અયોધ્યા અને લાહોર : એક જટિલ પેરાડોક્સ - Sandesh
  • Home
  • Columnist
  • અયોધ્યા અને લાહોર : એક જટિલ પેરાડોક્સ

અયોધ્યા અને લાહોર : એક જટિલ પેરાડોક્સ

 | 12:41 am IST

ઓવર વ્યૂ :-  ચંદ્રકાન્ત મારવાડી

ઉલ્લાસપૂર્વક કુંભની ઉજવણી થઈ રહી છે. કુંભ અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા વિશ્વભરમાં પથરાયેલાં ભારતીય મૂળનાં લોકો આવી રહ્યાં છે. ભારત અને તેની પ્રાચીન સંસ્કૃતિની વાતો થઈ રહી છે. આવી વાતચીત દરમિયાન એક આગંતુક પ્રવાસીને જ્યારે કહેવામાં આવ્યું કે અયોધ્યામાં રામ રાજ કરતા હતા, તેમના ત્રણ ભાઈ અને બે પુત્રો પણ હતા. રામના ભાઈ ભરતે જ ગાંધાર પર વિજય મેળવીને પોતાના બે પુત્રોને નામે પુશ્કલાવતી(પેશાવર નજીક અવશેષો) અને તક્ષશિલાનગર વસાવ્યાં હતાં. રામપુત્ર લવે લવકોટની સ્થાપના કરી હતી કે જેને આજે લાહોર તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાસી આ સાંભળીને અચંબામાં પડયો, તેનું મગજ ચકરાવે ચડયું.

પ્રવાસીનું મન કેમે ય કરીને એ માનવા જ તૈયાર નહોતું થતું કે લાહોર માત્ર અયોધ્યા જ નહીં પણ રામ સાથે સમાંતર ઇતિહાસ ધરાવે છે. પેશાવર અને તક્ષશિલા પણ? તેને પ્રશ્ન થયો કે તો પછી આજકાલ અયોધ્યાને ખભે જ મૂકેલાં નાળચાં લાહોર તરફ શા માટે તકાઈ રહ્યાં છે? કયાં કારણોસર? અયોધ્યા પોતે જ લાહોર-પેશાવરને ભૂલી ગયું હશે?

પ્રવાસીની જિજ્ઞા।સા વધી. આજનાં લાહોર અને પેશાવર ભણી નજર કરી તો સોલોમોન માઉન્ટેન, ધર્મરાજકા સ્તૂપ જેવાં સ્થાપત્યોને બાદ કરતાં રામ કે લવ વિશે વાત કરવા તેની પાસે જાણે કાંઈ જોવા ના મળ્યું. અરે લાહોર નવું સ્ટેડિયમ બનાવે તો પણ ગદ્દાફી સ્ટેડિયમ નામ આપે. ક્યાંક બાગ-એ-રામ જેવા શબ્દના પ્રયોગ સાંભળવા મળે, બાકી કાંઈ જ નહીં. પ્રવાસીને થયું કે અયોધ્યા જે ઇતિહાસની વાત કરે છે તેની લાહોર અને પેશાવરને જાણે કે ગતાગમ જ નહીં હોય?

પ્રવાસીએ પાછી અયોધ્યા પર નજર ફેરવી. તેને વિચાર આવ્યો કે ભલે લાહોર અને પેશાવરને પ્રાચીન ઇતિહાસની ગતાગમ ના હોય પણ અયોધ્યા? અયોધ્યા તો ઘડિયા-આંકની જેમ આ તથ્યોને યાદ રાખી રહ્યું છે.

છતાં અયોધ્યાને ખભે મુકાયેલાં નાળચાં લાહેર તરફ મંડાયાં?

પ્રાચીન સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમની અયોધ્યાની વ્યાખ્યામાંથી માત્ર લાહોર-લવકોટની જ બાદબાકી?

