સત્તા'પ્રેમીઓ'ને તો, એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે!  - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સત્તા’પ્રેમીઓ’ને તો, એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે! 

સત્તા’પ્રેમીઓ’ને તો, એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે! 

 | 4:02 am IST

રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’

મારા-તમારા જેવા સામાન્ય માણસો ભલેને ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય પણ રાજસેવકો તો ૩૬૫ દિવસ વેલેન્ટાઇન ડે ઊજવતા હોય છે. વિધાનસભાસત્ર હોય કે સંસદનું શિયાળુ-ઉનાળુ-ચોમાસું સત્ર હોય, ચાલુ સત્રમાં જ સત્તાપક્ષ અને વિરોધપક્ષ, એકબીજા પર રૌદ્ર શબ્દોનાં પુષ્પબાણોનો મારો ચલાવી રામ-રાવણનું શાબ્દિક યુદ્ધ કરતા હોય છે, જોકે સદનની બહાર આવ્યા પછી, એ જ નેતાઓ એકબીજાના પ્રેમના તરસ્યા હોય એવા પ્રેમીઓ બનીને, એકબીજા પર સૌમ્ય શબ્દો વરસાવી, ડિપ્લોમેટિક સ્માઇલનાં ફૂલ આપી ‘Be my Valentine’ કહેતા હોય છે! આમ તો જનતાને દેખતા આ રાજસેવકો એકબીજા પર દિલધડક ડાયલોગના પથ્થરો ફેંકતા હોય છે પણ ખાનગીમાં એ જ રાજસેવકો એકબીજા પર દિલરંજક ડાયલોગનાં ફૂલ વરસાવતા હોય છે, જાણે કે હમણાં સુધી પ્રેક્ષક અને શ્રોતાના શ્વાસ થંભાવી દે એવું કોઈ થ્રિલર મૂવી ચાલતું હોય અને અડધા-પોણા કલાક પછી એ જ કલાકારો દ્વારા લવસ્ટોરી શરૂ થઈ જાય ભ’ઈ, દાદ માગી લે એવો કાબિલેદાદ અભિનય હોય છે હો! આવી બેવડી ભૂમિકા ભજવવી અને એ પણ કોઈપણ પ્રકારની અભિનયશાળા કે કલાસંસ્થામાં શિસ્તબદ્ધ તાલીમ લીધા વગર! બહુ અઘરું છે સાહેબ. ખરેખર કલાકારો બનતા નથી હોતા, જન્મતા જ હોય છે!

મહાભારતનાં યુદ્ધમાં એવી એક આચારસંહિતા હતી કે સૂર્યાસ્ત પછી યુદ્ધમાં, બીજા દિવસના સૂર્યોદય સુધી ‘ટેમ્પ્લીસ’ કે ‘થૂઈ થપ્પા’ લેવાતી અને એ સમય દરમિયાન, જેણે જેણે એકબીજા પર બાણ છોડીને ઘાયલ કર્યા હોય એ સૌ પરસ્પરનાં આંસુ અને ઘા-જખમો લૂછી એકબીજાના ખબર અંતર પૂછતા. આપણા આજના મહાન ભારતના આ લોકશાહી રાજયોદ્ધાઓ પણ વિધાનસભા યુદ્ધસત્ર હોય કે સંસદ યુદ્ધસત્ર હોય, એ યુદ્ધસત્રની સમાપ્તિ પછી આ પ્રતિસ્પર્ધીઓ કેન્ટીનમાં એકબીજાને ‘ભાવ’પૂર્વક મળી, સહકારી ધોરણે ‘ખાવા-પીવા’નું આયોજન કરતા હોય છે. ખરેખર તો સાહેબ, આ પ્રેમાલાપને ‘વેલેન્ટાઇન ડે’ અથવા ‘વેલેન્ટાઇન ટર્મ’ કે પછી ‘ઓલટાઇમ વેલેન્ટાઇન ટાઇમ’ કહેવાય! કેટલાક પંચાતિયા લોકો આવી પ્રેમાલાપની પ્રવૃત્તિની ટીકા કરતા હોય છે પણ અમે એવી ટીકા કરવામાં નથી માનતા, કેમ કે અમે પંચાતિયા પરંપરામાં નહીં પણ પ્રેમ પરંપરામાં માનીએ છીએ અને એટલે જ આપણા આ રાજયોદ્ધાઓની આવી વૃત્તિભરી પ્રવૃત્તિના દરેક દિવસને અમે ‘એક્સક્લુઝિવ વેલેન્ટાઇન ડે’ સમજીને વધાવીએ છીએ. ભલેને આ રીતે તો આ રીતે પણ માણસોની જેમ આ લોકો પણ એકબીજાને મનોમન નિઃશબ્દપણે ‘Be my Valentine’ કહેતા થઈ જાય છે એ જ તો ભવિષ્યની રાજનીતિ માટે અને રાજનીતિનાં ભવિષ્ય માટે સારા સંકેત કહેવાય!

માનવસમાજમાં વેલેન્ટાઇન ડે માત્ર એક જ દિવસ પૂરતો ઊજવાય એ ઠીક નહીં, રાજપ્રેમીઓની જેમ ‘એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે’ની જેમ દરરોજ ઊજવાવો જોઈએ.

