નવાઈ લાગે એટલો ગંજાવર લાભ ખરેખર મળે ખરો? - Sandesh
NIFTY 10,993.60 -25.30  |  SENSEX 36,516.11 +-25.52  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • નવાઈ લાગે એટલો ગંજાવર લાભ ખરેખર મળે ખરો?

નવાઈ લાગે એટલો ગંજાવર લાભ ખરેખર મળે ખરો?

 | 3:29 am IST

વિચાર દંગલઃ વસંત કામદાર

શાસ્ત્રનું એક અદ્ભુત વિધાન છે કે પંખીનાં દેખતાં જાળ પાથરવી ફોગટ છે. આ વાક્ય છેતરપિંડીના મનોવિજ્ઞાાનને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે. જેમ તબીબ દર્દીને એનેસ્થેશિયા આપી બેહોશ કરી શસ્ત્રક્રિયા કરે છે એ જ પ્રમાણે ધૂતારાઓ પણ પોતાનાં શિકારને લોભ અને લાલચ દ્વારા બેહોશ કરે છે અને પછી અસલ ખેલ પાડે છે.

આજકાલ અખબારોમાં આપણે કરોડો અને અબજો રૂપિયાના કૌભાંડોની વાત સાંભળીએ છીએ, પરંતુ બધાં જ કૌભાંડો એવા મોટા જ હોય એ જરૂરી નથી. કેટલાક ચતુર ધૂતારાઓ અવનવી યુક્તિઓ પ્રયોજી સામાન્ય માનવીઓને પણ લલચાવે છે અને તેમની પાસેથી અઢળક નાણાં ખંખેરી લે છે. બિચારો મધ્યમવર્ગીય સામાન્ય માનવી પોતાનાં પરિવારને સહેજ વધુ સુખાકારી આપવાની લાલચમાં આવી ધૂતારાઓનો શિકાર બની જાય છે.

હવે આપણા દેશમાં ડિજીટલ બેન્કિંગ તથા ઈ-બેન્કિંગ કે પછી ઈ-કોમર્સ જેવા શબ્દો પ્રયોજાઈ રહ્યાં છે. ગામડામાં વસતો સામાન્ય કક્ષાનો જુવાન વર્ગ પણ હવે ડેબીટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતો થઈ ગયો છે. ગામડાની બહેનો ઓન લાઈન શોપિંગ કરવા લાગી છે. હમણાં થોડાં સમય પહેલાં જ ગામડાનાં જુવાનોને “ભીમ” એપ્લિકેશનની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત પે.ટી.એમ. તથા અન્ય કેટલાક ઉપયોગો પણ પ્રચલિત થયા છે. ડિજીટલ ટ્રાન્જેકશનનો વ્યાપ વધારવા માટે આવા આર્થિક વ્યવહારોને અનેકવિધ લાભ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ બધાં જ આર્થિક વ્યવહારો હવે આપણાં ખિસ્સામાં સતત રહેતાં મોબાઈલ ફોન દ્વારા જ થઈ શકે છે અને વિશ્વમાં કોઈપણ ખૂણેથી થઈ શકે છે. આપણાં દેશમાં હવે નેટની સુવિધા સાથેના સ્માર્ટફોન કોઈપણ વર્ગના વ્યક્તિને પરવડે એવા દરે ઉપલબ્ધ છે અને એથી જ હવે આવા ફોન વગરની વ્યક્તિને શોધવાનું કાર્ય મુશ્કેલ બન્યું છે.

આજના સમયમાં ફોન દ્વારા છેતરપિંડી કરવાનું કાર્ય એટલું તો સરળ બની ગયું છે કે, લગભગ રોજ-બરોજ આવી છેતરપિંડીના કિસ્સાઓ અખબારોમાં ચમકતાં રહે છે.

ફોન ઉપર ફેસ-બુકનાં અને વોટસએપનાં માધ્યમથી પરિચય કેળવવાનું શક્ય બન્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરી કેટલાક ધૂતારાઓ શ્રીમંત ઘરનાં સ્ત્રી પુરુષોને ફસાવે છે, તેમની સાથેનો સંબંધ વધારે છે અને પછી શિકાર પોતાની મોહજાળમાં પૂરેપૂરો ફસાઈ જાય એટલે તેની પાસેથી નાણાં ખંખેરવાનું શરૂ કરે છે. આવા અનેક કિસ્સાઓ પ્રસિદ્ધ થતાં રહે છે એ છતાં બનતાં રહે છે એ વાસ્તવિક્તા મનોવૈજ્ઞાાનિકો માટે કોયડા સમાન છે.

આજે વૃદ્ધાવસ્થાનાં આરે પહોંચેલા કેટલાક ભાઈ-બહેનોના સ્વજનો પરદેશ હોવાથી તેઓ પોતે ત્યક્તા કે વિધૂર હોવાથી અથવા તો અન્ય કારણસર એકલતાનો અનુભવ કરતાં હોય છે. આવા સિનિયર સિટીઝન્સનો ફોન દ્વારા સંપર્ક કેળવી ધૂતારાઓ તેમને અનેક પ્રકારની લોભામણી ઓફર્સ કરે છે અને એ બધું અંતે ભારે છેતરપિંડીમાં પરિણમે છે.

