રાત્રે ૧૨ વાગે ઊંઘમાંથી ઉઠીને  કોઇને અંજલિ તો અપાતી હશે ? - Sandesh
  • Home
  • Columnist
  • રાત્રે ૧૨ વાગે ઊંઘમાંથી ઉઠીને  કોઇને અંજલિ તો અપાતી હશે ?

રાત્રે ૧૨ વાગે ઊંઘમાંથી ઉઠીને  કોઇને અંજલિ તો અપાતી હશે ?

 | 12:40 am IST

ચીની કમ

ગુજરાતના રાજકારણમાં ઠાકોરભાઇ દેસાઇ એક આગવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. સાદગીના સાચુકલા પ્રતીક સમા ઠાકોરભાઇ દેસાઇ આખા બોલા અને પારદર્શક હતા. મહાગુજરાતની  ચળવળ વખતે પોલીસે કોંગ્રેસ ભવનની બાલ્કનીમાંથી ગોળીબાર કર્યો અને પાંચ યુવાનો  શહીદ થયા ત્યારે ઠાકોરભાઇ બોલ્યા હતા : ‘બંદૂકની ગોળીઓ પર કોઇના નામ- સરનામાં હોતા નથી?’

ઠાકોરભાઇના દિલમાં વિદ્યાર્થીઓ માટે કોઇ અભાવ નહોતો પરંતુ તેમની બોલવાની લઢણથી તેમના વિધાનો વિવાદાસ્પદ બની જતાં.

ઈસ્ત્રી વગરના કપડાં

ગળી અને ઇસ્ત્રી વગરના જાડા ધોતિયા, કફની અને ગોળમટોળ ટોપીવાળા ઠાકોરભાઇ દેસાઇ ગરીબોના હમદર્દ હતા. પહોળી લાલ ઘેઘુર આંખો વાળા માથે અસ્તવ્યસ્ત વાળ પર અડધા કપાળને ઢાંકતી સીનેદાર વાંકી ટોપી પહેરેલા અડધી વ્યંગમાં અને  અડધા મિજાજમાં તંગ રહેતી ભ્રમરવાળા, વજ્ર જેવા કઠોર નિર્ણય કરવાની તાકાતના પ્રતીક જેવા બિડાયેલા હોઠવાળા અને ખડકમાંથી કોતરી કાઢી હોય તેવી  ભીનેવાન મુખમુદ્દાને કારણે ઠાકોરભાઈ દેસાઇ બધામાંથી અલગ જ તરી આવતા, ગામડાંના માણસને તેમના જેવા જ લાગતા ગરીબો, દૂબળા, આદિવાસીઓ અને અપાહીજોના તેઓ સાચા અર્થમાં બેલી હતા.

સારું બીજું કંઇ?

ઠાકોરભાઇનું વ્યક્તિત્વ સ્પષ્ટ, નિખાલસ અને ભાતીગળ હતું. પત્રકારોને તેઓ ગમતા પણ ખરા અને ક્યારેક સાવ વિચિત્ર પણ લાગતા. ગોવિંદ વલ્લભ પંત ગુજરી ગયા તે અરસાની વાત છે. ગોવિંદ વલ્લભ પંતે આજે જાઉં કાલ જાઉં કરતાં ખાસ્સા- ત્રીસ- ચાળીસ દિવસ મૃત્યુને પાછું ઠેલ્યા કરેલું. આખરે પત્રકારો માટે કાંઇક અગવડરૂપ એવા સમયે મધરાતે સ્વર્ગે સિધાવેલા. એટલે એક ઉત્સાહી પત્રકારે ઠાકોરભાઈને ફોન કરીને મધરાતે ઊંઘમાંથી ઉઠાડી કહ્યું, ‘ઠાકોરભાઇ, ગોવિંદ વલ્લભ પંત ગયા.’ ઠાકોરભાઇએ કહ્યું, ‘સારું બીજું કાંઇ છે?’પત્રકારા શું કહે? તેની ચુપકીદી જવાબમાં ઠાકોરભાઈએ ફોન મૂકી દીધો.

