એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ અને મગજમાં થતા બ્લડ ક્લોટ વચ્ચે સ્પષ્ટ સંબંધ : EMA - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ અને મગજમાં થતા બ્લડ ક્લોટ વચ્ચે સ્પષ્ટ સંબંધ : EMA

એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ અને મગજમાં થતા બ્લડ ક્લોટ વચ્ચે સ્પષ્ટ સંબંધ : EMA

 | 1:42 am IST
  • Share

। રોમ ।

યુરોપિયન મેડિસિન્સ એજન્સી (ઇએમએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી અને ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા મેન્યુફેક્ચર થતી કોરોનાની રસી કોવિશીલ્ડ અને મગજમાં થતા બ્લડ ક્લોટ વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ તે કયા કારણે થાય છે તે હજુ જાણી શકાયું નથી. ઇએમએની વેક્સિન ઇવેલ્યૂએશન ટીમના અધ્યક્ષ માર્કો કાવાલેરીએ ઇટાલીના અખબાર ઇલ મેસેગેરોને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા મતે હવે અમે કહી શકીએ છીએ અને સ્પષ્ટ છે કે કોવિશીલ્ડ વેક્સિન અને મગજમાં થતા બ્લડ ક્લોટ વચ્ચે સંબંધ છે, જોકે અમે હજુ જાણતા નથી કે કયાં કારણોસર આ રિએક્શન આવે છે. કાવાલેરીએ જણાવ્યું હતું કે, ઇએમએ તેના રિપોર્ટમાં જણાવશે કે બ્લડ ક્લોટ અને વેક્સિન વચ્ચે સંબંધ છે, પરંતુ આ સપ્તાહમાં એજન્સી કયા વયજૂથના લોકોને કોવિશીલ્ડ આપવી જોઇએ તે અંગે સંકેત આપી શકશે નહીં. જોકે કાવાલેરીએ તેમના આ દાવા માટે કોઇ પુરાવા રજૂ કર્યા નહોતા. એસ્ટ્રાઝેનેકા કંપની તરફથી પણ કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. યુરોપમાં અત્યાર સુધીમાં ૯૨ લાખ લોકોને કોવિશીલ્ડ અપાઇ છે તેમાંથી ૪૪ લોકોમાં બ્લડ ક્લોટ જોવા મળ્યા છે. બ્રિટનમાં આ પ્રકારના ૩૦ કેસ નોંધાયા છે અને તેમાંથી ૭ લોકોનાં મોત થયાં છે.

બ્રિટિશ સરકારના વેક્સિન સલાહકારોએ ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છીએ. પ્રોફેસર એડમ ફિને જણાવ્યું હતું કે, બ્રિટનમાં યુવાપેઢીને મોડેર્નાની રસી આપવામાં આવે તેવી સંભાવના છે.

બ્રિટને ૫૦ વર્ષથી નાના લોકોને કોવિશીલ્ડ આપવાનું બંધ કરી દેવું જોઈએ : નિષ્ણાતો

બ્રિટનના રસી નિષ્ણાત ડો. મેગી વિઅરમાઉથે જણાવ્યું હતું કે, કોવિશીલ્ડના કારણે થતા બ્લડ ક્લોટની તપાસ ચાલી રહી છે ત્યારે સરકારે ૫૦ વર્ષથી નીચેના લોકોને રસી આપવાનું બંધ કરી દેવું જોઇએ.

બાળકો પરની ટ્રાયલ સ્થગિત

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતૂં કે, એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનમાં બ્લડ ક્લોટ અંગેની તપાસ ચાલી રહી હોવાથી બાળકો પર વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ સ્થગિત કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન