પૂર્વ પીએમ વાજપેયીની તબિયતમાં સુધારો, હજી રહેવું પડશે હોસ્પિટલમાં - Sandesh
  • Home
  • Featured
  • પૂર્વ પીએમ વાજપેયીની તબિયતમાં સુધારો, હજી રહેવું પડશે હોસ્પિટલમાં

પૂર્વ પીએમ વાજપેયીની તબિયતમાં સુધારો, હજી રહેવું પડશે હોસ્પિટલમાં

 | 6:17 pm IST

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. બુધવારે સાંજે 4 કલાકે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ડોકટરોએ કહ્યું કે છેલ્લાં 48 કલાકમાં તેમની સ્થિતિમાં ઘણો જ સુધારો થયો છે. કિડની, બ્લડપ્રેશર, સુગર નોર્મલ છે. સાથે જ ઈન્ફેકશન કંટ્રોલમાં છે. ત્યારે ડોકટરોએ આશા વ્યક્ત કરી છે કે આગામી થોડાંક દિવસોમાં વાજપેયીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે અને તેઓને હોસ્ટિપલમાંથી રજા આપી દેવામાં આવશે. બુધવારે યુપીના CM યોગી આદિત્યનાથ પણ વાજપેયીજીની તબિયત જોવા AIIMS પહોંચ્યા હતા.

AIIMSના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, વાજપેયીજીને 11 જૂને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના હાર્ટમાં તકલીફ હતી. હાલ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને બ્લડ શુગર પણ ઠીક છે. AIIMSમાં દાખલ પૂર્વ વડાપ્રધાનના કેટલાંક મેડિકલ ટેસ્ટ બાદ તબીબોએ તેમને ICUમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરી દીધાં છે. ડોકટરના રિપોર્ટ મુજબ અટલજી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. હાલ તો તેમને એન્ટીબાયોટિક્સ દવાઓના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. ડોકટરોનું કહેવું છે કે હાલ જે ઉપચાર ચાલી રહ્યો છે તેની અસર દર્દીમાં જોવા મળે છે.

સોમવારે પૂર્વ વડાપ્રધાન અટલજીને સ્વાસ્થ્યને લઈને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMS તરફથી દિવસમાં ત્રણ વખત મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. પહેલાં AIIMSના ડોકટરોનું કહેવું હતું કે અટલજીને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જે પછી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં AIIMSએ કહ્યું કે, વાજપેયીને લોઅર રિસ્પરેટરી ટ્રેક્ટ ઈન્ફેકશન અને કિડની સંબંધી મુશ્કેલીઓ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. બુલેટિનમાં કહેવાયું હતું વાજપેયીજીનો યોગ્ય ઈલાજ ચાલી રહ્યો છે અને તેઓને ડોકટરની એક ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.