જોકે એક વાત તો આપણે સૌએ સ્વીકારવી જ જોઈએ કે સમાજને ભલે બે મિત્રો કે બે પ્રેમીઓ પાસેથી પ્રેમ કે મૈત્રી કે લાગણી પ્રગટ કરવાની પ્રેરણા ન મળતી હોય પણ બે રાજપ્રેમીઓ એકબીજાના કટ્ટર વિરોધી વિચારધારાવાળા હોવા છતાં સમય આવ્યે એકબીજા પર પ્રેમનો(ભલે કૃત્રિમ તો કૃત્રિમ, પણ) ધોધમાર વરસાદ વરસાવતા રહે છે. કેટલાક તો વળી લિટર, ગેલન કે ક્યૂસેકના અમર્યાદ માપમાં એકબીજાને લાગણીઓથી ભીંજવી દેતા જોવા મળે છે, ત્યારે એ રાજપ્રેમીઓ પ્રત્યે હૈયાના મહાસાગરમાં હેતની હેલી અને ‘ભાવ’ની ભરતી ખરેખર હેલે ચડવા માંડે છે! કોણ એવી અફલા ફેલાવે છે કે રાજકારણીઓ લાગણીહીન હોય છે? કોણ એવો અપપ્રચાર કરે છે કે રાજપ્રેમીઓએ પોતાના હૃદય નામની ટેરિટરીમાંથી લાગણીને તડીપાર અને પ્રેમનો હૃદયનિકાલ કરી નાખ્યો છે? ખબરદાર, જો કોઈએ આવી અફવા ફેલાવવાનું રાજદ્રોહી કૃત્ય કર્યું છે તો? અરે સાહેબ, જરા એટલું તો સમજો કે જ્યારે જ્યારે ચૂંટણીઓનું ચોમાસું ગાજતું ગાજતું આવી પહોંચે છે ત્યારે એ સૌનાં દિમાગી આકાશમાં ગરજનાં વાદળ કેવાં ગરજવા માંડે છે! લાગણીની ઉષ્મા વગર આ બધું થતું હશે?

સમાજમાં વિવિધ ક્ષેત્રે વેલેન્ટાઇન ડે ભલે વિવિધ રીતે ઊજવાતો હોય પણ ઊજવાતો તો હોય છે જ! પોલીસતંત્ર પણ અવારનવાર વેલેન્ટાઇન ડે ઊજવે છે. ભલે ઔપચારિકપણે તો ઔપચારિકપણે પણ ઊજવે તો છે! ખાસ તો નાગરિકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે, ચુસ્તપણે, છતાં પ્રેમભાવે એનું પાલન કરાવવા માટે વિનય-સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન જે કોઈ નાગરિકે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું હોય એને પેલા ટ્રાફિક પોલીસભાઈ સરસ મજાનું ગુલાબી આપે છે.(‘ગુલાબી’ ગુલાબ એટલા માટે કે હવે તો ગુલાબનાં ફૂલો પણ રાજપ્રેમીઓની જેમ વિવિધ રંગમાં જોવા મળે છે!) અને આમ ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વેલેન્ટાઇન સ્ટાઇલથી સમજાવતા હોય છે. સમજાવટની આ સ્ટાઇલને કેટલાંક લોકો ‘વેલેન્ટાઇન-વે’ તરીકે પણ ઓળખાવતા હોય છે. પોલીસભાઈના આવા પ્રેમ અને લાગણીથી લથપથ થઈ ગયેલાં વાણી, વહેવાર અને વર્તનથી નાગરિકો ખરેખર પાણી પાણી થઈ જાય છે. જે હાથમાં ચોવીસે કલાક દંડો જ રહેતો હોય એ હાથમાં ગુલાબનાં ફૂલને જોઈને કોણ પાણી પાણી ન થઈ જાય?! પોલીસનો પ્રેમ માની મમતા જેવો હોય છે અને રાજકારણીઓનો પ્રેમ કડક સ્વભાવના પિતાની ધાક જેવો હોય છે. છેવટે મમતા જીતે છે અને ધાક હારે છે! આ પ્રેમનો પ્રતાપ છે સાહેબ! કાળમીંઢ પથ્થરો પણ પ્રેમની આગળ પીગળી જતા હોય તો બિચારો મનુષ્ય તો જન્મોજન્મથી પ્રેમભૂખ્યો! એ તો પ્રેમના બે-ચાર છાંટામાં ય પીગળી જાય! જુઓને, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં, ભાજપના પ્રેમથી કોંગ્રેસના, કોંગ્રેસના પ્રેમથી ભાજપના અને આ બંનેના પ્રેમથી ‘પાસ’ના કેટલાક નેતાઓ નહોતા પીગળી ગયા? જુદા જુદા પ્રકારના, જુદા જુદા સ્માઇલના અને જુદી જુદી સાઇઝના સેંટ ‘વેલેન્ટાઇન’નો આ પ્રતાપ છે સાહેબ! સેંટ વેલેન્ટાઇન આજે પણ જુદા જુદા ક્ષેત્રે, જુદા જુદા સ્વરૂપે જીવે જ છે!

અમે તો પ્રેમપરંપરામાં માનીએ છીએ એટલે એવું ઇચ્છીએ કે સૌ એકબીજા સાથે પ્રેમનો જ વ્યવહાર કરે. નફરત કરે તો પણ પ્રેમથી કરે અને કોઈને નાની અમથી થપ્પડ મારે તો પણ પ્રેમથી જ મારે! પ્રેમથી મારેલી થપ્પડ પણ એક પ્રકારની ‘વેલેન્ટાઇન ગિફ્ટ’ જ ગણાય! પ્રેમથી કરેલું નાનું-મોટું કૌભાંડ પણ પ્રેમાળ જ કહેવાય.

ચૂસકી : 

  • આજે મહાશિવરાત્રી છે, તો ભાંગ પીવા નથી આવવું?
  • ના રે, મેં તો કાંઈ ભાંગ પીધી છે કે ભાંગ પીવા આવું?