બીજે દિવસે પેલા પત્રકાર ઠાકોરભાઈના પુત્ર જિતેન્દ્ર દેસાઇને  મળ્યા અને કહ્યું :  ‘ઠાકોરભાઇ તો ખરા છે, ગોવિંદ  વલ્લભ પંત ગયા ને કાંઇ અંજલિના બે શબ્દો પણ ન કહ્યા!’

જિતેન્દ્ર દેસાઇને સાંજે પિતાને પૂછયું: ‘પત્રકાર મિત્ર એવું કહેતા હતા કે તમે ગોવિંદ વલ્લભ પંતના અવસાન પર અંજલિના બે શબ્દો પણ ન કહ્યા !’ તો ઠાકોરભાઇએ કહ્યું : ‘રાત્રે બાર વાગે ઊંઘમાંથી ઊઠીને ફોન પર તે કોઇ અંજલિના બે શબ્દો કહેવાતા હશે!’

ઠાકોરભાઈની સરળતા જે પત્રકારે જોઇ હોય તે તેમને રાજકારણીઓની ખંધાઇમાંથી તો મુક્તિ આપે પણ સાથે સાથે તેમની સરળતાનો લાભ પણ લઇ લે. ઠાકોરભાઇને આવી પડેલા પ્રશ્નને વિશદ રીતે ચર્ચવાની ટેવ હતી. એવી ચર્ચામાં સામે કાર્યકર બેઠો છે કે પત્રકાર એ તેઓ ભૂલી જાય. ક્યારેક નિખાલસતાથી કેટલીક પેટ છૂટી વાત પણ કરી દે.

તેમની તળપદી કુહાડાફાડ ભાષાને કારણે ઘણી વાર તેઓ છાપાંની ‘હેડલાઇન’ માં ચમકતા  યા તો ‘ચોકઠા’માં હાજર  થતા. ૧૯૫૬ની આઠમી ઓગસ્ટના ગોળીબારમાં નિર્દોષ વિદ્યાર્થી ગોળીનો ભોગ બન્યો એવું  જ્યારે તેમને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘બંદૂકની ગોળી પર કાંઇ સરનામાં નથી હોતાં.’  વાત ખૂબ ચગાવાઇ. તેમના કહેવાનો જે ભાવ હતો તે તો આજેય સાચો છે. ટોળા પર ગોળીબાર થાય ત્યારે તેમાં કોણ દોષિત છે, કોણ નિર્દોષ છે, કોણ વિદ્યાર્થી છે ને કોણ  કામદાર છે તેની ગોળીને ક્યાં ખબર હોય છે!

વાઇસ ચાન્સેલર વિશે

તેવું જ એક કથન શિક્ષણક્ષેત્રે ખળભળાટ મચાવી ગયું. દક્ષિણ ગુજરાતની જુદી યુનિવર્સિટી થઇ ને ઠાકોરભાઇ કાર્યકર્તાઓના સંમેલનમાં ભરૂચ ગયેલા. ત્યાં કોઇકે યુનિવર્સિટી અને વાઇસ ચાન્સેલર અંગે સવાલ પૂછયો. ઠાકોરભાઇએ કહ્યું, ‘પહેલાં મુંબઇની એક યુનિવર્સિટી હતી. તેમાં વાઇસ ચાન્સેલરને મળવું હોય તો મળાય પણ નહીં તેવી સ્થિતિ હતી અને આજે સાત યુનિવર્સિટી થઇ જતાં વાઇસ ચાન્સેલર તો હવે બજારમાં મળે છે !’

છાપાંવાળાએ ચોકઠું બનાવ્યું. ‘વાઇસ ચાન્સેલર બજારમાં મળે છે!’ વાત સીધી સાદી હતી. પહેલાં એક વાઇસ ચાન્સેલર હતો એટલે ક્યારેક કોઇ જગ્યાએ જોવા મળે. હવે સાત થયા એટલે સુરતના બજારમાં ફરવા નીકળ્યા હોઇએ  ને વાઇસ ચાન્સેલર સામો મળી જાય એવું પણ બને!

કચરો સાફ થઇ ગયો

ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચેના વિખવાદના કારણે કોંગ્રેસના ભાગલા પડયા. તેની અસર ગુજરાતમાં ઘણી મોડી આવી. પ્રશ્ન ચર્ચાતો હતો ત્યાં ઠાકોરભાઇએ તો કોંગ્રેસ પ્રમુખ તરીકે સાફ કહ્યું કે જેને કોંગ્રેસમાં વિશ્વાસ ન હોય તે કોંગ્રેસ છોડી જાય.  છાપામાં આ વાત મોટા ટાઇપમાં છપાઇ. બીજે દિવસે કોંગ્રેસ છોડનારાઓએ કોંગ્રેસ છોડી. ઠાકોરભાઇને કોઇ પત્રકારે પૂછયું, ‘જે લોકો કોંગ્રેસ છોડી ગયા  તેને માટે તમે શું માનો છો?’ ઠાકોરભાઇએ કહ્યું, ‘ગયા તે સારું થયું, કચરો સાફ થઇ ગયો!’ ને આની હેડલાઇન ખાસ્સી ચર્ચા ચલાવી. ઠાકોરભાઇને ફરી કોકે પૂછયું ત્યારે એમણે નિખાલસતાથી કહ્યું, ‘હું માનું છું કે કચરો સાફ થઇ ગયો તેમાં ખોટું શું છે ?’

સીલબંધ કવર

તેઓ હિતેન્દ્રભાઇ દેસાઇના પ્રધાનમંડળમાં જોડાયા અને થોડા જ વખતમાં બજેટ આવ્યું. બજેટ  યા તેને સંબંધિત કેટલાક  કાગળો કેબિનેટ મિનિસ્ટરોને બજેટ પહેલાં સીલબંધ કવરમાં જોવા આપવામાં આવે છે. એ કવર સરકારના જવાબદાર અધિકારી મિનિસ્ટરને હાથોહાથ આપી જાય અને બીજે દિવસે હાથોહાથ લઇ જાય. ઠાકોરભાઇ પાસે આવું સીલબંધ કવર આવ્યું ને તેમણે તેને પોતાના ડ્રોઅરમાં મૂકી દીધું. બીજે દિવસે પેલા અધિકારી કવર પાછું લેવા આવ્યા  ને તેમણે સીલબંધ કવર તેમને પાછું સોંપી દીધું. સચિવાલયના વર્તુળોમાં આ વાત વહેતી થઇ ગઇ. આ કેવો મિનિસ્ટર ! અગત્યના કાગળ જોવા આપ્યા તે વાંચ્યા તો શું, કવર ખોલીને જોયું સુદ્ધાં  નહીં! કવર જેવું આવેલું તેવું જ સીલબંધ પાછું આપી દીધું! છોટુભાઇએ મને વાતમાં  ને વાતમાં આ વાત કરી અને કહ્યું, ‘સાહેબનું આમાં ખરાબ દેખાય. કંઇ નહીં તો કવર ખોલીને પાછું આપવું જોઇએ.’ મને થયું  આ પીએને હજુ તેના સાહેબનો સાચો પરિચય થયો નથી. કોઇએ ઠાકોરભાઇને વાત કરી. તેમણે કહ્યું, ‘ભલે ને જેને જે કહેવું હોય તે કહે. આપણે એ કાગળો નથી વાંચ્યા એટલે નથી વાંચ્યા ! ખુલ્લું કવર આપી જે જોયું નથી તે વાંચ્યું છે એવી છાપ ઊભી કરવાની શી જરૂર ?’

ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇએ ‘રવિયા દૂબળાના રખેવાળ’ નામના એક પુસ્તકમાં આ સ્મૃતિઓ કંડારી છે.