાફે મોર્તઝાની આગેવાની હેઠળ ઉતરનારી બાંગ્લાદેશની ટીમ વધુ એક વખત 50 ઓવરની આ ગેમમાં પોતાનું કૌવત બતવવા માટે સજ્જ છે. એશિયન દેશોમાં જ્યારે મેચ રમાતી હોય છે ત્યારે બાંગ્લાદેશે કાયમ અંતિમ ઘડી સુધી ટક્કર આપી છે. ઈતિહાસ જણાવે છે કે, વતર્માન સમયમાં તો બાંગ્લાદેશની ટીમને સરળતાથી લઈ શકાય તેમ જ નથી. તેમાંય પોતાની તાજેતરની વિદેશયાત્રામાં વેસ્ટ ઇન્ડીઝને વન-ડે અને ટી-20માં પરાજય આપીને પરત આવેલી બાંગ્લાદેશની ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચ ઉપર સમગ્ર વિશ્વની નજર છે. ભારત 18મીએ હોંગકોંગ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. ત્યારબાદ બીજા દિવસે ૧૯ સપ્ટેમ્બરે એકબીજાના કટ્ટર હરીફ એવા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ જંગ જામશે.

ટોચના પાંચ ખેલાડીઓને સ્થાન

શ્રીલંકા સામે બાથ ભીડનારી બાંગ્લાદેશની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું યોગ્ય કોમ્બિનેશન છે. તેમાં હાલમાં શાકિબ, મુશ્ફિકુર, તમિમ, મહમુદુલ્લાહ અને સુકાની મશરાફે મોર્તઝા જેવા અનુભવી ખેલાડીઓ છે. મહત્વની વાત એ છે કે, શકિબની આંગળીમાં ઈજા હોવા છતાં બાંગ્લાદેશના પસંદગીકારોએ તેને ટીમમાં સ્થાન આપ્યું છે. તેમનું આ ટીમ મેનેજમેન્ટ જ જણાવે છે કે, તેઓ આ કપ જીતવા માટે કેટલા મક્કમ છે. અનુભવી ખેલાડીઓની સાથે સાથે લિટન દાસ, મસડેક હોસૈન, અબુ હૈદર અને મેહિદી હસન જેવા યુવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ સજા ભોગવી રહેલા સબ્બિર રહમાનના સ્થાને મોહમ્મદ મિથુન અને આરિફુલ હકને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યુવા ખેલાડીઓએ બાંગ્લાદેશના તાજેતરના આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન સારું ફોર્મ બતાવ્યું હતું. બોલિંગમાં તમિમ, મુશ્ફિકુર, શકીબ અને મહમદુલ્લાહ જેવે ખેલાડીઓની સાથે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ મોમિનુલ હકને પણ ટીમ સાથે જોડવામાં આવ્યો છે, જે શકિબ માટે સારો વિકલ્પ બની શકે તેમ છે.

શ્રીલંકા માટે વધુ એક ખરાબ સમાચાર

એશિયા કપની જાહેરાત થયા બાદ ટીમની પસંદગી દરમિયાન તેનો પૂર્વ સુકાની અને વિકેટ કિપર દિનેશ ચંડીમલ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. ટીમ આ મોટા નુકસાન સામે ઝઝૂમી રહી હતી ત્યાં ટીમને વધુ એક ફટકો પડયો છે. ટીમ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકાનો સ્ટાર ઓપનર ધનુષ્કા ગુણાતિલકે પણ ઈજાના કારણે એશિયા કપમાંથી ખસી ગયો છે. બોર્ડ દ્વારા તેના સ્થાને મજબૂત ખેલાડીને રાખવાની મથામણ કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા હાલમાં તો ધનુષ્કાના બદલે શેહાન જયસૂર્યાને તક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ડિકવેલાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું

જાણકારોના મતે શ્રીલંકાની ટીમ કાગળ ઉપર તો મોટા નામ સાથે મજબૂત જણાઈ રહી છે પણ ખરેખર આ ટીમ બાંગ્લાદેશ અને બાદમાં ભારત તથા પાકિસ્તાન જેવી ટીમનો સામનો કરી શકશે. તેનું કારણ એટલું જ છે કે, ટીમમાં સ્થાન ધરાવતા મોટાભાગના બેટ્સમેન છેલ્લી કેટલીક સિરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ચંડીમલના બહાર થયા બાદ વિકેટકીપર અને બેટ્સમેન એવા નિરોશન ડિકવેલાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ડેબ્યૂ સમયે ડિકવેલા ફોર્મમાં જણાતો હતો પણ બાદમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ચંડીમલની ગેરહાજરીમાં ડિકવેલા પાસે ટીમ સાથે જોડવાનો મોટો અવસર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન