એશિયન માર્કેટોની તેજી : DIIની ખરીદીથી શેરબજાર વધ્યું   - Sandesh
  • Home
  • Business
  • એશિયન માર્કેટોની તેજી : DIIની ખરીદીથી શેરબજાર વધ્યું  

એશિયન માર્કેટોની તેજી : DIIની ખરીદીથી શેરબજાર વધ્યું  

 | 12:22 am IST

એશિયન માર્કેટોના સકારાત્મક સંકેતો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ધૂમ ખરીદીને પગલે શેરબજારમાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ રહ્યા હતા. શેરબજારમાં તેજીની રોનક જોવા મળી હતી અને નિફ્ટી ૧૦,૯૦૦ની સપાટી નજીક પહોંચ્યો હતો. ૨૦૧૮ના ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો છેલ્લાં દોઢ વર્ષના તળિયે (૨.૧૯ ટકા) પહોંચ્યો હોવાના અહેવાલે માર્કેટનું સેન્ટિમેન્ટ વધ્યું હતું.   રોકાણકારોની માર્કેટ કેપમાં રૂપિયા ૧.૫૨ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૪૬૪.૭૭ પોઇન્ટ વધી ૩૬,૩૧૮.૩૩ અને નિફ્ટી ૧૪૯.૨૦ પોઇન્ટ વધી ૧૦,૮૮૬.૮૦ ઉપર બંધ થયા હતા. વિપ્રોમાં ૫.૪૯, યસ બેન્કમાં ૪.૦૭, ટેક મહિન્દ્રામાં ૩.૮૫, ટીસીએસમાં ૨.૯૧ અને વેદાંતમાં ૨.૯૮ ટકા વધ્યા હતા. વિપ્રો બોનસ જાહેર કરશે એવા અહેવાલે શેર વધ્યો હતો. શેર રૂ.૧૭.૨૫ વધી રૂ.૩૨૯.૮૦ થયો હતો. એનએસઇમાં ૧.૫ કરોડ શેર્સનું કામકાજ થયું હતું. યસ બેન્ક, ઇન્ફોસિસ, વેદાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ અને એચયુએલ વધ્યા હતા.

યસ બેન્ક, ઇન્ફોસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૨.૭થી ૩.૭ ટકા વધ્યા હતા.  

ટ્રાઇડેન્ટનો ત્રીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૫૩.૬ ટકા વધી રૂ.૧૧૨.૧ કરોડ થયો હતો જે સામે ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ.૭૩ કરોડનો નફો કર્યો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળાના નબળા પરિણામે ICICI સિક્યોરિટીઝનો શેર ઘટયો હતો. કંપનીએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ.૧૦૧.૧ કરોડનો સંગઠિત નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૧૫૩.૯ કરોડ હતો. નેટવર્ક ૧૮ મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટની આવક ૨૦ ટકા વધી રૂ.૧,૫૨૪ કરોડ થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૧,૨૬૭ કરોડ હતી.

બીએસઇમાંથી શેર્સને ડિલિસ્ટ કરવા કંપનીનું બોર્ડ વિચારણા કરશે એવા અહેવાલે ફોસેસ્કો ઈન્ડિયાના શેર્સમાં ૨૦ ટકાની ઉપલી ર્સિકટ લાગી હતી. હિંદ મીડિયા વેન્ચર્સનો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ૨૫.૪ ટકા ઘટી રૂ.૨૯.૨ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૩૯.૧ કરોડ હતો.  આર.સિસ્ટમ્સનું બોર્ડ શેર દીઠ રૂ.૬૫ના ભાવે ૩૬.૯ લાખ શેર્સ બાય.બેક કરવાની દરખાસ્ત ઉપર વિચારણા કરશે. ડયૂશ બેન્કના રણવીર ગિલ યસ બેન્કના સીઈઓના હોદ્દા માટે દાવેદાર છે એવા અહેવાલે શેર એક તબક્કે ૫ ટકા વધ્યો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળાના નબળા પરિણામે તાતા મેટાલિક્સનો શેર ઘટયો હતો. કંપનીનો નફો ઘટીને રૂ.૩૯.૬૩ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૪૦.૩૫ કરોડ હતો.  એલ એન્ડ ટીહાઇડ્રોકાર્બનને સાઉદી આર્માકોકંપની તરફથી બે ઓર્ડર મળ્યા હતા. ડિસેમ્બરમાં વેજિટેબલ ઓઇલની આયાત ૧૧ ટકા વધી હતી.

ક્રૂડ તેલના ભાવ વધ્યા  

ઓપેક રાષ્ટ્રો અને રશિયા દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં ઘટાડો અને આર્થિક મંદીના અણસારે ક્રૂડ તેલના ભાવમાં એક ટકાનો વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદાનો ભાવ એક બેરલે ૧.૧૭ ટકા વધી ૫૯.૬૮ ડોલર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;