આકર્ષક પક્ષી ગ્રીન બી ઇટર - Sandesh

આકર્ષક પક્ષી ગ્રીન બી ઇટર

 | 1:29 am IST

દેખાવે આકર્ષક અને લીંબુ જેવા પીળા, પીળા, પોપટી અને લીલા કલરના અલગ અલગ શેડ ધરાવતું ગ્રીન બી ઇટર પક્ષી બાળકોને જોતાં જ ગમી જાય તેવું છે. આમ પણ જીવ જગતમાં એવા કેટલાંય જીવ છે જેને જોઇને આપણે આશ્રવર્યચકીત થઇ જઇએ છીએ, કારણ કે આ પક્ષીઓના કલર તેમનો આકાર અને તેમની સુંદરતા એટલી મોહક હોય છે કે ઘણીવાર આપણને વિચાર આવે કે કુદરતે આ પક્ષી ઉપર કયા કયા કલરની પીંછી ફેરવી હશે. તો ચાલો નાના પણ નાજુક આ પક્ષી ગ્રીન બી ઇટર વિશે વિગતે થોડું જાણી લઇએ.

ગ્રીન બી ઇટર પક્ષી આમ તો આફ્રિકાનું ગણવામાં આવે છે, પરંતુ તે આફ્રિકા સિવાય સેનેગલ ગાંબીયા, ઇથોપીયા, નાઇલ વેલે, વેસ્ટર્ન અરેબીઆ, એશિયામાં ભારતમાં અને વિએતનામમાં આમ આ બધી જગ્યાએ જોવા મળેે છે.

ગ્રીન બી ઇટરને સીઝનલ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે તે અમુક સીઝનમાં સૌથી વધારે દેખાતું હોય છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં જ્યારે લીલુછમ ઘાસ ઉગી ગયું હોય ત્યારે ગ્રીન બી ઇટર સૌથી વધારે પ્રમાણમાં દેખાય છે. બાકીના સમયમાં તે દેખાય છે પણ એવી જગ્યાએ જ્યાં લીલોતરી બારેમાસ જોવા મળતી હોય.

ગ્રીન બી ઇટર મુખ્યત્વે નાના નાના જીવજંતુ ખાતું પક્ષી છે, આ કારણે જ તેનું નામ બી ઇટર પડયું છે. ઘાસમાં ફરતા ઉડતા તમામ નાના નાના જીવને આ પક્ષી ખાવાનું પસંદ કરે છે. નાની ઇયળ, મધમાખીઓ, માખીઓ, કીડી-મંકોડા, નાના કીટકો વગેરે તેનો મનપસંદ ખોરાક કહી શકાય છે. આ સિવાય વરસાદમાં જમીનમાંથી નીકળતા સાવ નવજાત દેડકાં પણ ગ્રીન બી ઇટર ખાતું જોવા મળે છે.

કદમાં ગ્રીન બી ઇટર ૭ ઇંચથી લઇને ૯ ઇંચ સુધીનું જોવા મળે છે, મતલબ કે તેનું કદ આશરે ૧૬થી ૧૮ સેન્ટીમીટર જેટલું ગણવામાં આવે છે, જ્યારે વજનમાં તે ૪૦૦ ગ્રામથી લઇને ૧.૨ કિલોગ્રામ સુધીનું હોય છે. આ પક્ષીની કુલ લંબાઇ ૯ ઇંચમાં બે ઇંચ તો તેની લાંબી પુંછડીની જ લંબાઇ હોય છે.

દેખાવે ગ્રીન બી ઇટર ખૂબ જ આકર્ષક છે, તેના શરીરમાં ખાસ કરીને મોંના ભાગે પીળો કલર જોવા મળે છે, જ્યારે આખા શરીરમાં લીંબુ જેવો પીળો, પીળો, લીલો, પોપટી વગેરે કલરના શેડ જોવા મળે છે. જ્યારે તેની ચાંચ લાંબી તીક્ષ્ણ અને કાળા તેમજ રાખોડી કલરની હોય છે. અને આંખો હેઝલ કલરની જોવા મળે છે.

સ્વભાવે ગ્રીન બી ઇટર શાંત અને પ્રમાણમાં શરમાળ હોય છે. તે લીલા ઘાસમાં ફરવાનું પસંદ કરતા હોય છે. એક સમયે ગ્રીન બી ઇટર ૩થી ૫ ઇંડાં મુકે છે, જેને માદા સેવે છે.