આગંતુકે ફરી પેશાવરની દિશામાં નજર દોડાવી. તેણે જોયું કે હિંદુકુશ પર્વતમાળા તો તખ્ત-એ-સોલોમન પહાડની સામે જ પથયારેલી છે અને અયોધ્યા તખ્ત-એ-સોલોમન વિશે નહીં જાણતું હોય?

સામે આવેલા પ્રશ્નોથી પ્રવાસી પોતે મૂંઝાઈ ગયો. પ્રશ્નોનો જવાબ મેળવવા એક હજાર વર્ષના ઇતિહાસનાં પાનાં ઊથલાવ્યાથી કાંઈ હાથ લાગશે? પ્રશ્ન પેચીદો હતો, જવાબ પણ પેચીદો હશે? ઇતિહાસનાં પાનાં ફંફોસતાં આગંતુકે જોયું કે આનંદપાલનાં નેતૃત્વમાં પેશાવર અને લાહોરે જ મહમદ ગઝની સામે લડત આપી હતી અને અયોધ્યા આ હકીકત નહીં જાણતું હોય? સમાંતર ઇતિહાસ ધરાવતાં અયોધ્યા અને લાહોર બુદ્ધની જેમ મૌૈન કેમ બની રહ્યાં છે? તો શું પેશાવરે લીધેલા એક ફિલ્ટર્ડ નિર્ણય પછીથી એવો ભાસ સર્જાયો છે કે લાહોર અને અયોધ્યા એકબીજાને ઓળખતાં નથી?

એક ફિલ્ટર્ડ નિર્ણય અને…

સબ્કતિઘિનના પુત્ર મહમદ ગઝની (ઈ. ૯૯૮-૧૦૦૨)એ પેશાવર, લાહોર વગેરેને તારાજ કર્યા પછી દેશના અંતરિયાળ પ્રદેશો પર ત્રાટકવાનું શરૂ કર્યું હતું. તેના અનુગામીઓ દિલ્હીમાં તુર્ક સલ્તનતનાં રૂપમાં રાજ કરવા લાગ્યા હતા. તેવામાં લાહોર અને પેશાવરે તુર્ક ધૂંસરીમાંથી કાબુલને મુક્ત કરાવી ચૂકેલા મુઘલને સાથ આપવાનો એક ફિલ્ટર્ડ નિર્ણય(ઈ.૧૫૨૬) લઈ લીધો. હા, લાહોરે જોયું હતું કે કાબુલને આક્રમણકારી તુર્ક ધૂંસરીથી મુઘલે મુક્ત કરાવ્યું હતું. લાહોરના એ ફિલ્ટર્ડ નિર્ણયને કારણે જ દિલ્હી અને દેશ તુર્ક સલ્તનતનાં શાસનથી મુક્ત થયો. સોમનાથ સહિતનાં અનેક મંદિરોમાં લૂંટ ચલાવનારી તુર્ક સલ્તનતનો દિલ્હીમાં અંત આવતાં જ પુરવાર થયું કે લાહોરે મુઘલને સમર્થન આપવા લીધેલો નિર્ણય સાચો હતો.

પણ પછી શું થયું?

લાહોર પેશાવરના આ ફિલ્ટર્ડ નિર્ણયને લીધે જ તેમને આરોપીનાં પાંજરામાં ઊભું રાખીને દેશવાસીઓએ સવાલ પૂછવાનું શરૂ કર્યું? અયોધ્યામાં ઊભા રહીને લાહોરને તેના આ નિર્ણય વિશે પ્રશ્ન પૂછવા લાગ્યા?

તુર્ક ઓટ્ટોમન ખિલાફતને પ્રજાનું સમર્થન

આગંતુક પ્રવાસીએ જોયું કે લાહોર-પેશાવરે મુઘલને સમર્થન આપવા કરેલા નિર્ણયને પડકારી રહેલાઓએ જ ઇતિહાસના એક પડાવ પર તુર્ક હાનેદાની ઓટ્ટોમન ખિલાફતને સમર્થન (૧૯૧૯-૧૯૨૪) આપી દીધું.

