એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બજરંગ અને વિનોદને બ્રોન્ઝ - Sandesh
  • Home
  • Newspaper
  • એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બજરંગ અને વિનોદને બ્રોન્ઝ

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બજરંગ અને વિનોદને બ્રોન્ઝ

 | 1:34 am IST

બિશ્કેક, તા. ૪

ભારતીય રેસલર બજરંગ પુનિયા અને વિનોદકુમાર ઓમપ્રકાશે બ્રોન્ઝ મેડલ જીતતાં ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધી આઠ મેડલ જીતી લીધા છે. બજરંગ પુનિયાને પુરુષ વિભાગની ૬૫ કિગ્રા ફ્રી સ્ટાઇલની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના દાઇચી તાકાતાની સામે પરાજય મળ્યો હતો પરંતુ તાકાતાની ફાઇનલમાં પહોંચતાં ૨૪ વર્ષીય બજરંગને રેપચેઝ રાઉન્ડમાં રમવાની તક મળી હતી. બજરંગે રેપચેઝના પ્રથમ મુકાબલામાં તાજિકિસ્તાનના અબ્દુલકોસીમ ફૈયેજીવને પરાજય આપ્યો હતો. તે પછી બ્રોન્ઝ મેડલના મુકાબલામાં ઇરાનના યોન્સ અલીઅકબર ઇમ્માચોગેઈને ૧૦-૪થી પરાજય આપ્યો હતો. ઇરાની રેસલરે પ્રથમ ૩૦ સેકન્ડમાં ૨-૦ની લીડ મેળવી હતી પરંતુ પુનિયાએ વાપસી કરતાં ૨-૨ની બરાબરી મેળવી લીધી હતી. બીજા હાફમાં પણ ઇરાની રેસલરે બે પોઇન્ટ મેળવતાં ૪-૨ની સરસાઈ મેળવી હતી પરંતુ પુનિયાએ ત્યારબાદ દમદાર વાપસી કરતાં ૪-૪ની બરાબરી મેળવી લીધી હતી. અંતિમ બે મિનિટમાં પુનિયાએ ત્રણ વખત ૨-૨ પોઇટ મેળવી મેચ ૧૦-૪થી જીતી લીધી હતી.

ફ્રી સ્ટાઇલના ૭૦ કિગ્રા વજન વર્ગમાં ભારતના વિનોદકુમાર ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાના ઇખતિયોર નાવરુજોવ સામે હારી ગયો હતો પરંતુ ઇખતિયોર ફાઇનલમાં પહોંચતાં વિનોદને મેડલ જીતવાની વધુ એક તક મળી હતી. બ્રોન્ઝ મેડલના મુકાબલામાં વિનોદને કિર્ગિઝસ્તાનના એલામન ડોગડુર્બેક ઉલુને જોરદાર ટક્કર મળી હતી. બ્રેક ટાઇમ સુધી વિનોદ ૦-૧થી પાછળ હતો પરંતુ બીજા હાફમાં સ્કોર બરાબરી પર લાવી દીધો હતો. એલામને ત્યારબાદ બે પોઇન્ટ મેળવી ૩-૧ની લીડ મેળવી હતી. મેચ પૂર્ણ થવામાં ૪૦ સેકન્ડ બાકી હતી ત્યારે વિનોદે બે પોઇન્ટ લેતાં મેચ ૩-૩થી ડ્રો રહ્યી હતી. આથી અંતિમ પોઇન્ટ મેળવવાના આધારે વિનોદને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.