કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઇ ગયા માતા-પુત્ર અને પછી... - Sandesh
  • Home
  • Gujarat
  • કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઇ ગયા માતા-પુત્ર અને પછી…

કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઇ ગયા માતા-પુત્ર અને પછી…

 | 8:06 pm IST

હળવદ તાલુકાના માનસર ગામે માતા-પુત્રની હત્યા કરીને બે શખ્સોએ પુરાવાનો નાશ કરીને કાપરણી ગામમાં અંતીમ વિધી કરી નાંખ્યાની હળવદ પોલીસ મથકે માનસર ગામના સરપંચે ફરિયાદ નોંધાતા ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ પાછળ કાકી-ભત્રીજાના અનૈતીક પ્રેમ પ્રકરણ કારણભુત હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ છે. જયારે પોલીસે હત્યારાને ઝબ્બે કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

હળવદ તાલુકાના માનસર ગામે રહેતા બાલુબેન સોમાભાઈ કોળી (ઉ.વ.૬૦) અને પુત્ર વશરામ ઉર્ફે વસો સોમાભાઈ કોળી (ઉ.વ.૩પ) ગત તા.પ જાન્યુ. ના રોજ માનસર ગામે હતા. ત્યારે બપોરના સમયે દિપો મનજીભાઈ અને હીરાબેન વશરામભાઈ કોળી (રે.બંને માનસર) એ ધસી આવીને માથાકુટ કરી હતી. આ માથાકુટે ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા દિપો મનજીભાઈ કોળી અને હીરાબેન વશરામભાઈ કોળી એ ધોકા સાથે ધસી આવીને હૂમલો કર્યો હતો. આ હૂમલાના બનાવમાં માતા બાલુબેન કોળી અને પુત્ર વશરામ ઉર્ફે વસો સોમાભાઈ કોળી નું ઢીમ ઢાળી દીધાનું હળવદ પોલીસ મથકે જાહેર થવા પામ્યુ છે. આ બનાવની માનસર ગામના સરપંચ સંજયભાઈ ગોહીલે હળવદ પોલીસ મથકે બંને હત્યારા સામે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારાઓને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરી છે. આમ, ડબલ મર્ડરની વાત માનસર ગામમાં વાયુ વેગે ફેલાઈ જતા બનાવ ટોક ઓફ ધ ટાઉન બની રહેવા પામ્યો છે.

કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઈ જતા હત્યા કરાઈ

હળવદ તાલુકાના માનસર ગામમાં કાકી-ભત્રીજાના આડા સબંધની જાણ માનસર ગામે જ રહેતા માતા-પુત્રની થઈ ગઈ હતી. આથી બંનેની નિર્મમ હત્યા કરીને પુરાવાનો નાશ કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં કાકી-ભત્રીજાને આડા સબંધ દરમિયાન કઢંગી હાલતમાં માતા-પુત્ર જોઈ જતા બનાવ બન્યો છે. જેમાં શખ્સોએ ઉશ્કેરાઈ જઈને આ બનાવની કોઈને જાણ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને માતા-પુત્રનું ઢીમ ઢાળી દીધાનું ખુલવા પામ્યુ છે.

પુરાવાનો નાશ કરવા લાશોની અંતીમ વિધી કરી નાંખી!

માનસર ગામે રહેતા બાલુબેન અને પુત્ર વશરામ ઉર્ફે વસોને કાકી હીરાબેન અને ભત્રીજો દિપો ને આડા સબંધ હોવાની જાણ થઈ ગઈ હતી. આથી આ બાબતે સમાજમાં બદનામીથી બચવા માટે કાકી હીરાબેન અને ભત્રીજો દિપો એ માતા-પુત્રનું ઢીમ ઢાળી દીધાનું ખુલવા પામ્યુ છે. તેમજ તેમની લાશોને ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે લઈને જઈને અંતીમ વિધી કરી પુરાવાનો નાશ કરી નાંખ્યો હોવાનું ખુલવા પામતા ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.

બનાવના પગલે પોલીસ ધસી ગઈ

હળવદ તાલુકાના માનસ ગામના સરપંચે માતા-પુત્રની હત્યા સાથે ડબલ મર્ડરની ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અને હત્યારા કાકી-ભત્રીજાને ઝડપી લેવા પોલીસ માનસર ગામે ધસી જઈ ગઈ હતી. અને આ બાબતે ઝીણવટ શરૃ કરીને અને સ્થળ નિરીક્ષણ અને નિવેદનો લેવા સહિતની પોલીસે કામગીરી કરી હતી.