Australian fast bowler Pat Cummins became number one in ICC Test bowling rankings
  • Home
  • Sports
  • Cricket
  • આઈસીસી દ્વારા રેન્કિંગ જાહેર, આ ક્રિકેટર ટેસ્ટ બોલિંગમાં નંબર વન બન્યો

આઈસીસી દ્વારા રેન્કિંગ જાહેર, આ ક્રિકેટર ટેસ્ટ બોલિંગમાં નંબર વન બન્યો

 | 10:12 am IST

આઈસીસી દ્વારા શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ બાદ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે સાઉથ આફ્રિકાના કાગિસો રબાદાને પાછળ છોડતાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. 13 વર્ષ બાદ કોઈ ઓસ્ટ્રેલિયન બોલર પ્રથમ સ્થાને પહોંચ્યો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર ગ્લેન મેક્ગ્રાએ ફેબ્રુઆરી 2006માં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. તે પછી મિચેલ જ્હોન્સન 2૦૦9માં બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો હતો. પરંતુ મેક્ગ્રા બાદ કોઈ પણ પ્રથમ સ્થાને પહોંચી શક્યું નહોતું.

કમિન્સ બાદ ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે જ્યારે રબાદા બે સ્થાનના નુકસાન સાથે ત્રીજા ક્રમાંકે ધકેલાઈ ગયો છે. રબાદાએ ડર્બન ટેસ્ટમાં 145 રન આપી ત્રણ જ વિકેટ ઝડપી હતી. જેને કારણે બે સ્થાનનું નુકસાન થયું છે. સાઉથ આફ્રિકાનો વર્નોન ફિલાન્ડર ચોથા અને ભારતનો રવીન્દ્ર જાડેજા પાંચમા સ્થાને છે.

ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ છઠ્ઠા, જેસન હોલ્ડર સાતમા, મોહંમદ અબ્બાસ આઠમા અને ટીમ સાઉથી નવમા ક્રમે છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 1૦મા સ્થાને છે. શ્રીલંકાના વિશ્વા ફર્નાન્ડોને 26 સ્થાનનો ફાયદો થતાં 49મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે કસુન રજિથાને 1૦ સ્થાનનો ફાયદો થતાં તે 59મા સ્થાને પહોંચ્યો છે.

કુસલ પરેરાએ 58 સ્થાનની છલાંગ લગાવી

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં એકલા હાથે વિજય અપાવનાર કુસલ પરેરાએ બેટિંગ રેન્કિંગમાં 58 સ્થાનની લાંબી છલાંગ લાગવતાં કારકિર્દીનો સર્વોચ્ચ 4૦મો ક્રમ મેળવી લીધો છે.

ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચનાં સાત સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 922 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે કેન વિલિયમસન બીજા અને ચેતેશ્વર પૂજારા ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત સ્ટીવન સ્મિથ ચોથા ક્રમે છે. જો રૂટ પાંચમા, ન્યૂઝીલેન્ડનો હેનરી નિકોલ્સ છઠ્ઠા અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર સાતમા સ્થાને છે. ડી કોકને ચાર સ્થાનનો ફાયદો થતાં આઠમા ક્રમે પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.