આવા વૃદ્ધો મોટેભાગે પેન્શનર્સ હોય છે અથવા તો તેમની પાસે સારી એવી બચત હોય છે. આ બાબતને સારી રીતે જાણતા ધૂતારાઓ તેમનો ફોન દ્વારા સંપર્ક કરીને તેમને પૈસાનાં રોકાણથી કે પછી તબીબી સહાયની પણ લોભામણી યોજનાઓ સમજાવે છે અને પછી તેમની પાસે રોકાણ કરાવી છેતરપિંડી આચરે છે.

કેટલીકવાર શ્રીમંત વિધવા કે વિધૂરોને પાત્ર પસંદગીનાં નામે કે પછી જુવાનોને દેશ-પરદેશની પ્રસિદ્ધ સંસ્થાઓમાં પ્રવેશ અપાવવાના નામે પણ ફોન આવતાં હોય છે. એમાં થોડાક મેસેજની આપ-લે પછી પ્રોસેસિંગ ફી માગવામાં આવે છે. રકમ નાની હોવાથી શિકાર તરત ભરી દે છે. બસ! પછી સામે છેડે સ્મશાનવત શાંતી સ્થપાઇ જાય છે.

ઘણીવાર અચાનક વ્યક્તિનાં ફોન ઉપર અજાણ્યાં નંબરથી ફોન આવે છે. જેમાં કહેવાય છે કે હવે ફોન નંબરને લકી નંબર જાહેર કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિને હજારો ડોલર કે પાઉન્ડની રકમ મળવાની છે. આટલી માહિતી બાદ શિકારનાં પ્રતિભાવની રાહ જોવામાં આવે છે અને જેવો સકારાત્મક પ્રતિભાવ મળે કે તરત એ વ્યક્તિની પાસે જાતજાતના પ્રોસેસિંગ ચાર્જ એડવાન્સ માંગવામાં આવે છે. આ રકમ વ્યક્તિને પ્રાપ્ત થનાર રકમની તુલનાએ અત્યંત નજીવી હોવાથી વ્યક્તિએ રકમ ભરવા લલચાય છે અને આખરે છેતરાય છે.

કેટલાંક કોલ સેન્ટર્સ અને તેનાં જુવાન માલિકો પણ ઝડપથી માલેતૂજાર બની જવાનાં મોહમાં આવા ષડયંત્રોમાં સહભાગી થઈ જતા હોય છે. પરદેશમાં અને હવે કંઈક અંશે આપણા દેશમાં પણ વીમાનાં હપ્તા, લોનનાં હપ્તા, બિલ્સ કે પછી ટેક્ષની રકમ ઈ-બેન્કિંગ દ્વારા ચૂકવવામાં આવે છે. જેઓને આ પ્રકારની ચૂકવણી કરવાની હોય તેઓને કોલ સેન્ટરની સિસ્ટમ દ્વારા ફોન કરી ધમકાવવામાં અને ડરાવવામાં આવે છે. સજા કે શિક્ષાનાં ડરથી ગભરાઈ ગયેલો બિચારો ગ્રાહક તુરંત જણાવવામાં આવેલ બેન્ક ખાતામાં રકમ ભરી દે છે અને એ રકમ કંપની કે સરકાર સુધી ન જતાં બારોબાર કોઈ જુદા જ ખાતામાં જમા થઈ જાય છે.

ઘણા કિસ્સામાં વ્યક્તિને ફોન કરીને તેનાં કોઈ સ્વજનની આકસ્મિક માંદગી કે મરણનાં સમાચાર આપવામાં આવે છે. આથી તીવ્ર આઘાત અનુભવનાર વ્યક્તિએ ફોનની માહિતીને તુરંત સાચી માની લે છે અને સ્વજનનો જીવ બચાવવા માટે ફોન કરનાર વ્યક્તિને તેની સૂચના મુજબ પૈસા મોકલી આપે છે. આવી ઘટનામાં છેતરપિંડી કરનાર વ્યક્તિ મોટે ભાગે પરિચિત અથવા તો સંબંધી હોય છે એ વાત વધારે આઘાતજનક હોય છે.

જોકે ફોન દ્વારા થતી છેતરપિંડીની યુક્તિઓ અને ઘટનાઓ વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે. પણ આપણે હવે સાવધ થઈ જવા જેવું તો ખરું જ કે હવે ટેકનોલોજીનો ઉપયોગ છેતરપિંડી માટે પણ થઈ શકે છે. આપણા માટે હંમેશાં હાથવગો રહેતો અને આપણો લાડકો ફોન પણ આપણને કોઈ ધૂતારાનો શિકાર બનાવી શકે છે. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરી સંપર્ક વધારતાં પહેલાં એ વ્યક્તિ વિશે તેની સાથેની વાતચીત વિશે અને તેની સાથેનાં સંબંધનાં પરિણામ વિશે અચૂક વિચારી લેવું જોઈએ. આ બદાાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એક જ છે લાલચ બિલકુલ ન કરવી જોઇએ.

[email protected]