ઓટો એન્સિલરી સેક્ટરમાં AKAR AUTO INDUSTRIES બેસ્ટ બાય બની રહેશે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ઓટો એન્સિલરી સેક્ટરમાં AKAR AUTO INDUSTRIES બેસ્ટ બાય બની રહેશે

ઓટો એન્સિલરી સેક્ટરમાં AKAR AUTO INDUSTRIES બેસ્ટ બાય બની રહેશે

 | 3:27 am IST

શેર-સ્વેપઃ  પ્રતિત પટેલ

૧૯૮૯માં સ્થપાયેલી બીએસઈ ખાતે AAIL સિમ્બોલથી લિસ્ટેડ ઔરંગાબાદ સ્થિત આ કંપની હેન્ડ ટૂલ્સ, ઓટો લીફ સ્પ્રિંગ, પેરાબોલિક સ્પ્રિંગ અને કોમર્શિયલ ઓટોમોટિવ ફોર્જિંગનું ઉત્પાદન કરે છે. કંપની તેના પ્રોડક્ટોને યુએસએ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં નિકાસ કરે છે. કંપનીના ક્લાયન્ટોમાં અશોક લેલેન્ડ, બજાજ ઓટો, ભેલ, ફોર્સ મોટર, ગ્રીવ્સ, મહિન્દ્રા, કિર્લોસ્કર, તાતા મોટર જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીની ઈક્વિટી રૂ. ૫.૩૯ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૨૨.૬ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૭૩.૦૬ ટકા જેટલો મોટો અને પબ્લિક માત્ર ૨૬.૯૪ ટકા સ્ટેક ધરાવે છે. કંપનીના શેરની બુક વેલ્યૂ રૂ.૨૫.૯૪ જેટલી મોટી છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૧.૯૪ના નીચા પ્રાઈઝ ટુ બુક વેલ્યૂથી ક્વોટ થઇ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી આ કંપની ખૂબ જ સારો નાણાકીય દેખાવ દર્શાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં કંપનીનો નફો ૩૦ ટકા વધીને રૂ. ૨.૪૬ કરોડ થયો હતો જ્યારે કંપનીનું વેચાણ ૨૭.૫ ટકા વધીને રૂ. ૨૪૧.૪૫ કરોડ રહ્યું હતું. જૂન ક્વાર્ટરમાં કંપનીએ સુંદર પરિણામો જાહેર કરવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. જુન ક્વાર્ટરમાં કંપનીનો નફો ૭૬.૬૬ ટકા વધીને રૂ. ૧.૦૬ કરોડ થયો છે જ્યારે કંપનીનું વેચાણ ૪૮.૮ ટકા વધીને રૂ. ૬૮.૦૯ કરોડ થયું છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. ૦.૯૮ની ઈપીએસ હાંસલ કરી છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૧૪.૯ના પીઈથી ક્વોટ થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં કંપનીનો નફો વાર્ષિક લેવલે ૩૬ ટકાથી વધી રહ્યો છે. એટલે કે આ સ્ટોક છેલ્લા ચાર વર્ષના ગ્રોથથી જોઈએ તો માત્ર ૦.૪૧ના સાવજ નીચા પીઈ ટુ ગ્રોથ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે અને હરીફો આ સ્ટોકની સરખામણીમાં ઘણા ઊંચા વેલ્યૂએશને ક્વોટ થઇ રહ્યા છે.

શેરનો બાવન સપ્તાહનો હાઈ ભાવ રૂ.૮૬.૫ છે જે ૨૨ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ જોવા મળ્યો હતો. વર્તમાન ભાવે આ સ્ટોક તેના બાવન સપ્તાહના હાઈ ભાવથી ૪૧.૬ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે અને ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ઓટો સેક્ટર ખૂબ જ સારો દેખાવ કરી રહ્યું છે જેની સીધી અસર ઓટો એન્સિલરી સેક્ટર ઉપર પણ જોવા મળી રહી છે. ૧૧ ટકા ડિવિડન્ડ ચૂકવતી આ કંપનીના સ્ટોકમાં વર્તમાન ભાવથી રોકાણ કરવાની સલાહ છે. રૂ.૪૦નો સ્ટોપલોસ રાખીને રોકાણ કરી શકાય. ઉપરમાં મધ્યમથી લાંબાગાળામાં રૂ. ૭૫-૮૦ના આંક જોવા મળી શકે છે.

નોંધઃ ૨૮ મે, ૨૦૧૮ના રોજ આજ કોલમમાં આલુફલોરાઈડ રૂ. ૧૦૪માં ખરીદવા જણાવ્યું હતું. જે ગત સપ્તાહે રૂ. ૧૯૯નો હાઈ બનાવતો જોવાયો. આમ આ સ્ટોક માત્ર ત્રણ જ મહિનામાં ૯૧ ટકાનું તગડું રિટર્ન આપતો જોવાયો.