દિલ્હી તુર્કશાહીનો અંત આણનાર મુઘલ અને લાહોર નહીં પણ સોમનાથને લૂંટનારા તુર્કો દ્વારા જ તુર્કસ્તાનમાં ઊભી થયેલી ઓટ્ટોમન ખિલાફતને સમર્થન? ગઝની અને ઘોરીની વારસ એવી દિલ્હીની તુર્ક સલ્તનતને મુઘલે ઉખાડી ફેંકી હતી, લાહોરે ઉખાડી ફેંકી હતી… અને એ જ તુર્કની ઓટ્ટોમન ખિલાફતના તુર્કસ્તાનનાં શાસનને કાયમ કરવા દેશવાસીઓનું સમર્થન? પ્રશ્નોની હારમાળા આગંતુક પ્રવાસીનાં માનસ પર કબજો જમાવવા લાગી.

શું લાહોર ત્યારથી ખામોશ બની ગયું? અયોધ્યાના ખભે નાળચાં મૂકીને લાહોર-પેશાવરને નિશાન પર લેવાની છૂટછાટ શું ત્યારથી મળી? આનંદપાલ અને જયપાલની પડખે રહીને ગઝની અને ઘોરી સામે લડેલાં લાહોર-પેશાવર અને તખ્ત-એ-સોલોમન પર અવિશ્વાસ અને બોઝોન કોન્ફેડરેશનની કાયી ટ્રાઇબ દ્વારા ઊભી થયેલી તુર્ક ઓટ્ટોમન ખિલાફત પર વિશ્વાસ? લાહોર તે જોઈ ખામોશ બની ગયું? રામના પુત્ર લવે લવકોટ-લાહોર વસાવ્યું હોવાનું યાદ રહ્યાં છતાં લાહોર પર અવિશ્વાસ અને તુર્ક ઓટ્ટોમન ખિલાફત પર વિશ્વાસ? તુર્કસ્તાનમાં ઓટ્ટોમન ખિલાફત ઊભી કરનારી બોઝોન કોન્ફેડરેશનની કાયી ટ્રાઇબ અને તે રાહે જાપાનનાં ‘ક્યોતો’માં વસી રહેલા સમૂહો પર વિશ્વાસ અને લાહોર-પેશાવર પર અવિશ્વાસ?

પ્રવાસીનાં માનસપટ પર પ્રશ્નાર્થનું કદ વધવા લાગ્યું. મર્યાદા પુરુષોત્તમની ભૂમિ અયોધ્યાના ખભે મૂકીને લવકોટ-લાહોર અને પેશાવર તરફ નાળચું? પ્રશ્ન એ પણ થયો કે અયોધ્યામાં રામ કે લવ-કુશ હોત તો? ત્યાં જ આગંતુકના કાને ધરતીમાં સમાઈ ગયેલાં એક નારીનો અવાજ ગુંજ્યો…’આ અયોધ્યા છે… રામનો તો ધર્મમાત્ર છે… વનવાસ…!’

પ્રવાસીને પ્રશ્ન થયો કે અયોધ્યા અને લાહોર વચ્ચેના સનાતન બહુમૂલ્ય સંબંધોની મર્યાદાઓ ભૂંસાઈ રહી છે કે ભૂંસી નાખી છે ? લાહોર – અયોધ્યા વચ્ચેના સનાતન સંબંધો ભૂંસાવાના ઘટનાક્રમ પર નજર નાખવા ઇનકાર ? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ? રંકારને ઓળખ્યા વિના જ લાહોર તરફ પીઠ માંડીને અયોધ્યામાં ઊભા રહી ત્રિલોકપતિ રામને ઓળખતા હોવાના દાવા? Lava Temple લાહોર ફોર્ટમાં આવેલું છે, વાલ્મિકી મંદિરનું આજે પણ લાહોરમાં સંચાલન થાય છે. લાહોરે આ બંનેથી ક્યારેય કિનારો નથી કાપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન