આસામની ચૂંટણીમાં હિન્દીભાષીઓનું હિત સચવાય તે જરૂરી છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આસામની ચૂંટણીમાં હિન્દીભાષીઓનું હિત સચવાય તે જરૂરી છે

આસામની ચૂંટણીમાં હિન્દીભાષીઓનું હિત સચવાય તે જરૂરી છે

 | 1:33 am IST
  • Share

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

આસામ વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષ લોકોને વિવિધ પ્રકારના લોભામણા વચનો આપીને મતની માગણી કરી રહ્યા છે. આ બાબત તેમના રાજકીય અભિયાનનો એક હિસ્સો પણ છે. નેતાઓની નજર હિન્દી ભાષીઓના મત પર પણ છે. સીમાવર્તી રાજ્ય આસામમાં હિન્દીભાષી મતદારોનો આંકડો ઘણો મોટો છે. આ લોકો રાજ્યના તીનસુકિયા અને ગુવાહાટીમાં મુખ્યરૂપથી વસેલા છે. આમ તો તેઓ લગભગ તમામ શહેરોમાં મજબૂત વસતી ધરાવે છે. રાજ્યની ઘણી બેઠકો પર તેમના મત નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. તેઓ મહેનતું અને શારીરિક દૃષ્ટિથી મજબૂત પણ છે. નાની મોટી ઘટનાઓથી ગભરાઈને ઘરમાં બેસવાવાળા નથી. કેટલાક વર્ષો પહેલાં સુધી આ હિન્દીભાષી બાંધવો પર આતંકવાદી સંગઠન ઉલ્ફાનો ક્રોધ વ્યાપેલો હતો. પરંતુ રાજ્યમાં ભાજપની સરકારે શ્રેષ્ઠ પ્રશાસન આપ્યું તે પછી આ રાજ્યમાં હિન્દીભાષીઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરવા લાગ્યા છે. આ રાજ્યમાં ભાજપ સત્તા પર આવ્યું તે પછી હિન્દીભાષીઓ પર વસૂલી માટે અથવા અન્ય કારણોસર થતાં હુમલા બંધ થઈ ગયા છે. પાછલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની માફક આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યની જનતાને પૂરેપૂરો ભરોસો આપી રહ્યા છે કે રાજ્યમાં વિકાસની સાથોસાથ શાંતિ અને ભાઈચારાને પણ સર્વાધિક મહત્ત્વ આપવામાં આવશે.

અગાઉ ઉલ્ફાના આતંકીઓ મહેનતું હિન્દીભાષીઓથી લઈને બિઝનેસમેનો પર સુનિયોજિત હુમલાઓ કરતાં જ હતાં. ઉલ્ફાના આતંકવાદીઓએ અરુણાચલપ્રદેશ સાથે સંકળાયેલાં તીનસુકિયા જિલ્લામાં બરડુમસા વિસ્તારમાં લઘુ ચાના બગીચાના માલિક મુનીન્દ્રનાથ આચાર્યના ઘર પર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે તે ઘરની બહાર જ ફાટી હતી તેને કારણે કોઈ ખાસ નુકસાન થયું ન હતું. વાસ્તવમાં જ્યારે પણ ઉલ્ફાને કેન્દ્ર સામે પોતાની તાકાત દેખાડવી હતી ત્યારે તેઓ નિર્દોશ હિન્દીભાષીઓને નિશાન બનાવતાં હતાં કેમ કે તેઓ જ સોફ્ટ ટાર્ગેટ હતાં. ઉલ્ફાએ જ પૂર્વ માજુલી દ્વીપના હિન્દીભાષી વેપારી શિવાજી પ્રસાદની ગોળી મારીને હત્યા કરી હતી. પરંતુ આ હવે ભૂતકાળની વાતો છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે નરેન્દ્રી મોદીની નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારના સહયોગથી ઉલ્ફા જેવા દેશવિરોધી સંગઠનની કેડને પૂરેપૂરી તોડી નાખી છે. આમ તો આ કામગીરી કોંગ્રેસના શાસનકાળમાં પણ થઈ શકી હોત પરંતુ કોંગ્રેસની ભૂતપૂર્વ સરકારો ઉલ્ફા અને બોડો જેવા સંગઠનો સામે શરણાગતિ સ્વીકારવાની મુદ્રામાં આવી ગઈ હતી.

જુઓ, ચૂંટણીઓ તો આવતી-જતી રહે છે, પરંતુ દેશે વિચારવાનું રહેશે કે શું થોડા ઉગ્રવાદી લોકોને ધૂળમાં મેળવી દેવામાં આવે કે તેમની સામે સમર્પણ કરવામાં આવે, જેઓ કોઈને બસ એટલા માટે મારી નાખે છે કે તેઓ હિન્દીભાષી છે. આ દેશ તો તમામ નાગરિકોનો છે. અહીંના બંધારણ પર તો તમામનો અધિકાર છે. તેથી આસામમાં હિન્દીભાષીઓનું તથા હિન્દીભાષી પ્રદેશમાં પૂર્વોત્તરના લોકોનં અપમાન કે હત્યા દેશ સહન નહીં કરે. આખરે હિન્દીભાષીઓએ પૂર્વોત્તરના રાજ્યોના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. હિન્દીભાષીઓ પૂર્વોત્તરના રાજ્યોમાં ઘણા દાયકાઓથી વસેલા છે. આ ક્ષેત્રોના વિકાસમાં સતત યોગદાન આપતાં રહ્યા છે. તેઓ ફક્ત હિન્દીભાષી છે તેના લીધે જ તેમની હત્યા કરવી તે એટલી મોટી ગંભીર સમસ્યા  છે.

આસામમાં જે હિન્દીભાષીઓ વસે છે તેમાના મોટાભાગના ભોજપુરીભાષી બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના લોકો છે, આ ઉપરાંત મારવાડી સમાજ પણ ઘણો મોટો છે. આ તમામ લોકો આસામી પણ બોલે છે અને પૂરેપૂરા આસામના જ થઈ ગયા છે. ગુવાહાટીનું મારવાડી યુવા સંમેલન રાજ્યમાં હોસ્પિટલ્સ, પુસ્તકાલય, શાળા-કોલેજો, ધર્મશાળાઓ વિગેરેનું સતત નિર્માણ કરતું રહ્યું છે. આ રાજ્યોમાં બિહાર, યુપી તથા હરિયાણા અને પંજાબમાંથી પણ ઘણા લોકો જઈને વસ્યા છે. અર્થાત તેમને હવે તેમના બાપ-દાદાઓના સ્થાનો સાથે ફક્ત ભાવનાત્મક સંબંધ જ રહી ગયો છે.

આસામમાં હિન્દીના મૂળ ખૂબ ઊંડા છે. એક તરફ સેના, કેન્દ્રીય સુરક્ષા દળો સાથે જોડાયેલાં જવાનો, હિન્દીભાષી રાજ્યોમાંથી આવીને અહીં વસેલા વ્યાપારીઓ, પૂર્વ ઉત્તરપ્રદેશમાંથી અને બિહારમાંથી કામના સંદર્ભમાં આવેલા મજૂરોના કારણે અહીંયાં હિન્દી ભાષાનો પ્રચાર થયો છે. હવે તમને આસામમાં હિન્દી ભાષા બોલવાવાળા અને જાણવા તથા સમજવાવાળા લોકો મળશે. આસામમાં હિન્દીને સ્થાપિત કરવામાં ગાંધીજીએ પણ પહેલ કરી હતી. ગાંધીજીએ આસામની પ્રજાને હિન્દીથી પરિચિત કરાવવા માટે બાબા રાઘવદાસને હિન્દી પ્રચારકના રૂપમાં નિયુક્ત કરીને આસામ મોકલ્યા હતાં. આસામ તથા પૂર્વોત્તર રાજ્યોમાં હિન્દી એટલા માટે પણ આસાનીથી સ્થાપિત થઈ ચૂકી છે કે માનવામાં આવે છે કે જે ભાષાઓની લિપિ દેવનાગરી છે તે ભાષાઓ હિન્દી ના હોય તો પણ તે ભાષા મારફત હિન્દીનો પ્રચાર થઈ જાય છે. જેમ કે અરુણાચલમાં મોનપા, મિશિ અને અકા, આસામમાં ગિરિ, મિસમિ અને બોડો, નાગાલેન્ડમાં અડાગી, સેમા, લોથા, રેગ્મા, ચાખે, તાંગ, ફોમ તથા નેપાળી, સિક્કિમમાં નેપાળી લેપચા, ભડપાલી, લિમ્બુ જેવી ભાષાઓ માટે દેવનાગરી લિપિ જ છે. દેવનાગરી લિપિ મોટાભાગની ભારતીય ભાષાઓની જનની રહી છે, તેના કારણે તેના પ્રયાર અને પ્રસારથી પૂર્વોત્તરમાં હિન્દી શિક્ષણ અને પ્રસારની કામગીરી સરળ થઈ ગઈ હતી. વધુ એક બાબત એ પણ છે કે, આસામમાં હિન્દીનો પ્રચાર અને પ્રસાર કરવામાં કેન્દ્રીય હિન્દી સંસ્થાનની કામગીરી પણ ઉલ્લેખનીય છે.

જો આ વાતને આસામ અને હિન્દીભાષીઓથી થોડી હટાવીને કરીએ તો હિન્દી પ્રદેશોમાં પણ આસામના મહાન સંગિતજ્ઞા ડોક્ટર ભૂપેન હઝારિકાનું નામ અત્યંત આદરણીય અને ચિરપરિચિત છે. ભૂપેન હઝારિકાના ગીતોએ લાખો દિલોને સ્પર્શ કર્યો છે. તેમના ગીતો, દિલ હૂમ હૂમ કરે અને ઓ ગંગા તું બહતી હે ક્યો… જેમણે સાંભળ્યા હશે તેઓ એ બાબતનો ઇનકાર કરી શકશે નહીં કે તેમના દિલ પર હઝારિકાનો જાદુ ચાલ્યો નથી. તેઓ ગીતકાર, સંગીતકાર, ગાયક, કવિ, પત્રકાર, અભિનેતા, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, ચિત્રકાર અને રાજનેતા પણ હતાં.

આસામની સંગીત, સંસ્કૃતિ અને ફિલ્મોને દુનિયાભરમાં ઓળખ અપાવવાવાળા સૌથી જૂના અને કદાચ એકમાત્ર કલાકાર હતાં. આ તમામ ઓળખ આસામની માટીમાંથી ઘડાયેલાં ભૂપેન હઝારિકાની છે, જેમણે હિન્દી ફિલ્મોમાં આસામની સુવાસ પ્રસરાવી છે. રૂદાલી ફિલ્મનું સુપ્રસિદ્ધ ગીત દિલ હૂમ હૂમ કરે લોકપ્રિય આસામી ગીત બૂકૂ હૂમ હૂમ કરેની ધૂન પર બનાવવામાં આવ્યું હતું. આજે પણ ભોજપુરીની સર્વશ્રેષ્ઠ ગાયિકાના રૂપમાં આસામની બેટી કલ્પના યાજ્ઞિાક વર્ષોથી પ્રતિષ્ઠિત છે અને લાખો ભોજપુરી લોકગીત પ્રેમીઓના દિલોમાં વસેલી છે. જો કે, દેશને વિશ્વાસ છે કે આસામ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પ્રદેશ, દેશ અને આસામના હિન્દીભાષીઓના હિતમાં આવશે. આસામ દર વર્ષે આવતાં પૂરમાંથી મુક્ત થશે અને ઉલ્ફાઓના હિન્દીભાષીઓ પરના હુમલા ભૂતકાળની વાતો તરીકે યાદ કરવામાં આવશે.

(લેખક ભૂતપૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન