ઓસ્ટ્રેલિયાની નવી સરકાર અદાણી પ્રોજેક્ટનું ભાવિ બદલી નાખશે? - Sandesh
  • Home
  • World
  • ઓસ્ટ્રેલિયાની નવી સરકાર અદાણી પ્રોજેક્ટનું ભાવિ બદલી નાખશે?

ઓસ્ટ્રેલિયાની નવી સરકાર અદાણી પ્રોજેક્ટનું ભાવિ બદલી નાખશે?

 | 2:37 am IST

। મેલબર્ન ।

ઓસ્ટ્રેલિયામાં નવી સંસદ માટે યોજાઈ રહેલી ચૂંટણીનો મુખ્ય મુદ્દો ક્લાઇમેટ ચેન્જ છે. ૧૮મેના રોજ અહીં મતદાન થશે. એકાદ દાયકાથી દેશનો મુખ્ય મુદ્દો પર્યાવરણ જ રહ્યો હોવાથી ક્વીન્સલેન્ડમાં ઊભી થનારા અદાણી ખાણ પ્રોજક્ટનું ભાવિ અદ્ધરતાલ લટકી રહ્યું છે.ઓસ્ટ્રેલિયામાં અદાણીના પ્રોજેક્ટ વિરુદ્ધ વિરોધ દેખાવો હજી પણ થતા રહે છે અને દેશના અગ્રણી રાજકીય પક્ષો પણ પ્રોજેક્ટની ટીકા કરતા રહેતા હોવાથી અદાણી કંપની તેમના પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળે તેની પ્રતીક્ષા કરી રહી છે. પરંતુ હવે નવા ભયસ્થાનો સામે આવ્યા છે. પ્રોજેક્ટના આર્થિક મોડલ સામે જ જોખમ ઊભું થયું છે.

ચૂંટણીઓ જાહેર થઈ તેના ગણતરીના દિવસો પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ફેડરલ સરકારે અદાણીના પ્રોજેક્ટના ગ્રાઉન્ડવર્ક પ્લાનને મંજૂરી આપતાં અદાણીની તરફેણમાં સ્થિતિઓએ વળાંક લીધો હતો. પરંતુ ખાણ પ્રોજેક્ટ જે વિસ્તારમાં આવેલો છે તે ક્વીન્સલેન્ડ પ્રાંતની સરકારે પ્લાનને પુનઃવિચારણા માટે પરત કરતાં પ્રોજેક્ટ શરૂ થવા આડે એક વધુ અવરોધ ઊભો થયો છે. અદાણી જૂથે તેથી કરીને ક્વીન્સલેન્ડના પર્યાવરણ અને વિજ્ઞાન વિભાગ પર બિનપારદર્શક વધારાની સમીક્ષા પ્રક્રિયાના આરંભના આક્ષેપ કર્યા હતા.

અદાણી માઇનિંગના સીઈઓ લુકાસ દોવે જણાવ્યું હતું કે કંપની કદી પૂરી ના થનારી વહીવટી પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં અટવાઈ ગઈ છે. કંપની આ સંજોગોમાં બાંધકામ શરૂ કરે છે તો માઇનિંગ માટેની રોયલ્ટી ચુકવણી સહિતના પ્રશ્નો શરૂ થઈ જશે. કંપની કદાચ બાંધકામ શરૂ કરે તો પણ ઉત્પાદન ક્ષમતાઓને સ્થિર કરતાં પાંચ છ વર્ષ લાગી જશે.

અદાણીએ વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ શરૂ કરવાની નેમ સાથે વર્ષ ૨૦૧૦માં ક્વીન્સલેન્ડ સરકાર પાસેથી ૩ અબજ ડોલરનું રોકાણ કરીને કારમાઇકલ ખાણ હસ્તગત કરી હતી. પરંતુ સ્થાનિક લોકો, પર્યાવરણવિદો, રાજકીય પક્ષો વગેરેના વિરોધનો સામનો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;