AVM ઓડિયનની રેકોર્ડ્સ વેચતાં વેચતાં ફિલ્મ નિર્માણ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • AVM ઓડિયનની રેકોર્ડ્સ વેચતાં વેચતાં ફિલ્મ નિર્માણ

AVM ઓડિયનની રેકોર્ડ્સ વેચતાં વેચતાં ફિલ્મ નિર્માણ

 | 12:53 am IST

સિને ફ્લેશબેક

હિન્દી ફિલ્મોની શરૂઆત થઈ ત્યારે બિલકુલ શરૂઆતમાં તો વ્યક્તિગત ધોરણે ફિલ્મો બનાવવાના સાહસ થતા રહ્યા, પરંતુ એ પછી ફિલ્મ નિર્માણ સ્ટુડિયો બનવા લાગ્યા હતા. એમાં દક્ષિણના એવીએમ સ્ટુડિયોનું નામ મોટું છે. આ સ્ટુડિયો એ. વી. મીયપ્પન નામના ફિલ્મ નિર્માતાએ ૧૯૪૭માં પોતાનો સ્ટુડિયો બનાવ્યો હતો. એનું નામ પોતાના નામે જ એવીએમ રાખ્યું હતું. મીયપ્પન ચેટિયાર પરિવારમાં જન્મ્યા હતા. શરૂઆતમાં એ. વી. એન્ડ સન્સ નામની દુકાન ચલાવતા હતા. પછીથી એનું વિસ્તરણ કરી સરસ્વતિ સ્ટોર્સ પણ શરૂ કર્યા. એમાં જર્મનીની ઓડિયન કંપનીની રેકોર્ડ પણ વેચાતી હતી. એની ડિસ્ટ્રીબ્યૂટરશીપ લીધી. પછીથી સરસ્વતિ સાઉન્ડ નામ ધારણ કરી ૧૯૩૫માં પહેલી ફિલ્મ અલ્લિ અર્જુના બનાવી. પછીથી સરસ્વતિ ટોકી અને પ્રગતિ પિક્સ નામ ધારણ કરી દ્વિઅર્થી સંવાદ ધરાવતી પોલી પાંચાલી (૧૯૪૦), સભાપતિ(૧૯૪૧) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું. ૧૯૪૫માં તમિલ ફિલ્મ શ્રીવલ્લી હિટ થઈ ગઈ. એ પછી એ.વી.એમ સ્ટુડિયોની સ્થાપના કરી. એમાં નાટક ઉપરથી નામ ઈરૂવર નામની પહેલી ફિલ્મ બનાવી. એ ફિલ્મ ઠીક ઠીક ચાલી. ૧૯૫૨માં પરાશક્તિ ફિલ્મ બનાવી. એની સફળતા પછી તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી એમ ચાર ભાષાની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. એવીએમની પહેલી ફિલ્મ હતી, ૧૯૫૧માં આવેલી બહાર. એ ૧૯૪૯માં બનેલી વઝકાઈ નામની તમિલ ફિલ્મની રીમેક હતી. એમાં પણ હિરોઈન વૈજ્યંતિમાલાને જ રાખી હતી. એ પછી અનેક દક્ષિણની સુપરહિટ ફિલ્મો બનાવી. રાજ કપૂર નરગિસને લઈ ચોરી ચોરી ફિલ્મ બનાવી. રજનીકાંતને સુપરસ્ટાર બનાવનાર ફિલ્મ મુરત્તુ કલાઈ પણ એવીએમમાં બની હતી.

હિન્દીમાં એવીએમની સુપરહિટ ફિલ્મો છે, ભાભી, મૈં ચૂપ રહૂંગી, મિસ મેરી, મહેરબાન, ભાઈ ભાઈ, મૈં સુંદર હું, લાડલા, જૈસે કો તૈસા. ૧૯૯૦ના દાયકા પછી ફિલ્મ નિર્માણકાર્યનું રૂપ સાવ બદલાઈ ગયું અને સ્ટુડિયો સિસ્ટમ ધીમેધીમે લુપ્ત થઈ રહી છે.

[email protected]