એશિયા ટીમ ચેમ્પિયનશિપ : ભારતીય પુરુષ અને મહિલા ટીમના અભિયાનનો અંત - Sandesh
  • Home
  • Newspaper
  • એશિયા ટીમ ચેમ્પિયનશિપ : ભારતીય પુરુષ અને મહિલા ટીમના અભિયાનનો અંત

એશિયા ટીમ ચેમ્પિયનશિપ : ભારતીય પુરુષ અને મહિલા ટીમના અભિયાનનો અંત

 | 3:35 am IST

એલોર સેતાર, તા. ૯

એશિયા ટીમ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની પુરુષ અને મહિલા ટીમનો પરાજય થતાં બહાર થઈ ગઈ છે. પુરુષ ટીમને ચીને ૩-૧થી અને મહિલા ટીમને ઇન્ડોનેશિયાને ૩-૧થી હરાવી  બહાર કરી હતી.

પુરુષ વિભાગમાં એક માત્ર કિદાંબી શ્રીકાંતે શિ યુકીને ૧૪-૨૧, ૨૧-૧૬,૨૧-૭થી પરાજય આપ્યો હતો જ્યારે ડબ્લસમાં સત્વિકસાંઇરાજ રેન્કિરેડ્ડી અને ચિગાગ શેટ્ટીની જોડીને હી જિટિંગ અને તાન કિંઆંગની જોડીએ ૨૧-૧૭, ૨૧-૧૮થી હાર આપી હતી. ત્રીજી મેચ સિંગલ્સની યોજાઈ હતી જેમાં કિઆઓ બિને બી. સાંઈ પ્રણિથને ૯-૨૧, ૨૧-૧૧, ૨૧-૧૭થી હાર આપી હતી. ચોથી મેચમાં મનુ અત્રી અને બી. સુમિત રેડ્ડીની જોડીને હાન ચેંગકાઈ અને ઝોઉ હાઓડાંગની જોડીએ ૧૪-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૪થી હરાવી સેમિમાં પ્રવેશ મેળવ્યો હતો.

મહિલા વિભાગમાં ઇન્ડોનેશિયા સામેની ક્વાર્ટર ફાઇનલની પ્રથમ મેચ પી. વી. સિંધુ અને ફિત્રિયાની ફિત્રિયાની વચ્ચે રમાઈ હતી જેમાં સિંધુએ ૪૮ મિનિટ ચાલેલી મેચમાં ૨૧-૧૩, ૨૪-૨૨થી જીત મેળવી ભારતને ૧-૦ની લીડ અપાવી હતી. બીજી મેચ ડબલ્સની યોજાઈ હતી જેમાં ઇન્ડોનેશિયાની ગ્રેસિયા પોલી અને અપ્રિયાની રહાયુની જોડીએ અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડીને ૨૧-૫, ૨૧-૧૬થી હરાવી ઇન્ડોનેશિયાને ૧-૧ની બરાબરી અપાવી હતી. ત્રીજી મેચ સિંગ્લસની યોજાઈ હતી જેમાં હાના રમાદિનીએ ભારતની શ્રીકૃષ્ણા પ્રિયા કુદરવલ્લીને ૨૧-૮, ૨૧-૧૫થી હરાવી ૨-૧ની સરસાઈ મેળવી હતી. ચોથી મેચ ડબલ્સની યોજાઈ હતી જેમાં એગિઆ શિટ્ટા અવાન્દા અને ની કેતુત મહાદેવી ઇસ્ત્રાનીએ સંયોગિતા ઘોરપડે અને પી.વી. સિંધુની જોડીને ૨૧-૯, ૨૧-૧૮થી હરાવી હતી. આ જીત સાથે ઇન્ડોનેશિયાની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ હાર છતાં ભારતીય ટીમ આગામી મે મહિનામાં યોજાનાર ઉબેર કપ માટે ક્વોલિફાઈ કરી શકે તેમ છે. આ ક્વોલિફિકેશન ટીમની વર્લ્ડ રેન્કિંગના આધારે થશે જે વર્તમાનમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપ પૂર્ણ થયા બાદ જાહેર થશે.