Ayodhya case : Supreme extends time till August 15 for mediation process
  • Home
  • Featured
  • અયોધ્યા મામલો વધુ 3 મહિના ટળ્યો, મધ્યસ્થતા પેનલને 15 ઓગષ્ટ સુધીનો સમય અપાયો

અયોધ્યા મામલો વધુ 3 મહિના ટળ્યો, મધ્યસ્થતા પેનલને 15 ઓગષ્ટ સુધીનો સમય અપાયો

 | 11:31 am IST

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે વધુ ત્રણ મહિના માટે ટાળી દીધો છે. વડી અદાલતે આ મામલો પરસ્પર સહમતિથી ઉકેલવા માટે મધ્યસ્થતા પેનલને 15 ઓગષ્ટ સુધી ટાળી દીધો છે. સુપ્રીમ કોર્ટે 8 માર્ચે પોતાના નિર્ણયમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ ભૂમિ વિવાદને ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થી નિમ્યા છે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ એફએમ કલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ શામેલ છે.

આ પેનલે વડી સુપ્રીમ કોર્ટમાં મધ્યસ્થતા માટે વધારે સમયની માંગણી કરી હતી. કોર્ટે પેનલની માંગણી સ્વિકાર કરી લીધી હતી અને તેમને લગભગ ત્રણ મહિના સુધીનો સમય આપ્યો હતો. જોકે કેટલાક હિન્દુ પક્ષકારોએ મધ્યસ્થતાની પ્રક્રિયા પર વાંધો પણ ઉઠાવ્યો છે, જ્યારે મુસ્લિમ પક્ષકાર તેના સમર્થનમાં છે.

બાબરી-મસ્જિદ, રામ જન્મભૂમિ વિવાદને મધ્યસ્થતાથી ઉકેલવા બાબતે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. મધ્યસ્થતા કમિટિ બનાવ્યા બાદ પ્રથમ વખત સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની કમિટિને આ વિવાદને ઉકેલવા માટે 15મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એવું પણ જણાવ્યું હતું કે, “આખી પ્રક્રિયા ગુપ્ત હોવાથી આ બાબતે અમે અન્ય કોઈ માહિતી જાહેર કરી શકીએ નહીં.”

પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની પાંચ જજોનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના આઠમી માર્ચના આદેશ બાદ શુક્રવારે પ્રથમ સુનાવણી કરી હતી. આઠમી માર્ચના રોજ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવી જોઈએ અને સમિતિએ ચાર અઠવાડિયાની અંદર તેમનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે સમિતિને આ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરીને આઠ અઠવાડિયામાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

શરૂઆતમાં નિર્મોહી અખાડા અને ઉત્તર પ્રદેશ સરકારને બાદ કરતા હિન્દુ સંસ્થાઓએ કોર્ટના આ સૂચનનો વિરોધ કર્યો હતો. જ્યારે મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હિન્દુ સંસ્થાઓનું કહેવું હતું કે સમધાન માટે પહેલા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યક્તિ કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન