રાજ્યનાં કેટલાંક જિલ્લામાં ATM બંધ, લોકોને વેંઠવી પડે છે પારાવાર હાલાકી - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજ્યનાં કેટલાંક જિલ્લામાં ATM બંધ, લોકોને વેંઠવી પડે છે પારાવાર હાલાકી

રાજ્યનાં કેટલાંક જિલ્લામાં ATM બંધ, લોકોને વેંઠવી પડે છે પારાવાર હાલાકી

 | 6:10 pm IST

ગુજરાતમાં કેટલાંક જિલ્લાઓમાં એટીએમ બંધ હાલતમાં અને જે એટીએમ ખુલ્લા હોય તેમાંથી પણ રૂપિયા ન મળતાં લોકોની કફોડી સ્થિતિ થઈ છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના ATM બંધ કે પછી એટીએમમાંથી રૂપિયા ન નિકળતા હોવાનું બહાર આવતા આ મામલે સચ્ચાઈ તપાસમાં આવી હતી. જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં એટીએમ બંધ હાલતમાં અથવા તો ચાલુ હોવા છતાં તેમાંથી રૂપિયા ન મળતા હોવાનું ખુલવા પામ્યું હતું. આ મામલે લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાંક સમયથી આવી સ્થિતિ છે. ગુજરાત ઉપરાંત માઉન્ટ આબુમાં પણ એટીએમમાંથી પૈસા ન મળતા હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાત કરીએ પાટણની.. તમામ બેંકોના એટીએમ મૃતપ્રાય હાલતમાં જણાયા
ભલે પૈસો એ જીવન નથી પણ જીવન જીવવાનું એક સાધન છે છતાં આજના યુગમાં પૈસા વગર જીવન જીવવું પણ શક્ય નથી. આજના સમયમાં લોકોના જીવનમાં પૈસા વગર માનવી કેટલો બિચારો અને બાપડો થઈ પડે છે તે ગુજરાતના મોટાં ભાગના જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લો તો ખબર પડે. આ સ્થળોએ માણસ પોતાની પાસે ખાતામાં પૈસા હોવા છતાં, છતે પૈસે બિચારો બાપડો થઈ પડ્યો છે.

પાટણમાં છેલ્લાં ઘણાં સમયથી આવી સ્થિતિ છે.  લોકોને આશ હતી કે આ તમામ એટીએમ આજકાલ માં ખુલી જશે. ફરીથી જરૂરિયાત મુજબ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. પણ એવું થયું નહિં,  લોકોની પરસેવાની કમાણી પણ અણીને સમયે કામમાં આવતી નથી. પાટણ શહેરમાં આવેલા પચીસ ઉપરાંતના ATMમાં કેસ ખાલી થઇ જતા, જવાબદાર બેંક સત્તાધીશોએ આ તમામ એટીએમના શટર પાડી દીધાં છે.  છેલ્લા ચોવીસ કલ્લાકથી ATM બંધ છે. લોકો હવે પૈસા લેવા કાગારોળ કરી રહ્યા છે. બેંક સત્તાધીશો લોકોને કે મીડીયાને આ અંગે કોઈ પણ પ્રકારનો જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી. ATMમાં લાગેલા સિક્યુરીટીને આગળથી હટાવી લેવામાં આવી છે. ATM બંધ છે તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે.

પાટણ શહેરમાં લગ્નસરા અને ખેત પેદાશોનું બાજરમાં આગમન દરમિયાન ફરીથી પૈસાની કટોકટી સર્જાવા પામી છે. હોસ્પિટલોમાં દર્દીઓના સગાઓની હાલત કફોડી થઈ ગઈ છે. પાટણ  માર્કેટ યાર્ડમાં પણ પૈસાની શોર્ટેજના લીધે, ખેડૂતો ને પણ વેપારીઓ પૈસા ચૂકવતા નથી. લોકો એક એટીએમ થી બીજે એટીએમ પૈસા મેળવવા ધક્કા ખાઈ રહ્યાં છે. પૈસા ઉપરથી જ નથી આવતા તો અમે ATMમાં Cash કેવી રીતે ભરીએ ? તેવું બેંકના સત્તાધીશોનું કહેવું છે.

મહેસાણા
આવી જ સ્થિતિ મહેસાણાની છે. રિયાલિટી ચેક કરતાં મહેસાણામાં પણ રોકડની તંગી અને ATMમાં રોક ડ ન હોવાનું જાણવા મળ્યું. માત્ર એકજ એટીએમમાં પૈસા જોવા મળ્યાં, તે સિવાયના શહેરના તમામ ATM ખાલીખમ જોવા મળ્યાં.

રિઝર્વ બેન્ક દ્વારા છેલ્લા સપ્તાહથી નાણાંની ઓછી ફાળવણી કરાતા, બેંકો રોકડની તંગીનો સામનો કરી રહી છે. ત્યારે એ ટી એમ મા પણ નાણાંની દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

સંદેશ ન્યુઝની ટીમે મહેસાણા શહેરમાં અલગ અલગ 30થી વધું ATMની ચકાસણી કરી હતી. જેમાં ફક્ત એક જ ATMમાં નાણાં જોવા મળ્યા હતા. કેટલાંક ATM તો બંધ હાલતમાં જ હતા.  ખૂણા ખાંચરે આવેલા એક ATM કે જેમાંથી કેશ મળતી હતી તે પણ મર્યાદિત માત્રામાં જ મળતી હતી. ગુજરાતમાં નોટબંધી જેવો માહોલ ફરીથી જોવા મળ્યો હતો. લોકો પૈસા માટે ફાંફે ચડેલા જોવા મળ્યા હતા.

જામનગર
રાજ્યભરમાં ATMમાં પૈસાની તંગી પડી છે. રાજ્યભરના અડધાથી વધુ ATMમાં પૈસા નથી. આ અંગે જામનગરના કેટલાંક ATMમાં સંદેશની ટીમે રિયાલિટી ચેક કર્યું  ત્યારે જામનગરના તમામે તમામ atm ખાલી જોવા મળ્યા.

પ્રથમ લીમડા લાઈન ATM ગયા, ત્યાં એક ચોકીદાર હાજર હતો. તેને જવાબ આપ્યો કે આ ATM ઘણાં દિવસોથી બંધ છે, મશીનમાં પૈસા તો છે, પણ કામ નથી કરતું. પંડિત નહેરુ માર્ગ ઉપર બીજી રાષ્ટ્રિયકૃત બેંકનું ATM જોવા મળ્યું. ત્યાં તપાસ કરતાં ATMમાં “નો કેસ” ની નોટિસ લગાવાયેલી હતી. અને ચોકીદારને પૂછ્યું તો તેણે આ મશીન જ બદલવાનું છે તેમ કહ્યું. એ પછી  એમ પી શાહ મેડિકલ કેમ્પસના ATMમાં ગયા, ત્યાં પણ રોકડા રૂપિયા ન મળ્યા. અમે ATMમાંથી રોકડ ઉપાડવા આવેલા ગ્રાહકોને પૂછ્યું તો એક ગ્રાહકે તે ત્રણ ATM ફરીને આવ્યો હોવાનું અને તમામ જગ્યાએ ધક્કો થયો હોવાનું જણાવ્યું.  તો બીજા ગ્રાહકે જામનગરના 90 ટકા ATM ખાલી થઇ ગયા હોવાનું જણાવ્યું. તે પછી લાલ બઁગલો બ્રાન્ચમાં  SBI અને એક બેંક બરોડાના ATMમાં ગયા. ત્યાં પણ પૈસા ખાલી થઇ ગયા હતા.

ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં આ સ્થિતિ છે. દરમિયાન આબુથી એક પર્યટકે જણાવ્યું હતું કે અહિં માત્ર કો-ઓપરેટિવ બેંકના એક એટીએમમાંથી જ પૈસા મળે છે. બાકી તમામ ATM ખાલી છે.

જોકે આ સમસ્યાનો ક્યારે હલ થશે તેનો જવાબ કોઈની પાસે નથી. હાલ તો લોકો ATM બંધ છે ના બોર્ડ વાંચીને નિસાસા નાંખીને પાછા ફરી રહ્યા છે. લોકોને ભારે દુર્દશા વેઠવી પડી રહી છે. કેટલાંક લોકો સરકાર પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમારે છતાં પૈસે ભીખ માંગવાનો વારો આવ્યો છે.

સરકાર દ્વારા લોકોના ખાતામાં પૈસા જમા આપવાની વાત તો બાજુ પર રહી પણ લોકો પરસેવાની કમાણીના પૈસા પણ જરૂર પડે ઉપાડી શકતા નથી.