Asian Games 2018: indian bronze medal winner has to sell tea
  • Home
  • Featured
  • હે સરકાર! એશિયન ગેમ્સમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ચા વેચવા મજબૂર

હે સરકાર! એશિયન ગેમ્સમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ચા વેચવા મજબૂર

 | 1:11 am IST

ભારતે તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ જીતી પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. એક તરફ દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓને સંબંધિત રાજ્ય સરકાર ઇનામ આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહી છે ત્યારે કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમને ગુમનામીની જિંદગી જીવવા મજબૂર બનવું પડયું છે. આવો જ એક ખેલાડી છે હરીશકુમાર જે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ઇન્ડોનેશિયાથી પરત આવ્યા બાદ ચા વેચવા મજબૂર બન્યો છે.

હરીશ જ્યારે જાકાર્તાથી પરત ફર્યો ત્યારે તેનું શાનદાર સ્વાગત થયું હતું પરંતુ થોડા સમય બાદ તેને ચા વેચવા મજબૂર બનવું પડયું છે. હરીશના મતે તેના પિતાની ચાની દુકાન છે અને આ જ એક માત્ર આવકનું સાધન છે. હરીશે કહ્યું કે, તેની બે બહેનો છે અને બંને જોઈ શકતી નથી જેથી આવતાંની સાથે જ પોતાના પિતાને મદદ કરવી જરૂરી હતી. જેથી અમારા પરિવારનું યોગ્ય રીતે ભરણપોષણ થઈ શકે.  હરીશ દરરોજ સવારે ચાની દુકાને જાય છે જ્યારે બપોરે ૨.૦૦થી સાંજે ૬.૦૦  કલાક સુધી સેપકટકરાની પ્રેક્ટિસ કરે છે. સવારે હરીશ જ્યારે ચાની દુકાને હોય ત્યારે તેના પિતા ઘણી વખત ઓટો રિક્ષા ચલાવે છે.

નોકરીનું આશ્વાસન અપાયું નથી  

હરીશને જ્યારે પૂછવામાં આવ્યું કે, સરકારે તેને નોકરીનું આશ્વાસન આપ્યું છે તો તેણે કહ્યું કે, સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. તેઓએ હા પણ કહી નથી કે ના પણ કહી નથી. હરીશે સંદીપ, ધીરજ અને લલિત સાથે સેપકટકરામાં બ્રોન્ઝ જીત્યો હતો. હવે જ્યારે દરેક ખેલાડી જેણે મેડલ જીત્યા હતા તેમના પર ઇનામોની વર્ષા થઈ રહી છે ત્યારે સરકાર પાસે એવી આશા રખાઈ રહી છે કે, આ ખેલાડી માટે કંઈક કરે કારણ કે, આ ખેલાડી કઠિન પરિસ્થિતિમાં પણ દેશ માટે મેડલ જીતી શકે છે તો સરકારે પણ આ ખેલાડીને પૂરતુ પ્રોત્સાહન આપે.

સ્વાગત કરવા પણ કોઈ પહોંચ્યું નહોતું  

સેપકટકરામાં બ્રોન્ઝ જીતનાર હરીશ ટીમના સાથી ખેલાડીઓ સંદીપ, ધીરજ અને લલિત સાથે મેડલ જીતી ઇન્ડોનેશિયાથી ગત શુક્રવારે પરત ફર્યા ત્યારે દિલ્હીના આ ખેલાડીઓનું સ્વાગત કરવા સરકાર તરફથી કોઈ પહોંચ્યું નહોતું. આ ઉપરાંત તેમને એરોપ્ટ પર લેવા માટે બસની પણ વ્યવસ્થા કરાઈ નહોતી, લોકોએ ફાળો ઉઘરાવી બસ મોકલી હતી. બસ શરૂ થતાં જ બંધ થઈ ત્યારે ખેલાડીઓએ જાતે ધક્કો મારતાં ચાલુ થઈ હતી. ઘરે પરત ફર્યા બાદ કેટલાક કલાક જશ્નનો માહોલ રહ્યો હતો પરંતુ સાંજ સુધીમાં હરીશ રોજની જેમ પોતાની ચાની દુકાન પર પરત ફરવા મજબૂર બન્યો હતો.