Astrology Zodiac changes in Mars Zodiac for 47 days best
  • Home
  • Astrology
  • મંગળનું રાશિ પરિવર્તન સાથે જ ૪૭ દિવસ સુધી રાશિજાતકો પર શુભાશુભ અસર

મંગળનું રાશિ પરિવર્તન સાથે જ ૪૭ દિવસ સુધી રાશિજાતકો પર શુભાશુભ અસર

 | 9:42 am IST

જ્યોતિષ વિજ્ઞાનમાં સમયાંતરે ગ્રહોની બદલાતી દિશા અને દશાને કારણે શુભ, અશુભ પરિણામોની ધારણા કરવામાં આવે છે. જે મુજબ હવે મંગળનું રાશિ પરિવર્તન સાથે જ ૪૭ દિવસ સુધી રાશિજાતકો પર શુભાશુભ અસર કરશે. મંગળનો પોતાની ઉચ્ચ મકર રાશિમાંથી શનિની કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ આ યોગ મેષ, વૃષભ, કન્યા, ધન રાશિ માટે શુભદાયી નીવડશે.

મંગળવારે ૬ નવેમ્બરના રોજ સવારે ૮.૨૨ કલાકે મંગળે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે મંગળ ગ્રહ ૨૩ ડિસેમ્બર, ૨૦૧૮ના બપોરે ૧૨.૫૯ વાગ્યા સુધી શનિની મૂળત્રિકોણ કુંભ રાશિમાં રહેશે. ૨ મે, ૨૦૧૮ના રોજ મંગળ પોતાની મકર રાશિમાં ૧૮૮ દિવસ રહીને હવે કુંભરાશિમાં આવ્યો છે. જેને કારણે વિવિધ રાશિ સાથે જ ધંધા-વેપાર પર પણ સારી-નરસી અસરો કરશે. જ્યોતિષાચાર્ય ડો.હરીશ જોશીએ જણાવ્યુ હતુ કે, મંગળ અને શનિ બન્નેને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. બન્ને ગ્રહો એકબીજાના શત્રુ છે. આ સમય દરમિયાન શનિની ત્રીજી દૃષ્ટિ મંગળ પર પડશે. જેથી મંગળ મૈત્રી કાર્યોમાં વિઘ્ન, બાધાઓ આવશે. ૧ મહિનો અને ૧૭ દિવસ સુધી મંગળ કુંભરાશિમાં રહેશે. આ દરમિયાન રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શનના કાર્યોમાં તેજી આવશે.

ઉપરાંત, મંગળ ગ્રહનું આ રાશિ પરિવર્તન વિવિધ રાશિઓ માટે પણ શુભ અને અશુભ સાબિત થશે. તેમાં ખાસ કરીને ૨૩ ડિસેમ્બર સુધીનો આ યોગ મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિ માટે શુભ સાબિત થશે. જ્યારે સિંહ, તુલા, વૃશ્વિક, મકર રાશિ માટે મિશ્ર ફળ અને મિથુન, કર્ક, કુંભ, મીન રાશિ માટે અશુભ ફળ આપનારો યોગ સાબિત થશે. દરમિયાન મિશ્ર અને અશુભ ફળ આપનારી રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના કરવી ફળદાયી નીવડે એમ છે. હનુમાન ચાલિસાના પાઢ કે હનુમાન રક્ષા કવચનો પાઠ કરવો જોઇએ. મસૂર દાળ, ગોળનું દાન કરવું જોઇએ. આમ, મંગળ ગ્રહે ૧૮૮ દિવસ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે સાથે જ તેની સારી-નરસી અસરો, પ્રભાવ પણ પાડશે.